સમગ્ર માનવસમાજની એક કમનસીબી છે કે આપણે જીવનમાં જેટલું મહત્વ માતાને આપ્યું છે તેટલું પિતાને આપી શક્યા નથી. સાહિત્યમાં પણ માતૃત્વનો જેટલો મહિમા કરાયો છે તેટલો પિતૃત્વનો થયો નથી. પિતાને આપણે માત્ર સંતાનોને મારતા, ફટકારતાં, ખખડાવતા, ટોકતાં, ભાષણ કે સલાહ સૂચન આપતા જ કલ્પ્યા છે કારણ કે પિતાનો એ જ રોલ આપણી નજરમાં વારંવાર આવે છે પરંતુ તેની પાછળની લાગણી કે હેતુ વિશે આપણે કદી જાણવાની કોશિશ કરી હોય એવું મને લાગતું નથી
એક પિતાને મેં હંમેશા શ્રીફળ જેવા અનુભવ્યા છે બહારથી અતિશય કઠણ કઠોર પરંતુ અંદર ખૂબ કોમળ ભાવુક લાગણીથી ઠસોઠસ. પરંતુ તેઓ પોતાની લાગણીને કેમ જાણે દર્શાવી શકતા ન હોવાથી આપણને તેમનું વાસ્તવિક રૂપ સમજાતું નથી અથવા જાણવામાં ઝડપથી આવતું નથી. જેટલો રોલ સંતાનના જીવનમાં, તેમની સફળતામાં કે સંસ્કારસિંચનમાં માતાનો છે તેનાથી સહેજ પણ ઉતરતો પિતાનો નથી. માતાને ઈશ્વરતુલ્ય માનવામાં આવતી હોય તો પિતા પણ તે જ ઉચ્ચ સ્થાનના હકદાર છે. પરંતુ આપણા સમાજની પહેલેથી જ એ મર્યાદા રહી છે કે સમાનતાના નિયમને તે કદી સમજી જ શક્યો નથી. પુરુષપ્રધાન સમાજમાં એક પુરુષને એટલું બધું મહત્વ અપાઈ જાય છે કે સ્ત્રીનો રોલ જાણે ભૂલી જ જવાય છે અને જાણે-અજાણે સ્ત્રીને પુરુષથી નીચી ઓછી ઉતરતી કક્ષાની સમજવામાં આવે છે એ જ રીતે લાગણીપ્રધાન સમાજ માતાને એટલા ઉચ્ચ સ્થાને મૂકી દે છે કે આપોઆપ પિતાનો દરજ્જો થોડો નીચો ઓછો કે ઉતરતી કક્ષાનો થઈ જાય છે. ક્યારેય આપણે સાચા અર્થમાં એ સમજી જ શકતા નથી કે બંને મનુષ્યજીવન માટે એક સરખા અગત્યના અને અનિવાર્ય છે. બધું જ્ઞાન માત્ર શબ્દોમાં જ જોવા મળે છે આચરણમાં નહિ તે આપણી સૌથી મોટી કમનશીબી છે.
પિતાના દિલને જાણવાનો જો પ્રયત્ન કરીએ તો મને ખાતરી છે કે તે અંદરથી ખૂબ વ્યથિત હશે કેમ કે તેના રોલની જેટલી સરાહના થવી જોઈએ એટલી થઇ શકી નથી. સામાન્ય રીતે એવી માન્યતા છે કે લાગણીનું પ્રદર્શન પુરુષોને બહુ પસંદ પડતું નથી કદાચ એટલા માટે પુરુષોના રોલની, કાર્યની કે મહત્તાની સરાહના કરવા માટે કોઈ ચોક્કસ દિનની ઉજવણીનો વિચાર સમાજને પહેલા આવ્યો નહિ હોય. પરંતુ “દેર આયે દુરુસ્ત આયે”. મને થાય કે આજના આ વિશેષ દિને હૃદયની ઊંડાઈથી પિતાની વ્યથાને અને તેમના દિલમાં રહેલા શૂન્યાવકાશને લાગણીથી તરબોળ કરી દેવું જોઈએ. આમ તો લાગણીની અભિવ્યક્તિ ખુલીને કરવાની પુરુષોની આદત હોતી નથી કે કદાચ તેમને એ પસંદ પણ પડતું નથી પરંતુ કોઈ તેમના પ્રત્યે લાગણીની અભિવ્યક્તિ ખુલ્લા દિલે કરે તેવી તેમની અપેક્ષા અવશ્ય રહેતી હોય છે જેનાથી તેવો ખુશ અને પ્રભાવિત પણ થતા હોય છે એવો મારો અનુભવ છે જે અનુભવ કદાચ બધાનો હશે જ. તો આવો આજના વિશેષ દિને તેમની ઈચ્છા અને અપેક્ષાને પૂર્ણ કરીએ.
