પડકાર સ્વીકાર્યો
“શું વાત કરે છે!! તને સાત માંથી છ કેટી લાગી, એટલે તું છ વિષયમાં ફેલ થયો?”
એક દોસ્તએ વેદાંતને જોરથી પીઠ થાબળતા પૂછ્યું?”
“વેદાંતે હંસતા હંસતા જવાબ આપ્યો,
“હાં યાર, કઝીનના લગ્નમાં ગયો હતો અને આવીને ભણવાનો સમય જ ન મળ્યો. કાંઈ નહીં, કવર અપ કરી લઈશ.”
એના દોસ્તએ કટાક્ષ કરતા કહ્યું,
“ભારી જીગર છે તારું. છ છ વિષયમાં ફેલ થઈને પણ તું હંસી રહ્યો છે! જો મને આટલી બધી કેટી લાગી હોત, તો હું તો આત્મહત્યા કરી નાખતે.”
આ તો શરૂઆત હતી. વેદાંતને હજી મહેણાં ટોણા સાંભળવાના બાકી હતા. જ્યારે શિક્ષિકા કલાસમાં આવી, તો તેણે ફેલ થયેલા બધા છાત્રોને ઉભા કર્યા. વેદાંત પર નજર પડતા, એણે તેની સામે આંખ કાઢી અને વરસી પડી,
“મેં મારા વિસ વર્ષની કારકિર્દીમાં તારા જેટલો બેદરકાર છોકરો નથી જોયો. તને છ કેટી લાગી છેને? છેલ્લી પરીક્ષાના સાત પેપર અને આ છ. હવે હું જોઉં છું, કે તું એક પછી એક, તેર પેપર કેવી રીતે આપીશ અને કેવી રીતે પાસ થઈશ!”
વેદાંતને આ કટાક્ષ ભરેલી ટિપ્પણી પચાસથી પણ વધુ છાત્રોની સામે સાંભળવી પડી અને એને આ વાત અતિશય અપમાનજનક લાગી. તે વખતે એ ગમ પી ને ચુપચાપ બેસી ગયો. પણ વેદાંતનું અહમ ખૂબ ઘવાયું અને એના આત્મસન્માનને ઠેસ પહોંચી.
લેક્ચરના અંતે, તે ઘરે જવા પાર્કિંગમાં પોતાની બાઇક પાસે ગયો. જયાં વેદાંત બાઇક પર બેસવા ગયો, તો એનો બેસ્ટ ફ્રેન્ડ પ્રણવ એની પાસે આવ્યો.
“શું થયું યાર? મૂડ કેમ ખરાબ છે? ક્યાં ચાલ્યો?”
વેદાંતે પ્રણવને બધી વાત કરતા, પોતાના દિલની ભડાસ કાઢી અને છેલ્લે ગુસ્સામાં કહ્યું,
“એણે બધાની સામે મારુ ઇન્સલ્ટ કર્યું છે ને! હવે હું પણ એને બધી તેર એ તેર પરીક્ષામાં પાસ થઈને બતાડીશ.”
પ્રણવએ એની પીઠ થાબડી અને પ્રોત્સાહન આપ્યું.
“એકદમ સો ટકા સાચી વાત! યુ કેન ડુ ઇટ! આને એક પડકારના રૂપમાં સ્વીકાર કર અને જી જાન લગાડીને મહેનત કર. પાસ થઈ જઈશ, તો બધાની બોલતી બંધ થઈ જશે. મારી મદદ જોઈતી હોય તો કહેજે.”
વેદાંત ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં હતો અને છેલ્લી પરીક્ષાને ત્રણ મહિનાની વાર હતી. ઘરે કોઈએ એટલું ન સંભળાવ્યું, કારણ કે બધાને ખબર હતી કે કઝીનના લગ્ન ના લીધે વેદાંત ભણી નહોતો શક્યો. પપ્પાએ ફક્ત એટલુંજ કહ્યું,
“દીકરા બસ એટલું ધ્યાન રાખજે કે તારૂ વર્ષ ન બગડે.”
વેદાંતે દિવસ રાત એક કરી નાખ્યા. દોસ્તો સાથે ફરવાનું, ખાવું પીવું, બધું ભૂલી ગયો, અને સંપૂર્ણ ધ્યાન ભણવામાં પરોવી નાખ્યું. કોઈ પણ કોચિંગ ક્લાસિઝ વગર, જાતે ભણ્યો. છેલ્લી પરીક્ષાના સાત પેપર અને કેટીના છ પેપરની વચ્ચે ફક્ત અઠવાડિયાનો સમય મળ્યો. એક પછી એક, સળંગ તેર પરીક્ષા માટે ભણીને એનું માથું ફરી ગયું.
જ્યારે પરિણામ બહાર પડ્યું, તો વેદાંત સાતમાં આસમાન પર હતો, એમ સમજો, જાણે હવામાં ચાલતો હોય. જે મિત્ર એ તેને પહેલી વાર ચીડવ્યો હતો, તેણે આવીને કટાક્ષમાં હંસતા હંસતા પૂછ્યું,
“કેમ ભાઈ, હવે કેટલી કેટી લાગી?”
વેદાંતે ગર્વની સાથે, કોલર ટાઈટ કરતા જવાબ આપ્યો,
“પડકાર સ્વીકાર્યો અને સફળ પણ થયો! બધી તેર એ તેર પરીક્ષામાં પાસ થઈ ગયો.”
શમીમ મર્ચન્ટ


















































