અનંતકાળથી આત્માએ સંસારની જડ બાબતો કે પદાર્થો સાથે તાદાત્મ્ય કેળવ્યુ છે અને ચેતન તરફ દુર્લક્ષ સેવ્યું છે એટલે કે સંસારની માયા સમાન શરીર, સંબંધ, ધન, પદ, પ્રતિષ્ઠા વગેરેને પ્રેમ કર્યો છે આસક્તિ સેવી છે જેના કારણે ચેતનતત્વ (પરમતત્વ (આત્મા-પરમાત્મા) ભુલાઈ ગયું છે અને આ ચેતન તત્વ જ અનંત શક્તિ ધરાવે છે.
જેના દ્વારા જ જડતત્વમાં ગતિ તેમજ જીવંતતા ભાસે છે. વળી આ તમામ જડ સાથેના તાદાત્મ્ય પાછળ કોઈ માધ્યમ હોય તો તે દેહ-ઈન્દ્રિયો-મન છે. આ ત્રણેના વાસ્તવિક સ્વરૂપને જ્યાં સુધી ન સમજી શકાય ત્યાં સુધી બંધન, પીડા કે દુઃખમાંથી મુક્ત થવું અશક્ય છે. આ શરીર, ઇન્દ્રિયો કે મનના યથાર્થ સ્વરૂપને કાં તો આપણે ઓળખતા નથી અથવા કહો કે ઓળખવા છતાં યથાર્થ જાણતા નથી. કેમ કે આ માનવદેહ એટલે બીજું કાંઇ નહીં પરંતુ ભૂખ-તરસ-થાક-ગંદકીનું પ્રોડકશન સેન્ટર. વળી આ તમામનું પ્રોડકશન રાત-દિવસ ચાલુ એટલે કે ઝાડો-પેશાબ જેવી ગંદકી ગમે તેટલી બહાર ફેંકો તેનું ઉત્પાદન બીજી જ મિનિટથી શરુ થઇ જાય. ભૂખ કે તરસ સંતોષતાની સાથે જ ફરી ઉદભવવાની પ્રક્રિયા ચાલુ, એ જ રીતે આરામ આપવા છતાં શરીર સતત થાક્યા જ કરે. સાંજ પડે શરીર થાકીને ચૂર થઈ જાય, તેને આરામ આપવો જ પડે અને તે પછી પણ ફ્રેશનેસ થોડીવારની અને ફરી થાકવાની પ્રક્રિયા ચાલુ. આ ઉપરાંત વધુ મજેદાર વાત તો એ કે આ ચારેયનું કામચલાઉ નિવારણ એટલે આપણા માટે સુખ. ભૂખ કે તરસ લાગે સારું ખાઇ-પી લો, થાક લાગે આરામ કરો, સવારમાં પેટ સાફ આવે એટલે જાણે આપણે ખુશ. વિચારો આ તો મલમ લગાડવાનો આનંદ લેવા માટે જાણીજોઈને દાઝવા જેવી વાત છે.
આ જીવન એટલે એક તરફ ભૂખ-તરસ-થાક-ગંદકી જેવા દુઃખોનું ઉત્પાદન અને સંચયની અવિરત પ્રક્રિયા અને બીજી બાજુ ટેમ્પરરી રિલીફના ઉપાયો જેવી ભોગની પ્રક્રિયા. જે પણ અવિરત ચાલે અને જીવનમાં સુખનો આભાસ પેદા કરે. હવે કહો શાસ્ત્રો જે કહે છે કે “આ ભૌતિક જગતમાં સુખ જેવી ચીજ છે જ નહીં” તે શું ખોટું કહે છે? એ જ અંતિમ સત્ય છે. જે આપણને સમજાતું નથી. દુનિયામાં એવી કોઈ આગ હશે કે જે કદી બુઝાય નહીં અને જો હોય તો તે આપણને ગમે ખરી? પરંતુ આ ભૂખ-તરસ-થાક-ગંદકીની આગ જન્મથી મૃત્યુ સુધી પ્રજ્વલિત જ રહે છે. જે આપણને તમામ રીતે ખતમ કરી નાખે છે છતાં તે આપણને ગમે છે કેવી વિચિત્ર વાત છે! માત્ર શરીર જ નહીં ઈન્દ્રિયો અને મન પણ આ ચારની માવજતમાં જ લાગેલા રહે છે અને આત્મારૂપી અતિ મહત્વના ચેતનતત્ત્વને આપણે ભૂલી જઈએ છીએ. આ અવિરત ચાલતી આગના યથાર્થ સ્વરૂપને સમજવું આવશ્યક છે.