પિતાને કે તેના રોલને ફાળાને સાચા અર્થમાં સમજી તેની અગત્યતા સ્વીકારી બને એટલું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કમ-સે-કમ આજના વિશેષ દિને તો થવો જ જોઈએ એવું મને લાગે છે. એ તો સર્વવિદિત છે કે તેમના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી. જમીન ગમે તેટલી ઉપજાવ અને ફળદ્રુપ હોય પરંતુ બીજ જો ઉત્તમ ગુણવત્તાવાળું ન હોય તો ફસલ બેસ્ટ મેળવવી શક્ય નથી એ દ્રષ્ટિએ માતાની કૂખ સંતાન માટે ઉત્તમ જમીનની ગરજ સારે છે પરંતુ તેના અસ્તિત્વ માટે જવાબદાર બીજ તો પિતાની જ દેન છે. આજે આપણે જો સ્વસ્થ, સારા, સમજદાર, મૂલ્યવાન અને ગુણવત્તાસભર છીએ તો તે જમીન ઉપરાંત બીજને પણ આભારી છે. વ્યક્તિ અને સમાજની નીતિમત્તાનો આધાર તેમને મળતા વારસાગત સંસ્કારો પર છે. પેઢી દર પેઢી માત્ર મિલકત કે સંપત્તિનો જ હક્ક વારસામાં મળે એવું નથી. પરંતુ સૌથી મોટી મૂડી વ્યક્તિ અને સમાજને વારસામાં મળતા સંસ્કારો છે. આ સંસ્કારો વર્તમાન પેઢી તેની પૂર્વ પેઢી દ્વારા મેળવે છે એટલે કે એક બાળકની સંસ્કારીત્તા તેના માતા, પિતા, દાદા-દાદી, કુટુંબના સભ્યો દ્વારા વિરાસતમા પ્રાપ્ત થતી હોય છે. સંસ્કારી મા-બાપના બાળકો કે સંસ્કારી કુટુંબમાં ઉછરેલા બાળકો અનૈતિક કામ કરતા ચોક્કસ ખચકાય છે. કેમકે જીન્સમાં મળેલા સંસ્કાર તેઓને અનૈતિક કાર્યો કરતા રોકે છે. ધર્મશાસ્ત્રોના અધ્યયન દ્વારા જે જ્ઞાન કે સંસ્કારની પ્રાપ્તિ થાય છે તે સંસ્કારી માતા-પિતાના બાળકો ગર્ભમાંથી જ શીખીને આવે છે. જીનેટિક વિજ્ઞાને અનેક સંશોધનો દ્વારા સાબિત કર્યુ છે કે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની બધી વિષમતાઓનો આધાર જીન્સ (બીજ) ઉપર છે. વિજ્ઞાન તેને મૂળઘટક ગણે છે. જીન્સ આપણી શરીરરચનાનો અંતિમ ઘટક છે. આ જીન્સમાં સંસ્કારસૂત્રો રહેલા છે જે વ્યક્તિનો દેખાવ, સ્વભાવ, બુદ્ધિ વગેરે બાબતો નક્કી કરે છે. ઉત્તમ સંસ્કારસૂત્રો વાળું બાળક સ્વાભાવિક રીતે જ અન્ય કરતા જુદું પડે છે. દુનિયાના મહાન તત્વચિંતકો, મહાનુભાવો, અવતારો વગેરે સામાન્ય માણસ કરતા તદન જુદા અને ચઢિયાતા હોવા પાછળ તેમના સંસ્કારસૂત્રો એટલે કે માતા-પિતાના બીજ (જીન્સ) તેમ જ પૂર્વપેઢીઓના સંસ્કાર ઘણે અંશે જવાબદાર હોવાનું વિજ્ઞાને સ્વીકાર્યું છે.
