આ દિવાળીએ કોઈ હિલ-સ્ટેશન, દરિયા-કિનારા કે રિસોર્ટમાં જવાને બદલે હોસ્પિટલની મુલાકાત લો. ડાયાલીસીસ કરાવી રહેલા દર્દીની બાજુમાં મારી સાથે ફક્ત પાંચ મિનીટ બેસો. ગળાની વચ્ચે કાણું પાડીને ટ્રેકીઓસ્ટોમી નાખેલા દર્દીની વેદનાને ફક્ત બે મિનીટ સમજો. કેન્સરના ટર્મિનલ સ્ટેજમાં રહેલા દર્દી સાથે એક કપ કોફી શેર કરો.
રાતનો અંધકાર એમના માટે મૃત્યુની સરપ્રાઈઝ ગીફ્ટ લઈને ઉભો હોય છે. આવતી કાલ સવારે આકાશમાંથી અસંખ્ય આશાઓ લઇને નિકળનાર સૂરજના કિરણો, એમના ઉપર પડશે કે કેમ ? એમને એ પણ ખબર નથી હોતી.
આવતી કાલ સવારે એમની આંખોને ઉઘડવું ગમશે કે કેમ ? એ પણ તેઓ નથી જાણતા.
અસ્તિત્વની જ્યોત જ્યારે ડાન્સ કરવા લાગે છે ત્યારે બાકીના બધા જ દીવડાઓ ફિક્કા લાગે છે. બધી જ રોશનીઓ અને ઝાકઝમાળ નિરર્થક લાગવા લાગે છે.
પરાણે ચાલી રહેલા શ્વાસ, થાકીને ક્યાંક રાતે જ અટકી જશે તો ? એ વિચારે એમને ઊંઘ નથી આવતી. સવાર પડે એ પહેલા આખેઆખો માણસ ચાર ખભા ઉપર ઉપડી જશે તો ?
ઘરમાં દીવો થવાને બદલે, એમના ફોટાની સામે એ દીવો થશે તો ?
ફક્ત એક મિનીટ આવું વિચારીએ…. પછી આપણે સાથે કરશું દિવાળીનું સેલિબ્રેશન.
દિવાળી એટલે નથી ઉજવવાની કે તેઓ ઉજવી નહિ શકે. દિવાળી એટલે ઉજવવાની છે કે આપણે ઉજવી શકીશું.
ઈશ્વરની સાવરણી ફરે અને આપડે હજુ એના સૂપડામાં નથી આવ્યા, એની ઉજવણી કરવાની. ઈશ્વરે એક વધુ મોકો આપ્યો જીવતા રહેવાનો, એની ઉજવણી.
ફૂટતા ફટાકડા અને મીઠાઈઓની સુગંધ વચ્ચે દેશના કેટલાય ગરીબ બાળકો આઘેથી આપણો આનંદ જોશે. બોમ્બ અને રોકેટના અવાજો વચ્ચે, એમની લાચારીના ડૂસકાં આપણને નહીં સંભળાય. આપણે નહીં સાંભળી શકીએ આઈ.સી.યુમાં વાગતું એ વેન્ટીલેટરનું એલાર્મ, જેના અવાજ માત્રથી દર્દીના સગાઓ સફાળા બેઠા થઈ જાય છે.
સારવાર માટેની એ નાણાભીડ, માર્કેટમાંથી ઉધાર લીધેલા પૈસા, મિત્રોને ફોન કરીને વ્યક્ત કરેલી લાચારી અને એ ભયાનક સમય જેમાંથી દેશ અને દુનિયાના કેટલાય લોકો અત્યારે ઓલરેડી પસાર થઈ રહ્યા છે. કેન વી હેલ્પ ધેમ ? કેન વી નોટ ? મને નથી ખબર. પણ એટલી ખબર છે કે આ વખતની દિવાળીએ દીવાઓની સંખ્યા ઘટી ગઈ હશે.
આપણા ઘરની બહાર રોશનીઓ કરીને આપણે કોઈના જીવનમાં ફેલાયેલો અંધકાર દૂર નહીં કરી શકીએ. ઘરની બહાર એક મોટી રંગોળી કરીને કેટલાય લોકોના બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયેલા જીવતરમાં આપણે રંગ નહીં પૂરી શકીએ.
જો શક્ય હોય તો આ દિવાળીએ એવું કંઈક કરીએ કે કોઈ એક જીવની પીડા ઓછી થાય. ઓછી ન કરી શકીએ તો પણ વાંધો નહીં, એટલીસ્ટ સમજવાનો તો પ્રયત્ન કરીએ. જો એટલું થઈ શકે, તો આપણે સાથે મળીને કરશું દિવાળીનું સેલિબ્રેશન.
દગાબાજ અને અસ્થાયી જીવતરનો ભયાનક નાચ જોઈ રહેલી કોઈ એક વ્યક્તિના ચહેરા ઉપર પણ જો આપણે સ્માઈલ લાવી શકીએ, તો આપણી આ દિવાળી સાર્થક થઈ ગણાશે.
મુહમ્મદ અલીએ કહેલું, ‘Service to others is the rent you pay for your room here on earth.’ આપણે આવા કેટલાય ભાડા ચૂકવવાના બાકી છે.
જે જિંદગી આપણે જીવી રહ્યા છીએ, એ અકાળે અવસાન પામેલા કેટલાય લોકોની ઉધાર લીધેલી જિંદગી છે. એમણે નહીં ભોગવેલું આયુષ્ય, આપણે ભોગવી રહ્યા છીએ. અનાયાસે મળી ગયેલા એ જીવતરનું ઋણ ફક્ત કોઈને રાહત આપીને જ ચૂકવી શકાય.
આપણી આસપાસ રહેલા એટલીસ્ટ કોઈ એક જીવને જો આપણે કમ્ફોર્ટ આપી શકીએ, તો કરી શકીએ દિવાળીનું સેલિબ્રેશન. ઉજવણી કરવી જ છે. એટલા માટે નહીં કે તેઓ નથી કરી શક્યા, એટલા માટે કારણકે આપણે કરી શકીએ છીએ. આપણું એક જેસ્ચર, એક ફોન કોલ, એક મેસેજ, એક મુલાકાત, એક ડોનેશન કોઈની દિવાળી સુધારી શકે છે. આપણે હજુ ફોટોફ્રેમની બહાર છીએ, આ એની ઉજવણી છે.
આપણા શ્વાસ બક્ષી દઈને જે ઉદારતા આ કુદરતે દાખવી છે, એવી જ ઉદારતા હવે આપણે દેખાડવાની છે. વાત તો સોશિયલ ડીસ્ટન્સીંગની થઈ છે, ઈમોશનલ ડીસ્ટન્સીંગની નહીં. સદગતના સ્વજનોની ખોટ, તેમણે અનુભવેલો ખાલીપો અને આ જગતમાં પ્રવર્તમાન તમામ અભાવો સાથે એકવાર આપણી જાતને રીલેટ અને કનેક્ટ કરી જોઈએ. પછી કરીએ સેલિબ્રેશન.


















