આપણે સૌ જાણીએ છીએ આપણામાં રહેલી જઠરાગ્નિ નાશ પામે કે તરત માણસ મરી જાય છે. ભૂખ બંધ એટલે માણસ ખલાસ. ટૂંકમાં જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે એટલે કે આ ચાર પ્રત્યે લગાવ રહેશે ત્યાં સુધી જીવન અવિરત (૮૪ લાખ ફેરા) ચાલુ રહેશે, માત્ર જે તે વસ્તુની આસક્તિ અનુસાર યોની બદલાશે. કદાચ આપ સૌ જાણતા જ હશો કે સૌથી વધારે ભૂખ-તરસ-થાક-ગંદકી દુર્ગતિમાં હોય છે એટલે જ તેને નર્કયોની કહે છે. આ ચારની તીવ્રતા નર્કયોની કરતા તિર્યંચયોનીમાં (પશુ-પક્ષીમાં) ઓછી, તેના કરતાં માનવયોનીમાં ઓછી અને સૌથી ઓછી દેવયોનિમાં હોય છે. એનો અર્થ એ થયો કે આ ચાર તત્વ (ભૂખ-તરસ-થાક-ગંદકી) માટેની આસક્તિ જેની ઓછી અથવા જેનો આ તમામ પર વિશેષ કાબુ તે જીવ ઉર્ધ્વગતિ માટે લાયક કહેવાય. આમ સદગતિની ઈચ્છા રાખનારે કમ-સે-કમ આ ચાર પર સંયમ રાખતા તો શીખવું જ જોઈએ કેમ કે જ્યાં સુધી દેહનું બંધન છે ત્યાં સુધી આ ચારનો સંપૂર્ણ ત્યાગ કોઈના માટે શક્ય નથી પરંતુ તેનો મોહ અને આસક્તિ તો છોડવી જોઈએ.
ભૌતિક સુખની પ્રાપ્તિ આ ચાર તત્વોની હાજરી દ્વારા જ શક્ય છે. આપણને અનાદિકાળથી આ તમામ પર પ્રેમ છે એટલે જ આપણે શરીરના બંધનમાં છીએ. કેમ કે તે દ્વારા જ ભૌતિક કે શારીરિક સુખ ભોગવી શકાય છે. જેને આ ચારનો મોહ નથી તે તો આજ નહીં તો કાલ મોક્ષ મેળવી જ લેશે. ટૂંકમાં સૃષ્ટિના તમામ ભૌતિક સુખોની આધારશીલા જ આ ચાર પરિબળ છે. જેના કામચલાવ નિરાકરણ દ્વારા જ તમામ ભૌતિક સુખની ઉત્પત્તિ થાય છે. એટલે જ જ્ઞાની પુરુષો જણાવે છે કે જો આ જડની દુનિયાને સમજી લઈએ તો તેના પરનો પ્રેમ કે અહોભાવ આપોઆપ છૂટી જાય. જેવી શરીરની ભૂખ છે તેવી જ અથવા કહો તેના કરતા અનેકગણી ઇન્દ્રિયોની ભૂખ હોય છે. તે પણ ચોવીસ કલાક કાર્યરત રહે છે. અનુકૂળ વિષયો માટે આપણી ઇન્દ્રિઓ સતત તડપતી જ રહે છે.