વિશ્વસ્તરે જુન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે જેની શરૂઆત ૨૦મી સદીમાં યુનાઈટેડ સ્ટેટ દ્વારા પિતાનો રોલ અને પિતૃત્વને સન્માનિત કરવાના ઈરાદા સાથે થયેલી. સમાજનું ધ્યાન માતાની સાથે પિતાના રોલ તરફ પણ જાય તે માટે આવા વિશિષ્ટ દિવસની ઉજવણી જરૂરી બને છે. સંતાનોના જીવનમાં પિતાના ફાળા કે રોલ અંગે જાગૃતતા લાવવા તેમ જ તેની સરાહના કે સન્માન કરવાના ઉદ્દેશ સાથે આ દિન સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વના સાત દેશો જેવા કે પોર્ટુગલ, સ્પેન, ઇટલી વગેરેમાં ફાધર્સ ડે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. ભારત યુએસમાં ઉજવાતા ફાધર્સ ડેને અનુસરે છે. ટૂંકમાં ફાધર્સ ડે male parenting ની અગત્યતા અને અનિવાર્યતા સમજવા માટે તેમજ તે અંગેની સજાગતા લાવવા માટેની વ્યવસ્થા હોય એવું લાગે છે. ફાધર્સ ડે સૌપ્રથમ ૧૯૦૯-૧૦માં મધર્સ ડેના કોમ્પ્લીમેન્ટમાં પ્રપોઝ કરવામાં આવેલો.
કુટુંબ અને સમાજમાં આપણે પિતાને માત્ર ઘર અને સંતાનોની આર્થિક જરૂરિયાતપૂર્તિના સંદર્ભમાં જ નિહાળ્યા છે. એમની માત્ર એ જ જરૂર જ છે એવું કદાચ સંતાનો કાચી ઉંમરે સમજતા પણ હોય. પરંતુ તે તમામ જરૂરિયાત પૂરી કરવા પિતા પોતાની સમગ્ર જિંદગી ખર્ચી નાખતો હોય છે જે લાગણી વગર શક્ય બની શકે નહીં. કોઈના માટે કંઈ નાનું એવું કાર્ય પણ જો કરવું હોય તો લાગણીની જરૂરિયાત રહેતી હોય છે એ વગર કાર્ય સંભવ થતું નથી એ આપણે જાણીએ છીએ. પોતાનું સમગ્ર જીવન ઘર કુટુંબ અને સંતાનોને સમર્પિત કરી પોતાની ઈચ્છાઓને દફનાવી સંતાનોની ઈચ્છાપૂર્તિ કરવી તે પણ કોઈ પ્રકારનો અહેસાસ કરાવ્યા વગર હસતા મોઢે માત્ર પોતાની જવાબદારી કે કર્તવ્ય સમજી એ કોઈ નાનીસૂની વાત તો નથી જ. પિતા પાસે મોબાઈલ ન હોય પણ બાળકને સ્માર્ટફોન અપાવતા તે ક્યારેય ખચકાય નહીં, પોતે બે જોડ કપડાંથી ચલાવે પરંતુ સંતાનોના કબાટ નવા કપડાંથી સતત ભરેલા રહે એવા પિતાને ભૂલી કેવી રીતે શકાય.
બાળકના જન્મથી પિતાની દોડધામ શરુ થઇ જતી હોય છે જેવી કે બર્થસર્ટી બનાવવા ઓફિસના ધક્કા, સંતાનોના સ્કૂલ-કોલેજોમાં એડમિશનના ધક્કા, સંતાનોના ઇન્ટરવ્યૂ અને નોકરી માટેના કઠિન પ્રયાસો, સંતાનોના લગ્ન માટે સમાજના ધક્કા, સારું પાત્ર શોધવાની ચિંતા અને મહેનત વગેરે. સંતાનોને ઉત્તમ આપવાની એક માત્ર ઈચ્છા પિતાને આજીવન દોડતો રાખે છે એ પિતાના ઉપકારને કેવી રીતે ભૂલી શકાય. વળી કદી થાકી ગયો, કંટાળી ગયો, તમે તો મારી જિંદગી ખતમ કરી નાખી એવી કોઈ ફરિયાદ નહીં, હસતા મોઢે સંતાનોને ઉત્તમ બોધપાઠ અને શિખામણ આપતા આપતા અવિરત પ્રયત્ન કરતા જાય અને બધું પોતાનું કર્તવ્ય સમજી સહજ રીતે પાર પાડે આવા પિતાને શત-શત વંદન.
