“આવો આવો, રંગબેરંગી માણસ લઈ લો, જાત – જાતના, ભાત – ભાતના, મોટા – પતલા, ઊચા – નીચા, સારા – ખરાબ માણસોની અલગ અલગ વેરાયટી આવો આવો.” “૨ માણસ ખરીદો અને ૧ નાનું બાળક માણસ મફત મેળવો, આવો આવો આ ઓફર ટૂંક સમય માટે જ છે.” પૃથ્વી પર ૨૧૬૦ માં માણસ વેચાણ કેન્દ્ર શરૂ થયું છે, ૨૧૦૦ ની સાલમાં મંગળ ગ્રહ પરથી અમુક એલિયન પ્રજાતિઓએ પૃથ્વી પર આક્રમણ કરી અહીંના નેતાઓને મંગળ ગ્રહ પર આવતી ચુંટણીમાં સીટ આપશુ એમ કહી, પૃથ્વીને યુદ્ધમાં હરાવ્યું અને અલગ અલગ ગ્રહના લોકોને પૃથ્વી પર બોલાવીને, પૃથ્વી પર રહેતા હાઈલી ઇન્ટેલિજન્ટ માણસોની નુમાઈશ(હરાજી) શરૂ કરી છે.
પ્લૂટો ગ્રહનો એક એલિયન તેના પરિવાર સાથે આ હરાજીમાં માણસ ખરીદવા માટે આવે છે અને ત્યાં ઊભેલી એક સુંદર સેલ્સ એલિયનને માણસ વિશેના પ્રશ્નો પૂછે છે, “મેડમ, મારે મારા છોકરાને સવારથી રાત સુધી સાચવી શકે, તેને ભણાવી શકે તેવા એક માણસની જરૂર છે.”
“ચોકક્સ સર, આ જોવો આ છે અમારા વન એન્ડ ઓન્લી માણસ ખૂબ જ કાબિલ અને જાણકાર. એવું કહેવામાં આવે છે કે ૨૦૧૦ થી ૨૦૪૦ ના સમયમાં આ માણસો ખૂબ જ ધનવાન હતા અને તેમના બાળકોને એ લોકો ના સાચવતા, સાચવવા માટે એ લોકો નોકર રાખતા હતા. ઘરના કૂતરાને તેઓ પોતાના રૂમમાં સુવડાવતા અને પોતાના છોકરાના રૂમ અલગ રાખતા ત્યાં સ્પેશિયલ નોકર જેને એ લોકો નેની કેહતા, તેની સાથે છોકરાને મોટો કરતાં. આવા માણસોની અમારી પાસે અવનવી કેટેગરી છે, કલાકાર, નેતા, ખેલાડી, ગાયક, બિઝનસમેન. તમને જે ગમે તે જોવો અને લગાવો બોલી.” મંગળ ગ્રહની સેલ્સ એલિયનએ ટેપ રેકોડરની જેમ માહિતી આપી.
બાજુના સ્ટોલ પર યુરેનસ ગ્રહ પરથી વૃદ્ધ એલિયન માણસની અલગ અલગ જાતો વિશે ચર્ચા કરે છે. “મને છે ને મને સાચવી શકે તેવા ૨ પુરુષ માણસોની જરૂર છે, હું હવે વૃદ્ધ થયો, મારા ખુદના ૨ એલિયન છે પણ તેઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમની એલિયન પત્નીઓને હું વૃદ્ધ ઘરમાં પોસાતો નથી.” સામે ઉભેલા સેલ્સ એલિયને જરૂર મુજબના માણસોને આગળ કર્યા અને તેની વિગતવાર સમજણ આપતો ગયો, “સાહેબ, તમે એકદમ સાચા સ્ટોલ પર આવ્યા છો, અહી પૃથ્વીના સૌથી સારા માં સારા માણસોનો સ્ટોક છે, જોવો આ જે માણસ છે તેણે તેના પિતા કહેવાતા માણસને ખૂબ હેરાન કરેલ છે, માર પણ મારેલો છે. આ બીજા એક માણસ છે તેઓએ તો તેના મા – બાપ કહેવાતા માણસોને અમેરિકા જેવા દેશમાં બોલાવી નોકરની જેમ કામ કરાવેલું.”
સેટર્ન ગ્રહમાંથી અમુક નાના એલિયન બાળકો પ્રવાસમાં આવ્યા છે અને આ માણસોના હરાજીનો મેળો જોઈને તો ઘેલા થઈ ગયા છે. એક એલિયન બાળક સ્ટોલ પર જઈને, ત્યાં રહેલા નાના બાળક માણસોના સ્ટોલ પાસે પહોંચે છે અને ત્યાં બધુ જાણે છે, “શું તમારી પાસે એવું માણસ બાળક છે જે, મારુ હોમવર્ક કરી શકે, જે મારા શિક્ષકને હેરાન કરી શકે, પૈસાની ચિંતા ના કરતાં મારા એલિયન પપ્પા પાસે ખૂબ પૈસા છે, તમે ઓળખતા નથી મારા પપ્પા સેટર્ન ગ્રહની બોવ ઉચ્ચી નોટ છે.” હા, હા લ્યો આ જોવો તમારી જેમ જ આ બાળક માણસ, એક સમયમાં તેના પપ્પા પણ ભારત જેવા કેવાતા દેશના નેતા હતા, અને આ બાળક માણસ તેના જ ફાકા આખા શહેરમાં મારતો.” સ્ટોલ પર રહેલા કર્મચારીએ વિવેકથી જવાબ આપ્યો.
વિનસ ગ્રહ પરથી એક ભિખારી જેવો લાગતો એલિયન ત્યાં આ મેળાની બહાર ઉભેલા અને પથારો પાથરીને સસ્તા માણસોની હરાજી ચાલુ હતી ત્યાં પૂછપરછ કરે છે, “શું મારી જેવા લાગતાં ભિખારી માણસો અહી તમારી પાસે મળી રહેશે?” “હા, હા બિલકુલ જોવો આ ભીખ માંગતો ભિખારી, આ ગાંડા કાઢતો માણસ, આ મંદિરોમાં બહાર બેસીને ભીખ માંગતો માણસ, આ તેના બાળક માણસો પાસે ભીખ મંગાવતો માણસ, મજૂરી કરતો માણસ, ચોરી કરતો માણસ, ગુનેગાર માણસ. દરેક પ્રકારના છે, જે જોવે તે સસ્તાના ભાવ માં લઈ જાવ.” ત્યાં ઉભેલા દુકાનદારે માહિતી આપી.
આ મેળામાં એકમાત્ર બચેલો માણસ જે એલિયનનો વેશપલટો કરીને માણસોની આ દયનીય સ્થિતિ જોતો હતો અને વિચારતો, આપણી જ ભૂલના કારણે આજે આ પરિસ્થિતિ સર્જાય છે, જો આપણે એક સમયે સમજી ગયા હોત અને આ એલિયનની લાલચમાં ના આવ્યા હોત તો આજે આવા ના ફસાયા હોત. આપણી લાલચની આદત આખી જિંદગી માણસે અલગ અલગ હરાજી જ કરી, લાગણીની હરાજી, માણસાઈની હરાજી, પૈસાની હરાજી. કોઈ કસર માણસે બાકી ના રાખી એટલે અંતે હવે ખુદ આજે માણસની જ હરાજી થાય છે.


















































