ક્યાં સુધી કરગરે; દવા પીધી,
બે જણે આખરે દવા પીધી.
ના ખૂણેખાંચરે ગયાં બન્ને,
જઇ ખુલા ખેતરે દવા પીધી.
ભીંત ભાંગી પડી છે ઢગલો થઈ,
છત અને ઉંબરે દવા પીધી.
દ્વાર ભીડીને ગામ બેઠું’તું,
એટલે પાદરે દવા પીધી.
પાંખ ગીરવે પડી’તી પક્ષીની
શું કરે? પિંજરે દવા પીધી.
જાવ… વિદ્યાના ધામ બંધાવો,
આંધળા અક્ષરે દવા પીધી.
સાક્ષરો પેનથી રડી લેશે,
હાય…રે, હાય…રે દવા પીધી!
-પારુલ ખખ્ખર
મધ્યપ્રદેશનાં ગુનામાં ઉભા પાક પર સ્થાનિક તંત્ર બુલડોઝર ફેરવવા આવી પહોચ્યું. ગરીબ દલિત પતિપત્નીએ પોલીસને વિનંતી કરી કે પાક ઉભો છે ત્યાં સુધીનો સમય આપે. કેમ કે પોતે જમીન બીજા પાસેથી વાવણી માટે અડધા ભાગે રાખેલી છે, છોકરાંઓ નાના છે અને માથે રૂ. ત્રણ લાખનું દેવું છે. જો પાક નહીં થાય તો પોતે કદી દેવામાંથી બહાર નહીં આવી શકે.પણ પોલીસ અને અધિકારીઓએ કશું કાને ન ધર્યું. એટલે પહેલાં પત્ની સાવિત્રી અને પછી પતિ રાજુએ પાકમાં છાંટવાની દવા પી લીધી. પણ એ પછી તેમનાં સંતાનોએ જે આક્રંદ કર્યો તે જોઈને ભલભલા પથ્થર દિલો પણ પીગળી જાય. રાજુ અને સાવિત્રીનાં સંતાનો તેમને ખોળામાં લઈને ભયાનક રીતે રડ્યાં. એક બાળકી તો સાવિત્રીની છાતીએથી અળગી જ નહોતી થતી. વાસ્તવતમાં જમીન પર કોલેજ બનવા જઈ રહી છે અને કોન્ટ્રાક્ટ એજન્સીએ તંત્રને જમીન ખાલી કરાવી આપવા કહ્યું હતું. રાજુએ માત્ર પાકની કાપણી પતી જાય ત્યાં સુધીનો સમય માગ્યો હતો, પણ બિલ્ડરોની તરફદાર સરકારે તે માન્યું નહીં. ઉલટાનું તેના ભાઈ, પત્ની અને અન્ય પરિવારજનોને માર માર્યા. સૌથી આશ્ચર્યની વાત હવે આવે છે કે એકપણ ચેનલોએ આ સમાચાર કવર ન કર્યા.


















