દીકરીની વિદાય વખતે તો વળી પિતાનું એક જુદું જ રૂપ જોવા મળે, તે દિલની ગહેરાઈથી રુદન કરતો હોય છતાં સ્વસ્થ હોવાનો ઉપરી ડોળ અકબંધ રાખે, બે હાથ જોડી પોતાના કાળજાના કટકાને અન્યના હાથમાં સોંપી તેનું ધ્યાન રાખવાની વિનંતી કરતા બાપને જોઈને તેના પર વારી જવાનું મન થાય, તેનામાં ઈશ્વરના સાક્ષાત્કાર થાય એ તો સ્વાભાવિક જ છે. દીકરી વિદાય જેવી અનેક પરિસ્થિતિમાં પિતા અંદરથી પોતાની જાતને મજબૂર અને અસહાય અનુભવતો હોય, આંતરિક રુદન કરતો હોય, દીકરીના ભવિષ્યની ચિંતા એને સતાવતી હોય પરંતુ બહારથી મજબૂત હોવાનો દેખાડો કરતો એ પિતા કુટુંબીજનોને બળ મળતું રહે એ હેતુથી પોતાના દરેક દુઃખોને છુપાવતો રહે એટલે જ કદાચ પિતાઓને હાર્ટ એટેક વધુ આવતા હશે કેમ કે તેઓ માતાની જેમ દુઃખનો બોજો રુદન દ્વારા હળવો કરી શકતા નથી. પિતાનો પ્રેમ દેખાતો નથી પરંતુ આંતરિક દર્શનની આવડત ધરાવતો લાગણીશીલ વ્યક્તિ એનો અહેસાસ પળે-પળે અનુભવી શકે છે. તેવા વિશ્વના સર્વ પિતાઓને આજે ફાધર્સ ડે નિમિત્તે મારા શત-શત વંદન.
માતા કે પિતાનું ઋણ ઉતારવું તો પરમેશ્વર માટે પણ શક્ય નથી તો આપણી તો શું હેસિયત, પરંતુ ક્ષણેક્ષણે તેમને વંદન કરી, તેમની આજ્ઞા અને આદેશોને શિરોધાર્ય કરી, તેમની શક્ય એટલી સેવા કરી, તેમના ચહેરા પર પ્રસન્નતા લાવી આપણે લાયક સંતાન તરીકેની જવાબદારી કે કર્તવ્ય અવશ્ય અદા કરી શકીએ. એ પણ માત્ર ફાધર્સ ડેના દિવસે નહીં અવિરત વરસોવરસ સમગ્ર જીવનપર્યંત તો જ ફાધર્સ ડે ની ઉજવણી સફળ કે સાર્થક બને. પિતૃત્વ એ ફૂલટાઇમ જોબ છે જિંદગીના અંતિમ શ્વાસ સુધી પિતૃત્વ પુરુષ અને પુરુષાર્થ સાથે સંકળાયેલ છે. કમનસીબે આધુનિક પિતાઓ ક્યારેક-ક્યારેક પિતૃત્વને પાર્ટ ટાઈમ જોબ બનાવી દેતા હોય છે એ દુઃખની વાત છે. બાકી માતા બાળકની ધરતી છે તો પિતા આસમાન અને એ તો સર્વવિદિત છે કે જીવન આ બંનેની વચ્ચે જ અસ્તિત્વ ધરાવે છે. એક સંતાનના જન્મ સાથે જ પિતાનો પણ જન્મ થતો હોય છે એ દ્રષ્ટિએ એ ફૂલટાઇમ જોબ બને તે સ્વાભાવિક છે.
નાના-મોટા પ્રસંગે પિતા દ્વારા મળેલ સૂચનો, શિખામણો જીવનમાં અતિ ઉપયોગી અને નિર્ણાયક બની રહેતા હોય છે જે સંસ્કાર બની અવિરત આપણી સાથે રહે છે. પિતા સાથેનો દીકરીનો સંબંધ લગ્ન પછી પણ ભીનાશ ગુમાવતો નથી, રઘુવીર ચૌધરીના પુત્રીએ સુંદર વાત લખી છે કે “પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય છે” સાચું પૂછો તો આપણા માતા-પિતા આપણા કોઇ ઉત્તમ કર્મો બદલ પરમેશ્વર તરફથી આપણને મળેલ નોબલ પ્રાઈઝ કે ઓસ્કાર એવોર્ડથી કમ નથી. એક લેખકે લખ્યું છે કે “ માં લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી” સંતાન માટે ઉણા કોડિયામાં તેલ પૂરીને સતત ઉજાસ પાથરવો એ પિતાની સાચી ઓળખ છે.
