ગિરમાં રાવલ નદીના કિનારા પર જુનાગઢની દિશામાંથી ઘોડા જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઉભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસ્વારોને લઈને ભેખડો ટપી સામે કાંઠે જતાં.
આજ પણ રાવલકાંઠે રોઝડાંના અસવારો ઉભા છે. પાદશાહી પઠાણોની ફોજે આજ બેય બહારવટીયાનો પીછો લીધો છે. ઠેઠ જુનાગઢથી ફોજ તગડતી આવે છે.
ઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મ્હોંમાં તલવાર ઝાલીને ખીસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળાં પગલાં મેલીને અંદર ચાલ્યાં. બે પલંગ દીઠાં. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમઃ પતંગીયા જેવા ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તલવાર કાઢી ઠેકવા ગયો. ત્યાં જેસાએ પીઠ ફેરવી.
વેજાએ પુછ્યું:
“કેમ પારોઠ દીધી ભાઈ ?”
“પાદશાહની બીકથી નહિ, બાપ ! ધરમની બ્હીકેથી.”
“હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.”
“કાંઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.”
વેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે એાઢાડી દીધી.
“હવે ભાઈ ! હવે કરૂં આ પાદશાહના કટકા ! આવો રંગ આપણી તલવારૂંને કે દિ’ ચડશે ?” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ધુમાવે છે.
જેસાજીએ મ્હોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઉંચો કર્યો.
“આ જેને પાંભરી એાઢાડી એનો વિચાર કરૂં છું. મ્હોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા ? આપણે તો ગંગાજળ ! પાંચાળીની એબ ઢાંકનાર યદુનંદનના બાળકો !”
બોલવાનો સંચળ થયો. ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં, સરોવર માયલાં પોયણાં જેવાં ઉઘડ્યાં.
“ઓ ખુદા !” એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ.
વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઉભી રહી.
“હટી જા બોન ! તું બોન છે, બ્હીશ મા ! તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસૂરને તો આજ નહિ છોડીએ.”
“હું તમારી બોન ! તમે મારા ભાઈઓ ! કાપડું માગું છું.”
“મારો ખાવંદ, મારો પાદશાહ કાપડામાં આપો.”
“પત્યું વેજા ! જેવાં આપણાં તગદીર ! વળો પાછા. હવે તો પાદશાહ બોનને કાપડામાં રહ્યો.”
બેય જણા ઉતરી ગયા. દાંતમાં લીધેલી તલવારો ઝબૂકતી ગઈ.
શું થયું, તેની બ્હીકે નહિ, પણ શું થાત તેને ધ્રાસકે થર થર કાંપતી હુરમે ધણીને અંગૂઠો મરડી જગાડ્યો. કહ્યું કે
“જેસો વેજો આપણા મહેલમાં !”
“હેં !” પાદશાહ હેબતાઈ ગયો. “ક્યાં છે ?”
“પાદશાહનો જીવ મને બોન કહી કાપડામાં દીધો.”
પણ પછી તો પાદશાહની ઉંધ જાતી રહી. દિવાલો પર, દરવાજે, પલંગ પાસે, પવનનાં ઝપાટામાં તે ઝાડના ફરફરાટમાં એણે બહારવટીયા જ જોયા કર્યા :
“મોદળ ભે મટે નહિ, સૂખે નો સૂવાય,
મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત !”
[મેાદળ (જૂનાગઢ)ને ભય નથી મટતો. સુખથી સૂવાતું નથી. અને મામદશા પાદશાહના હૈયામાં તો હરણાં જેમ કૂદકા મારતાં હોય તેમ ભયના ફફડાટ થાય છે.]
=========
મેઘલી અંધારી રાતે, બેય બહારવટીઆ સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઉભા છે. મે’ની ઝડીઓ વરસે છે તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાંના ટેકા લીધા છે. અને ઘણા ઘણા દિવસના થાક ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી-બઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાના ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળ બચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયામમતાભરી કોથળીઓ ખાલી કરે છે. ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો, ઠપકાભર્યો લલકાર સાંભળ્યો:
“૫ડ ધ્રજે પૃથમી તણું, કડકે નેાબત કોય,
જેસા ! સામું ન જોય, કાન ફૂટયા કવટાઉત !”
[ઓ જેસા ! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નોબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો ? તારા કાન કાં ફુટી ગયા? ]
“જેસા ! સામું જોય, ગડહડી નોબત ગુંજે,
(પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત!”
[ઓ જેસા ! સામે તો જો. આ નોબત ગુંજે છે. પરંતુ કાળની ગતિ બહુ કપરી છે.]
“ત્રેહ ત્રાર્યા ત્રંબાળ (કાં) સાંભળ નૈ સરતાનનાં !
જેસા હજી ન જાગ કાન ફુટા કવટાઉત !
નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં
જેસા હજી ન જાણ, કાં કાન ફુટા કવટાઉત !”
[ઓ જેસા ! કવાટજીના દીકરા ! આ સુલતાનનાં ડંકા નિશાન તારી પાછળ ગાજતાં આવે છે તે હજુ ય કાં ન સાંભળ ? તારા કાન કાં ફુટી ગયા ?]
આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા. “ભાઈ વેજા ! કો’ક આપણને ચેતાવે છે. કો’ક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલ કોઠે.” અમરકથાઓ
વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા,નદી નાળાં ટપીને બહારવટીયા નાસી છૂટ્યા.
કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટીયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયા. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટીયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યું,
“ હા, પાતશાહ સલામત ! મેં ચેતાવ્યા. ને હું તારો ચારણ છું. તુને આજ ખેાટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતાવ્યા બાપ !”
“ફોજ પાછી વાળો. જવા દ્યો બહારવટીયાને. ”
“એ પાદશાહ !” હસીને ચારણે હાકલ દીધી :
“અયો ન ઉડળમાંય સરવૈયો સરતાનની,
જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો !”
[સરવૈયો બહારવટીઓ સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પેાતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય.]
“એસા !” પાદશાહ લાલચોળ થયા.
“ફોજ ઉપાડીને બહારવટીઆને ગિરને ગાળે ગાળે ગોતો.”
હુકમ થાતાં ફોજ ગિરમાં ઉતરી.
“દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં
(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત !”
[પઠાણેાનાં દળ બહારવટીયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝટકાની ઝીંક ઝાલી શકી નહિ.]
માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ પાંચ પઠાણોને પછાડી પછાડી બે ભૂખ્યા તરસ્યા ને ભીંજાયલા ભાઈઓ ભાગી છૂટે છે.
એમ થાતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.
——————–
(કોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. ને કોઈ કહેછે કે સાંજણ ભંગડો. )
(ક્રમશ:)
Related