મઝધાર! અથવા મારે તેને ક્રોસરોડ્સ કહેવું જોઈએ; જ્યાં હું અને મારું જીવન અત્યારે ઊભા છીએ. એમ કહેવાય છે કે વિશ્વમાં દરેક મૂંઝવણ માટે ક્યાંક ને ક્યાંક નિવેડો આપેલો છે, પરંતુ તે મારા માટે નથી લાગતો. મારા જીવનનો જ્વાળામુખી મારા હૃદય અને આત્મામાં ઉતરી ગયો છે.
હું વાસ્તવમાં દરિયાના મઝધારમાં, કમર સુધીના પાણીમાં ઉભી છું. ડૂબતો સૂરજ આજુબાજુ અંધકાર કરી ગયો અને હું અહીં સુધી ચાલીને આવી ત્યારે કોઈનું ધ્યાન મારા પર ન ગયું. હું કોઈ મૂર્ખામીભર્યું પગલું ભરવા માટે ઉછળતા મોજામાં નથી ઊભી, બસ જીવનના રોજિંદા દુઃખોમાંથી ક્ષણભરની મુક્તિની તલબ જાગી અને હું અહીં આવી ગઈ.
શાંતિ મકવાણા, તે હું છું; એક પાંત્રીસ વર્ષની ૧૨મી પાસ સ્ત્રી, એક સામાન્ય ગૃહિણી, એક દબાયેલી પત્ની, બે બાળકોની લાચાર મા અને ઘરેલું હિંસાનો શિકાર!
“મહિલા સશક્તિકરણ પુરુષની નિષ્ફળતા છે અને તેના પુરુષત્વ માટે ખતરો છે. સ્ત્રીની અસલ જગ્યા પુરુષના પગમાં છે અને ઊભા પગે પતિની જીહજૂરી કરવામાં છે. મારી હકૂમત અને માર તને હંમેશા આ વાત યાદ રાખવામાં મદદ કરશે. સ્પષ્ટ થઈ ગયું?”
મારા માતા-પિતા અને હું, અમારામાંથી કોઈએ પણ અનુમાન નહોતું લગાવ્યું કે દશાનન, મારો પતિ, આ ખતરનાક ફિલસૂફીનો માણસ હતો. મારા ગરીબ માતા-પિતાએ માત્ર એ જ જોયું કે દશાનનની સ્થિર નોકરી છે, પોતાનું ઘર છે અને એકલો રહે છે. મારા માતા-પિતાને દહેજ આપવું પોસાય એમ નહોતું અને દશાનને પણ કોઈ માંગણી ન કરી. એક છોકરીના વડીલોને બીજું શું જોઈએ?

તેમ છતાં, લગ્નના છ મહિનાની અંદર તેણે હેતુપૂર્વક અને જાણી જોઈને તેના સાચા રંગો સંપૂર્ણપણે પ્રદર્શિત કરી નાખ્યાં. “શાંતિ, મારી સાથે સુખી દામ્પત્ય જીવન જીવવાનો કોઈ ભ્રમ નહીં પાડજે. તું મારા ઘરમાં ફક્ત મારી જરૂરતો પૂરી કરવા અને મારા બચ્ચાઓને જન્મ આપવા માટે જ છે, સમજી ગઈ?”
પ્રેમાળ જીવનસાથીના મારા સપના અંકુરિત થવા પહેલા જ મરી ગયા.
દશાનન નિર્દય હતો. તેનામાં કરુણાનું એક હાડકું પણ નહોતું. ફક્ત તેના અહંકારને સંતોષવા અને તેના ઘરમાં અને તેના જીવનમાં મારી દયનીય સ્થિતિની યાદ અપાવવા માટે, તે મને વગર મફતનો ગુસ્સો કરતો અને કારણ વિના મારી મારીને ઢીબડી નાખતો. ગરીબ માતાપિતા અને લગભગ શૂન્ય શિક્ષણના લીધે, મારી પાસે તેના ત્રાસદાયક વર્તનને સહન કરવા અને પીડાતા રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
આજે, બાર વર્ષના નિષ્ઠુર અને હ્રદયહીન દાંપત્ય જીવન પછી, મારના ઊંડા ઘા અને ડાઘ માત્ર મારા શરીર અને ચહેરા પર જ નહીં, પણ મારા દિલો દિમાગ ઉપર પણ તેની છાપ મૂકી રહ્યા છે. તેણે મારી આત્મા પર કાયમી જખમ આપી દીધું છે જે ક્યારેય નહીં રૂઝાય.
