માં મહાકાલીની શક્તિપીઠ – પાવાગઢ
દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં પોતાની દીકરી સતી અને તેના પતિ શિવજીને આમંત્રણ મોકલ્યું નહી. “પિતાને ઘેર આમંત્રણની શી જરૂર ?” એવું જાણી, શિવજી સાથે નહી આવતા સતી એકલા જ યજ્ઞમાં ગયાં. જોયું તો બધાં જ દેવોના સ્થાનમાં શિવજીનું કોઈ સ્થાન રાખવામાં આવ્યું નહોતું. પતિના આવા અપમાનથી લાગી આવતાં સતીએ પોતાના દેહને યજ્ઞકુંડમાં હોમી દીધો. શિવજીને આ વાતની ખબર પડતાં ક્રોધે ભરાઈને દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો અને સતીનાં બળી ગયેલાં દેહને પોતાના ખંભે નાખી ત્રણે લોકમાં તાંડવ કરવા લાગ્યા. જેથી તેમને શાંત કરવા વિષ્ણુભગવાનને પોતાના સુદર્શન ચક્રથી સતીના અંગના ટુંકડા કરી નાખ્યાં. સતીનાં અંગોના 52 ( એક પાકિસ્તાનમાં) ટુંકડા થયાં, જે પૃથ્વી પર પડ્યાં. આ ટુકડા જયાં જ્યાં પડ્યાં તે શક્તિપીઠ કહેવાઈ છે .
અમદાવાદથી 190, વડોદરાથી 46 અને ચાંપાનેરથી 4 કી.મી દૂર માંચી ગામનાં પાવાગઢ ડુંગર પર સતીના જમણા પગની આંગળી પડી હતી. એટલે પાવાગઢ ગુજરાતના ત્રણ શક્તિપીઠો ( અંબાજી, બહુચરાજી અને પાવાગઢ) પૈકીનું એક શક્તિપીઠ છે. પાવાગઢમાં મા મહાકાળી રૂપે બિરાજમાન છે. મંદિરનાં ગર્ભગૃહમાં માની નેત્ર પ્રતિમા છે. જે 2 ફુટ ઉંચી છે. માતાજીની ડાબી બાજુ બહુચરમા અને જમણી બાજુ મહાલક્ષ્મી માની મૂર્તિ છે. મંદિરમાં કાલિકા યંત્રની સ્થાપના પણ કરવામાં આવી છે. પાવાગઢમાં મા દક્ષિણાભિમુખ છે, તાંત્રિક પૂજા માટે તેનું ખૂબ જ મહત્ત્વ છે. મહાકાળી માનાં મંદિર પહેલાં ભૈરવનાથનું મંદિર આવે છે.
પાવાગઢ પર્વત
એવું કહેવાય છે કે પાવાગઢનો પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતા પોણા ભાગનો જમીનમાં છે. માત્ર પા’ ભાગ જ બહાર છે. એટલે પર્વતનું નામ પાવાગઢ છે. પાવાગઢ પર્વત દરિયાઈ સમાટીથી 762 મીટર ઉંચો છે. પર્વત શંકુઆકારમાં છે જુના સમયમાં ધરતીકંપ અને જવાળામુખી ફાટતા કાળાપથ્થરના પાવાગઢ પર્વતનું નિર્માણ થયું છે. પાવાગઢ પર જવા માટે લગભગ 1800 પગથિયા છે અને જોકે હાલ રોપ-વેની સુંદર સગવડ અહીં છે.
દિગંબર જૈન સંપ્રદાયના 9 પવિત્ર મંદિરો પણ આ સિધ્ધક્ષેત્રમાં નિર્માણ પામ્યાં છે. જેમાંના બે દુધિયા અને છાસિયા તળાવને કાંઠે છે. આ ઉપરાંત અહીં તૈલીયું તળાવ પણ આવેલું છે.
ગરૂડ પુરાણ મૂજબ આ ડુંગર અને તેની આજુબાજુની જગ્યા ઋષી વિશ્વામિત્રના સાધનાનું ક્ષેત્ર પણ ગણાય છે. તેથી જ ડુંગર પર નાના- નાના ઝરણા એકઠા થઈ વહેતી નદી વિશ્વામિત્રી નદી નામ ધારણ કરી આગળ વધે છે.
પતઈ રાજા
ચાંપાનેર- પાવાગઢમાં રાજા પતઈનું રાજ હતું. પતઈ રાજા મહાકાળી માનાં મોટા ભક્ત હતાં.
એમની સાથે અનેક કપોકલ્પિત વાતો જોડાયેલ છે
સાચી હકિકત રમેશ જોષી એ રાય બેનિરાય બુકમા કરી છે
નવનિર્માણની જો વાત કરું તો
હાલમાં જ પાવાગઢ પર્વત પરનાં મહાકાળી માનાં મંદિરનું પરિસર 121 કરોડના ખર્ચે નવનિર્માણ પામ્યું છે. મંદિરનું ગર્ભગૃહ, ક્ળશ અને ધજાદંડ સંપૂર્ણ સોનાથી મઢવામાં આવ્યું છે. પરિસરમાં એક સાથે 2000 શ્રધ્ધાળુઓ આવી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. વિશ્રામ ગૃહ, પીવાનું શુદ્ધ પાણી, સુવિધાજનક શૌચાલય વગેરેનું નિર્માણ થયું.
18 જુન-2022 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા 5 દાયકા બાદ ધજા ફરકાવી માનું આધુનિક મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું. હવેથી અહીં પણ ભક્તો માને ધજા ચઢાવી શકશે.
પાવાગઢ સંગીતકાર બૈજુબાવરાના જન્મ સ્થળ પણ ગણાય છે.
“કાળી ને કલ્યાણી મા પાવાગઢના દર્શન માત્રથી મનોકામના પુર્ણ થઈ જાય છે. “


















































