આપણા શાસ્ત્રકારોએ પૌરાણિક પ્રસંગોને ધાર્મિક અને સામાજિક ઉત્સવ તરીકે સ્થાપી ને સામાજિક જનજીવનને ધબકતું રાખ્યું છે. તહેવારો અને ઉત્સવો સાથે ધર્મ અને આધ્યાત્મિક ભાવનાઓને જોડીને આપણા શાસ્ત્રકારોએ સમભાવે ખુશીઓની લહાણી કરી છે. તેમાં સૌથી મહત્વનો અને સૌને માટે ઉત્સાહ, ઉમંગ અને ખુશી લાવતો તહેવાર એટલે દિવાળી.
દિવાળીનું આ પર્વ કારતક વદ ત્રયોદશી એટલે કે ધનતેરસના દિવસથી શરૂ થાય છે.માતા મહાલક્ષ્મી પૂજનનું મહાપર્વ એટલે ધનતેરસ. ધનતેરસના દિવસે દીપ પ્રગટાવવાનું અત્યંત મહત્વ છે. નદી કિનારે, સરોવર કાંઠે, બારીએ, ઊંબરે, ઝરૂખે, દેવ મંદિરે આ દરેક જગ્યાએ શક્ય હોય તો દીપ પ્રગટાવવો જોઈએ. સાંજના સમયે ઘરને સ્વચ્છ કરી ઊંબરા પર દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજી સદાય ઘરમાં વાસ કરે છે.
આ માટે એક સુંદર કથા આપણા પુરાણોમાં છે. એક વખત ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વી લોકમાં વિચરણ કરવા જઈ રહ્યા હતા. લક્ષ્મીજીએ સાથે આવવાની જીદ પકડી. લક્ષ્મીજીને સાથે લઈને ભગવાન પૃથ્વીલોકમાં વિચરણ કરવા લાગ્યા. થોડા સમય પછી એક જગ્યાએ લક્ષ્મીજીને રોકીને ભગવાને કહ્યું કે “હું દક્ષિણ દિશા તરફ જાઉં છું તમે અહીં જ રહેજો, હું કહું ત્યાં સુધી અહીં જ રહેજો.”
વિષ્ણુ ભગવાનના ગયા બાદ લક્ષ્મીજીને સ્ત્રીસહજ કુતૂહલ થયું કે આ દક્ષિણ દિશા તરફ એવું તે શું હશે. એમ વિચારીને તેઓ દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. થોડીવારમાં એક સરસવનું ખેતર આવ્યું. તેમાં સુંદર ફૂલો જોઈને લક્ષ્મીજીએ તે ફૂલ તોડીને પોતાના કેશનો શણગાર કર્યો. તે સમયે જ વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. અને ક્રોધિત થઈને લક્ષ્મીજીને શાપ આપ્યો કે જે ખેડૂતના ખેતરમાંથી તમે ફૂલો લીધા છે, તે ખેડૂતોની તમારે બાર વર્ષ સુધી સેવા કરવી પડશે.
આમ કહીને વિષ્ણુ ભગવાન વૈકુંઠધામ પાછા ફર્યા. આ તરફ જેટલો સમય લક્ષ્મીજી ખેડૂતના ઘરે રહ્યા તેટલો સમય તેનું ઘર ધન-ધાન્યથી ભરપૂર રહ્યું. બાર વર્ષ વિતી ગયા.
બાર વર્ષ પછી શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજી ને લેવા માટે પાછા આવ્યા. તો ખેડૂત અને તેની પત્નીએ તેમને મોકલવાની મનાઈ કરી દીધી. આથી લક્ષ્મીજીએ કહ્યું કે હું અહીં માત્ર બાર વર્ષ માટે જ હતી. જો તમે મને કાયમી રોકવા માંગતા હોય તો હું કહું તેમ કરો. આવતી કાલે તેરસ છે. તમે ઘરને સ્વચ્છ કરી, મારી પૂજા કરી અને પછી ઉંબરા ઉપર દીવાની જ્યોત પ્રગટાવજો. આ જ્યોત દક્ષિણ દિશા તરફ રહેવી જોઈએ. આથી હું પ્રસન્ન થઈ અને તમારા ઘરમાં સદાય નિવાસ કરીશ. આમ ખેડૂત દંપતિ એ માતા મહાલક્ષ્મીની કૃપા મેળવી અને ત્યારથી ઉંબરા ઉપર દીપ મુકવાની પ્રથા શરૂ થઈ.
આ ઉપરાંત ધનતેરસના દિવસે ગોત્રીરાત્ર વ્રતનો પણ મહિમા છે. તેમાં ગૌશાળામાં જઈને ગાયોનું પુજન અને તેમને ઘાસચારો નિરવાનું મહત્વ છે. આ દિવસે જ સમુદ્રમંથન વખતે ભગવાન ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી આ દિવસે નિરોગી દીર્ઘાયુષ્ય માટે ધન્વંતરિ પૂજન પણ કરવું જોઈએ.
આ દિવસે લક્ષ્મીજીનું શાસ્ત્રોક્ત રીતે ષોડશોપચાર વિધિથી, ઉત્તમ વસ્તુઓ અર્પણ કરીને પૂજન કરવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં આપણે સૌ જે મહામારીનો સામનો કરી રહ્યા છીએ. તે જોતા મારું એવું માનવું છે કે જરૂરતમંદો સુધી બનતી મદદ પહોંચાડી ને આપણે લક્ષ્મી પૂજન કરીએ. માતા મહાલક્ષ્મી બધા પર સદા પ્રસન્ન રહે તેવી શુભેચ્છા.
-અસ્તુ
Related