એ જ રીતે મનની ભૂખ પણ સતત અસ્તિત્વ ધરાવે છે જેમકે માન-પાન, આદર-સત્કાર, પ્રસંશા વગેરેની ઈચ્છા એ બીજું કંઈ જ નહીં માનસિક ભૂખ છે. વળી કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષા વગેરે પણ મનની ભૂખ છે. દા.ત. દરેક મનુષ્યની અપેક્ષા હોય છે કે બધા મને અનુકૂળ થઈ રહે અને ના થાય એટલે ક્રોધ આવે, એ જ રીતે કામ પ્રથમ મનમાં જાગે છે અને ત્યારબાદ તેની અસર શરીર પર થાય છે. સેકસ બાયોલોજીકલ ડિમાન્ડ નથી સાઇકોલોજિકલ ડિમાન્ડ છે. એ જ રીતે લોભ, અહંકાર વગેરે મનની ભૂખ છે. ટૂંકમાં આપણે જીવનમાં જે દુઃખના ડુંગરા લઈને ફરીએ છીએ તે માત્રને માત્ર શરીર, ઇન્દ્રિયો અને મનની દેન છે. વળી આ શરીર મન કે ઇન્દ્રીઓની તૃપ્તિ ભલે કામચલાઉ હોય પરંતુ તે પુણ્યને આધીન છે. એટલે કે ભૂખ, તરસ, થાક અને ગંદકીનું નિવારણ પુણ્યને આધીન છે. તે જ રીતે મનની ભૂખનું સમાધાન પણ પુણ્યોને પ્રતાપે છે. એ દૃષ્ટિએ પુણ્યનું ઘણું મહત્વ છે. પરંતુ મોક્ષ કે મુક્તિ માટે તો પુણ્યને પણ છોડવાનું જ છે કેમ કે આ પુણ્ય પણ તમને માત્ર કામચલાઉ શાંતિ આપશે. જેમ દાઝેલાને મલમથી જે શાંતિ મળે કે ગરમીથી અકળાયેલાને A.C થી જે શાંતિ મળે એટલી જ તૃપ્તિ પુણ્ય આપી શકે. પરંતુ જીવનરૂપી કે શરીરરૂપી અગ્નિમાં દાઝવાથી મુક્તિ તો વાસ્તવિક દૃષ્ટિકોણ અને યથાર્થ સમજણ જ આપી શકે. વળી શરીર અને ઈન્દ્રિયોનું ચાલકબળ મન છે અને મનમાં જ્યાં સુધી મોહ અને આસક્તિથી છે ત્યાં સુધી માનસિક ભૂખ રહેવાની. વળી અનંતકાળથી જીવાત્માના મનમાં આવી આગ લાગેલી છે જેને આપણે ભોગ અને વિષયો દ્વારા ઠારવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ સળગતા દીવામાં તેલ રેડવાથી આગ બુઝાય ખરી? એટલા માટે શાસ્ત્રો દેહ, ઈન્દ્રિયો અને મનની ભૂખમાથી છૂટવાની સલાહ આપે છે. કેમ કે દરેક જીવનું અંતિમ લક્ષ્ય તો પરાકાષ્ઠાના સુખની પ્રાપ્તિ જ છે.
જે પૂર્ણ સુખ શરીર-ઇન્દ્રિયો-મનના યથાર્થ સ્વરૂપને જાણ્યા વગર કે તેની આગમાંથી છૂટ્યા વગર મેળવવું શક્ય નથી. આત્માને જ્યારે દેહ, ઈન્દ્રિય અને મન વળગે ત્યારે અનેક ઉપાધિઓની હારમાળા સર્જાય. હકીકતમાં આપણે ભૂખ-તરસ-થાક-ગંદકીને દુઃખ માનતા જ નથી એ જ કરુણતા છે, મનની ભ્રાંતિ છે. જો કોઈ આપણને પૂછે કે તમને કેટલા માનપાનની ઈચ્છા છે? તમારે કેટલા પૈસા જોઈએ? તમને કેટલી ભૂખ છે? તેના જવાબ દ્વારા કદાચ સમજાય કે ભૂખ અમર્યાદિત છે. જે દઝાડીને ઠારે એવું સુખ આપે છે. પરંતુ આપણે દાઝયા વગર મળતાં સુખને સમજ્યા જ નથી તેથી તે દિશામાં પ્રયત્નો પણ કરી શકતા નથી. જન્મો-જન્મથી આપણે ભૌતિકજગતમાં સુખને શોધીએ છીએ પણ મેળવી શક્યા નથી કેમકે જે વસ્તુ જ્યાં છે જ નહીં ત્યાં શોધવાથી મળે કેવી રીતે? સાચા સુખની પ્રાપ્તિ માટે પ્રકૃતિ બદલવી જ પડે. પરંતુ આપણે તો સ્વીકારી લીધું છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. હવે જેણે હાર સ્વીકારી જ લીધી હોય તેને કોણ જીતાડી શકે? ધર્મ વાસ્તવમાં આંતરિક પરિવર્તન ઇચ્છે છે અને સાચા ધાર્મિક માણસની પહેલા માન્યતા બદલાય ત્યારબાદ પ્રકૃતિ અવશ્ય બદલાય.
