એક વખત એક પિતા તેમના બાળકનું સ્કૂલમાં એડમિશન કરવા જાય છે,બાળક સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થાય છે બાળકના પિતા સ્કૂલ અંગેની માહિતી લેવા માટે સ્કૂલના સુપરવાઈઝરને મળે છે અને સ્કૂલના શિક્ષણ અંગેની બધી જ માહિતી મેળવે છે.પિતાના મત મુજબ સ્કૂલ ઘણી સારી હતી પરંતુ એક બાબત એવી હતી કે જેના લીધે તે આ સ્કૂલમાં પોતાના બાળકનું એડમિશન કરાવવા માંગતા ન હતા.બાળકના માર્ક્સ ઘણા સારા હતા એટલે પ્રિન્સીપાલ ખુદ બાળકના પિતાને તેમની પાસે બોલાવે છે અને તેમને આ સ્કૂલમાં એડમિશન ન લેવાનું કારણ પૂછે છે.બાળકના પિતા એ વખતે જવાબ આપે છે કે, આ સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓની દર મહીને test લેવામાં આવે છે પરંતુ મારે તો મારા બાળકને દર અઠવાડિયે test લેવાતી હોય એવી સ્કૂલમાં મુકવો છે.બાળકની સમયાંતરે કસોટી થશે તો જ અભ્યાસને બારીકાઈથી તે સમજી શકશે અને તો જ તેનું યોગ્ય ઘડતર પણ થશે.અહી આ કિસ્સામાં પિતા બાળકનું અભ્યાસમાં કસોટીઓ દ્વારા ઘડતર કરાવવા માંગતા હતા, પરંતુ આ બાબત અભ્યાસ સિવાય પણ ઘણી બધી બાબતોમાં લાગુ પડે છે.જેટલી માણસની કસોટીઓ થાય એટલું જ તેનું ઘડતર થાય છે.આપણે ઘણી વખત આપણા બાળકોનું safe zone બહુ વિચારીએ છીએ.બાળકને નાનપણથી જ એક કુંડાળામાં મૂકી રાખીએ છીએ.મારું બાળક આટલી પરિસ્થિતિઓમાં રહી શકશે અને આટલી પરિસ્થિતિઓમાં નહિ રહી શકે,એ બાબત પણ નક્કી આપણે જ કરી લેતા હોઈએ છીએ.પરિણામે આગળ જતા બાળક મોટું થઈને જીવનની ખરેખરી કસોટીઓ સાથે લડી શકતો જ નથી.જીવનમાં ક્યારેય જે અનુભવો કર્યા જ ન હોય એવી પરિસ્થિતિઓના નિર્માણ થાય ત્યારે એ વ્યક્તિ હારીને આમાંથી બહાર નીકળવા અંતે પોતાના જીવનને ટૂંકાવાનો માર્ગ અપનાવી લેતો હોય છે.
બાળક ભણતરમાં 100 માંથી 100 માર્ક્સ લાવે એવું આપણે ઈચ્છીએ છીએ,પરંતુ બાળક પોતાના જીવનમાં 100 માંથી કેટલા માર્ક્સ લાવવા સક્ષમ છે એવું આપણે ક્યારેય વિચાર્યું છે?ઘણીવાર બાળકને ભણવામાં પ્રેશર લેવા કરતા આત્મહત્યાનો માર્ગ વધારે સરળ લાગતો હોય છે.જે બાળક ભણવાનું પ્રેશર હેન્ડલ ન કરી શકતું હોય એ બાળક આગળ જઈને જિંદગીનું પ્રેશર કેવી રીતે હેન્ડલ કરી શકે? આઈ.આઈ.ટી, કે જે આપણા દેશની સૌથી પ્રતિષ્ઠિત ભણતરની સંસ્થા છે,તેમાં છેલ્લા 5 વર્ષની અંદર 50 જેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે.આઈ.આઈ.ટીમાં ઘણા વર્ષોથી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એક નામાંકિત પ્રોફેસરને જયારે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળનું કારણ પૂછવામાં આવે છે ત્યારે તેમના જવાબમાં તેઓ જણાવે છે કે અત્યારે જ શું કામ અમે વિદ્યાર્થીઓને ટોર્ચર કરીએ? શું અમે 15 વર્ષ પહેલા વિદ્યાર્થીઓને ટોર્ચર નહી કરતા હોઈએ? આ સવાલ ઉપરથી એક વિચાર એમ પણ આવે છે કે, તો આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે જ કેમ વધી છે? આના પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે અત્યારની જનરેશનમાં ધીરજ બહુ ઘટવા લાગી છે,અને આના પાછળના મુખ્ય જવાબદાર બાળકના માતા-પિતા પણ છે,બાળકને ઓછા માર્ક્સ આવે તો વધારે માર્ક્સ લાવવા પ્રેશર આપી શકે છે,પરંતુ આ પ્રેશરને હેન્ડલ કેવી રીતે કરવું એ ક્યારેય શીખવી શકતા નથી.યુવા વયનું બાળક રૂટીન જીવન કરતા જો થોડું વધારે પ્રેશર કે સ્ટ્રેસ અનુભવે કે જીવનમાં જો અમુક વધારે કસોટીઓ આવે તો તે પલાયનનો રસ્તો અપનાવી લે છે.
બાળક શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ માર્ક્સ જરૂર લાવી શકશે,પરંતુ જિંદગી સામે લડવાની હિંમત નહી મેળવી શકે.બાળકના અભ્યાસ તથા બીજી બધી બાબતોની સાથે સાથે તેમના યોગ્ય ઘડતર માટે પણ પ્રયત્નો કરવાની જરૂર છે.બાળકો જીવનની દરેક કસોટીઓમાં અને દરેક પરિસ્થિતિઓમાં લડી શકે એવા તૈયાર કરવા પણ ખુબ જરૂરી છે.અને એટલે જ બાળકોને છાયાની સાથે-સાથે તડકાનો પણ અહેસાસ કરાવવો જરૂરી છે.
-ઉર્વશી મનિષ બ્રહ્મભટ્ટ
(ઉદ્યમી)


















































