એક વરસાદી સાંજે મારા રૂમની બારીમાંથી પ્રવેશતી ભીની વાદળીની વાંછટો, કોઈની રાહ જોવાની મારી આતુરતામાં વધારો કરતી હતી…
મારી સાથે બારીની નજીક રહેલા ટેબલ પર પડેલી બુક પણ વરસાદી છાંટાઓથી ધીમે ધીમે પલળતી હતી…
ના…બુક નહીં, એ બુકના દરેક ખૂણામાં રહેલી અમારી યાદો ભીંજાતી હતી…
સતત દસ દિવસથી ટેબલ પર બંધ પડેલી એ બુક, એમને ભૂલાવવાના મારા સફળ પ્રયત્નોનો પુરાવો હતો…
કબાટમાં બંધ કરીને, અમારી યાદોના શ્વાસ રૂંધાવવાના ઈરાદાથી ધ્રુજતા હાથે મેં બુક હાથમા લીધી…
અચાનક વાતા વરસાદી પવનથી બુકનું કવર ખુલી ગયું અને મારી નજર પ્રથમ પેજ પર લાલ અક્ષરોથી લખેલા મારા નામ પર પડી…
એક દિવસે બપોરે 1:30 વાગ્યે મારી બુક પરત કરતી વખતે ઘણી ચતુરાઈથી એમણે મારા નામનાં અક્ષરોમાં લાલ અક્ષરે પોતાનું નામ લખ્યું હતું….હા, અમારું નામ લખ્યું હતું…
એ બુકના ખૂણા પર તારીખ અને વાર સાથે મેં કરેલા ચિન્હો….એ માત્ર ચિન્હો નહીં પણ એમની સાથે વીતેલી ક્ષણોનાં મીઠાં સંભારણા હતા…
બુકનાં અંતિમ પેજ પર બનાવેલું ટાઈમ-ટેબલ, જે હકીકતમાં છત પર ફોનથી થયેલી અમારી વાતોનો સમય, તારીખ અને વાર બતાવતું અમારી યાદોનું કોલ-લોગ હતું…
ભૂતકાળની આ યાદોથી ભીંજાયેલી મારી આંખો વરસવા લાગે એ પહેલા જ એક અવાજ મારા કાને પડે છે….”જલ્દી નીચે આવ, છોકરાવાળા તને જોવા આવી ગયા છે”
અચાનક લાગ્યું જાણે મારા ભૂતકાળે મને મારા વર્તમાનમાં ધકેલી હોઈ અને મારું ભવિષ્ય નીચે મારી રાહ જોતું હોઈ…
બારી બંધ કરીને, ફરી એમની યાદો સાથે બે ઘડી રહેવાનું વિચારીને મેં બુક ત્યાં જ, ટેબલ પર મૂકી અને હૃદયમાં એમના માટેનો અખૂટ પ્રેમ લઈને એક નવી જવાબદારી તરફ મારા ડગ માંડ્યા…
જતા જતા એમનું એક વાક્ય મને યાદ આવ્યું, “હું ક્યારેય તને રડવા નહીં દઉ”….આજે ફરીથી દૂર રહીને પણ એમણે પોતાનું વચન નિભાવ્યુ…
– નૈઋતિ ઠાકર
Related