જો માન્યતા અને પ્રકૃતિ ન બદલાય એટલે કે આંતરિક પરિવર્તન ન આવે તો તેવો ધર્મ કોઈ રીતે ઉપયોગી નથી. પ્રકૃતિમાં ફેરફાર મુત્યુ બાદ નહીં જીવતા-જીવત કરવાનો હોય છે અને ભૂખ-તરસ-થાક-ગંદકીસભર શરીરના યથાર્થ તત્વને સમજવું અનિવાર્ય છે. જન્મ જ દુઃખનું કારણ છે. પવિત્ર અને નિર્દોષ મનવાળા કદી જન્મતા નથી. નિર્દોષ કદી જન્મે નહીં અને જે જન્મે તે કદી નિર્દોષ હોય નહીં એ દ્રષ્ટિએ આપણે સૌ દોષી છીએ અને આપણે નિર્દોષ બનવાનું છે. જે માટે શરીર-ઈન્દ્રિયો-મનને સમજવું આવશ્યક છે. જેના દ્વારા ભૂખ-તરસ-થાક-ગંદકીના યથાર્થ સ્વરૂપને પણ સમજવું પડે એ સિવાય જન્મરૂપી સજામાંથી મુક્તિ ન મળી શકે. જડમાં મગ્નતા એ વાસ્તવમાં વિકૃતિ છે. જેનાથી મુક્ત થવા સંકલ્પ અને સંયમરૂપી જડીબુટ્ટી કારગત નીવડી શકે. દ્રઢ સંકલ્પ દ્વારા ભૂખ, તરસ, થાક, ગંદકી, ક્રોધ, કામ, લોભ, અહંકાર, ઈર્ષા વગેરે તમામ પર કાબૂ મેળવી શકાય. જેના માટે સંયમરૂપી પુરુષાર્થ રામબાણ ઈલાજ છે. જે અમૃતમય દવા છે.
આત્માનો ખરો આનંદ તો ધીર-ગંભીર પ્રશાંત ભાવમાં છે. રડવું, હસવું, ખુશ થવું, શોક કરવો વગેરે વિકૃતભાવ છે જે અજ્ઞાનનું પરિણામ છે. “સ્વ”ને ઓળખી આ તમામથી છૂટી શકાય. એવી કોઈ પણ પ્રવૃત્તિ જેમાં વિકાર કે વાસના ન હોય ત્યાં નિર્દોષ આનંદ અવશ્ય જન્મે છે. એ જ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. જે દઝાડ્યા વગર ઠારે છે. એટલે તો 18 દોષથી રહિત તત્વને પરમતત્ત્વ (પરમાત્મા) તરીકે ઓળખવામાં આવે છે. દરેક જીવમાં પરમાત્માની શક્તિ છે જરૂર છે માત્ર તેને ઓળખવાની. સમગ્ર જગત કે સૃષ્ટિ વિકારોથી સભર છે. જ્યાં નિર્દોષ કશું જ નથી. બધે સ્વાર્થની માયા છે એટલે તેનો મોહ કરવા જેવો નથી. મનથી તેની આસક્તિ છૂટતા અવિરત પરમ આનંદની સ્થિતિ શક્ય બને છે. બસ જરૂર છે માત્ર સંકલ્પ અને સંયમની.


















