પિતા ઘરનો સ્તંભ છે જેના આધારે બધું ટકી રહ્યું છે. ગમે તેવી મુસીબતો આવે કે વાવાઝોડા તે હંમેશા અડગ અને અડીખમ જ રહે છે. પિતા એવું વટવૃક્ષ છે કે તેની શીતળતા સમગ્ર કુટુંબ આજીવન અનુભવે છે અને સંપૂર્ણ સુરક્ષાનો શ્વાસ તેની છાયામાં લઈ શકે છે. વાસ્તવમાં લગ્ન પછી ગૃહપ્રવેશ કરતી પુત્રવધુના કુમકુમના પગલા હકીકતે એક પિતાના હૃદયમાં વહેતા રકતના પગલાં છે એવું એક કવિનું કહેવું છે કેમકે દરેક દીકરી એ પિતાનું હ્રદય હોય છે. જરૂરિયાતથી વધારે સંતાનને આપે તેવા દિલદાર વ્યક્તિ એટલે પિતાજી. ઈશ્વર પાસે માગેલું મળતા કદાચ વિલંબ થાય પરંતુ પિતા પાસે માગેલું તરત સંતોષાય એ દ્રષ્ટિએ પિતાનો દરજ્જો ઈશ્વરથી પણ ઉચ્ચ ગણાય.
જે પિતાએ મને લખતા શીખવ્યું તેના વિશે હું શું લખું? શબ્દો ખૂટી પડે તેવું પિતાનું વ્યક્તિત્વ છે. સાચું પૂછો તો મારા માટે તો પિતા જ ઈશ્વરનું અસ્તિત્વ છે. જે પોતાની તમામ ઈચ્છાઓ, અરમાનો, તકલીફો, બીમારીઓને ભૂલી, પોતાનું સમગ્ર અસ્તિત્વ ઓગાળી માત્ર ને માત્ર સંતાનોની ઈચ્છાપૂર્તિ માટે જીવે તેઓ વિરલ જીવડો એટલે પિતા. માતા જો સંસ્કારસિંચન કરે છે તો પિતા દુનિયાદારી શીખવે છે, દુનિયા સાથે આગળ કેવી રીતે વધવું તેની સમજણ આપે છે, જીવન જીવતા શીખવે છે. આમ માં સંસ્કારસિંચન કરે છે તો પિતા ઘડતર કરે છે. જગતની આંટીઘૂંટી સમજવા તો પિતાના જ ચશ્માની જરૂર રહેતી હોય છે. પિતાની કમાણી કુટુંબની ખુશહાલી છે. જેમ શિવ વિના પાર્વતીનો મહિમા પૂર્ણ ન થાય તેમ માતાનો મહિમા પિતા વગર અધૂરો છે. કોઇ કવિએ સાચું જ લખ્યું છે “જેની હર ધડકન પરિવાર માટે ધબકે છે, જે ધૂપસળીની જેમ પરિવાર માટે મહેકે છે, એ પિતા જ છે જેનાથી પરિવાર ચહેકે છે”
ફાધર્સ ડેના વિશેષ દિને એટલું અવશ્ય કહીશ કે જીવનમાં કંઇ જ ન કરી શકાય તો અફસોસ કરવા કરતા એટલું તો અવશ્ય કરી બતાવજો કે જેથી પિતાનો થોડો ભાર ઓછો થાય. આપણા ત્યાં મમ્મી માટે “આઇ લવ યુ” સહજ નીકળે છે પરંતુ પપ્પા માટે એવું સહજ બનતું નથી, જો એવું ન થાય તો પણ તેમના માટે “સેલ્યુટ” શબ્દ તો બનતા હે બોસ. happy fathers day to all. આજનો મારો આર્ટીકલ મારા પિતાના ચરણોમાં સમર્પિત.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ


















































