“ભાઈ ભાઈ.. આખરે મારો દોસ્ત ઘોડીએ ચડવા રાજી થઈ જ ગયો એમ ને !” પાર્થે ખુશખુશાલ મિજાજમાં આવીને પર્વને કીધું.
“હા ભાઈ…. આખરે તો મારે પરિવારનું જ વિચારવાનું ને! એના સિવાય બીજું છે પણ કોણ મારું.”
“સારું લે, જે થાય એ સારા માટે જ થાય. અને જૂનું બધું જે થઈ ગયું એ થઈ ગયું. એ બધું ભૂલી જા.”
“હા, ભૂતકાળને તો ભૂત જ ગણવું જોઈએ. એની થોડી કોઇ દિવસ પૂજા કરાતી હશે. એને તો ગમે તેમ કરીને ભૂલવાનું જ હોય ને પાર્થ!”
“હા, બસ જો હવે સમજદાર બન્યો મારો દોસ્ત.”
“પાર્થ, સાચે તને એક વાત કરવાની હતી.”
“હા બોલને ભાઈ…”
“લગ્ન પછી હું ખુદની કંપની શરૂ કરું છું. તે હંમેશા મારો સાથ આપ્યો છે તો મારા આ ડગલાંમાં પણ મારી સાથે રહેજે એવી મારી આશા છે.”
“અરે કેમ નહિ ભાઈ.. પણ મારે એક જ પ્રોબ્લેમ છે.”
પાર્થના મોઢે ચિંતા જોઈને પર્વએ તેને કીધું, “જો હું તને પહેલા જ કહી દઉં તારે એક પણ રૂપિયો આમાં કાઢવાનો નથી. બધું રોકાણ મારું જ છે. તારે બસ મારી સાથે રહેવાનું છે અને આમપણ આપણે બંને એક જ ભણતર ભણ્યા છીએ, તો પછી શા માટે હું બહારથી કોઇ અજાણ્યો પાર્ટનર શોધું !”
“સારું ચાલ તું જેમ કહે એમ.”
(૧ મહિના પછી..)
પાર્થ અને પર્વ બંને પોતાની નવી ઓફિસમાં બેઠા હતા અને આરામથી વાતોના ગપાટા મારતાં હતાં.
“પાર્થ, આખરે આપણે સફળતા તરફ એક વધારે પગલું માંડ્યું. હવે જોજે આપણે કઇ હદ સુધી પહોંચીએ અને દુનિયા આપણને જોતી રહી જાશે.”
“હા પર્વ, પણ આપણે આ માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે હો ભાઈ.”
“પાર્થ, શું વાત કરે છે ! આપણે એ તો કરવું જ પડે ને.”
થોડો સમય વીતે છે અને પર્વ ખૂબ સફળ માણસ બની જાય છે. પર્વ ખૂબ ખંતથી કામ કરે છે અને દિવસ રાત મહેનત કરીને ખૂબ આગળ વધે છે. થોડાક જ મહિનાઓમાં તે ખૂબ અમીર બની જાય છે.
ચાર વર્ષ પછી..
“ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું. તું ભાંગી ના પડતો, તું હિંમત ના હારતો. જીવનમાં ચડાવ ઉતાર તો આવ્યા કરે અને ભાગ્યમાં જે લખ્યું હોય એ જ થાય. પર્વની પત્નીના અવસાન બાદ પાર્થ પર્વને સાંત્વના આપે છે.”
પર્વની પત્ની કેન્સર પીડિત દર્દી હતી અને અચાનક તેનું કેન્સર ખૂબ વધી ગયું. તેની ખૂબ સારવાર કરાવી પણ અંતે તે કેન્સર સામે લડી ના શકી. પર્વ ખૂબ રડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડતો રડતો પાર્થના ગળે વળગી પડે છે.
“યાર મે કોઈનું શું ખરાબ કર્યું! પહેલા રોશની મને મૂકીને ચાલી ગઈ પછી શ્રીયા મારા જીવનમાં આવી પણ એ પણ ના મળી શકી અને પછી પરિવારના કહ્યા પ્રમાણે મે લગ્ન કર્યા તો આજે જો શું થયું ! યાર મેં ડગલે ને પગલે બધાને પ્રેમ જ વહેંચ્યો છે તો પછી મારા જીવનમાં પ્રેમ કેમ નહિ? હું જીવનમાં તો બહુ સફળ થયો પણ ખુદની અંદર ઝાંખીને જોઉં તો મને દેખાય કે હું સાવ તૂટેલો અને હારેલો માણસ છું.”
“બસ કર પર્વ.. અમે બધા તારી સાથે છીએ. તું હિંમત ના હાર. આ પ્રકૃતિમાં કંઇક ને કંઇક લખાયેલું હશે એટલે આવું બન્યું. તું હિંમત ના હાર પર્વ. તું ખૂબ સફળ વ્યક્તિ છે અને અંદરથી તું ખૂબ મજબૂત માણસ છે. તું જ વિચાર કે આ દુનિયામાં તારું કેટલું મોટું નામ છે ! જો તું આમ હારી જઈશ તો તું જીતેલો કેવી રીતે ગણાઈશ?”
પર્વ ખૂબ ઊંડા સદમામાં ડૂબી ગયો અને પાર્થે ઓફિસનું બધું કામ પોતાના માથે લઈ લીધું. પર્વને થોડા સમય માટે રજા ઉપર કુદરત વચાળે ફરવા મોકલી દિધો જેથી તે કુદરત સાથે વાતો કરી શકે અને પોતાને પહોંચેલા દર્દને રૂઝાવી શકે.
(ક્રમશ:)
દીપ ગુર્જર


















