તેમ છતાં મારી સહનશીલતા તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે, કારણ કે હવે મારા કરતાં વધારે, મારા બચ્ચાઓ દશાનન ના ક્રોધનો શિકાર બની ગયા છે. તે તેમના પર ચીસો પાડે છે અને તેમને કોઈ સ્વતંત્રતા વિના કડક દેખરેખ હેઠળ રાખે છે. મારા બચ્ચાઓના કોઈ મિત્ર નથી અને તેઓ ચોવીસ કલાક ડરમાં જીવી રહ્યા છે.
પરિણામે, હું જીવનના તોફાની મઝધારમાં ફસાઈ ગઈ છું, કોઈ સ્પષ્ટ પરિપ્રેક્ષ્ય વિના દ્વિધાથી મન ભરાઈ ગયું છે. આ લગ્નને મેં બાર વર્ષ આપ્યા, પણ શું ફાયદો? સારા દિવસો જોવા માટેની મારી બધી પ્રાર્થનાઓ નિરર્થક રહી અને મારા ક્રૂર પતિ સાથેનું ભવિષ્ય તદ્દન અંધકારમય લાગી રહ્યું છે. મૃત ફૂલોને પાણી આપવાનું ચાલુ રાખવાનો શું અર્થ છે?
“શાંતિ, તારે પોતે પણ દશાનનના અન્યાયમાંથી પસાર થવાની જરૂર નહોતી. જો કે, હવે તું તારા બચ્ચાઓને આ જ નરકમાં નથી ઉછેરી શકતી. તું એક મા છો અને તેમને સારું જીવન આપવાની તારી નૈતિક જવાબદારી છે.”

જીવનના તોફાની મઝધારમાં મારી નૈયા પલટી જાય તે પહેલાં મારે કંઈક કરવું જોઈએ. નિર્ણય લેવાયો! હું મારી અને મારા બાળકો માટે મારી જીવન-કથાની સત્યતા બદલવા જઈ રહી છું.
હવે મારા માતા-પિતા નથી રહ્યા. મારી વેદના તેમને વહેલી વિદાય તરફ દોરી ગઈ. તેથી બાહ્ય સહાય મેળવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એન.જી.ઓ શોધવામાં એક મહિનો લાગી ગયો. એક એવો એન.જી.ઓ જે અમને આશ્રય આપે અને ત્યાં સુધી અમારી સંભાળ રાખે જ્યાં સુધી હું મારી જાતે જીવન જીવવાના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ ન થઈ જાઉ. તેઓએ મને પોલીસ રક્ષણ અને નાણાકીય મદદની ખાતરી આપી છે, અને સાથે સાથે છૂટાછેડાના દસ્તાવેજ ફાઇલ કરવા માટે મને એક વકીલ પણ આપશે.
દશાનનની સામે ઊભા થઈને બોલવું એ સૌથી અઘરું કામ હતું. મારું હૃદય મારા મોંમાં આવી ગયું અને આંસુની નદી વહી ગઈ. હું એ કરવા જઈ રહી હતી જે મેં મારા જીવંત અસ્તિત્વમાં ક્યારેય નહોતું કર્યું. મને એમ કે નહીં કરી શકું, મારામાં આટલી હિંમત ક્યાં છે? પરંતુ મારી અંદરની મા સ્ત્રી કરતાં વધુ મજબૂત સાબિત થઈ.
“દશાનન, મારા જીવનમાં જે કંઈ પણ બન્યું તેની અવગણના કરતા, મારા બચ્ચાઓના જીવનમાં મારા જેવું કદરૂપો વળાંક નહીં આવવા દઈશ. હવે હું મારા બાળકોની ખુશીમાં કંઈપણ અવરોધવા નહીં દઉં. અને તેના માટે હું તને અને આ ઘરને છોડીને જાઉં છું.”
“તારી હિંમત કેવી રીતે થઈ?” આ સાથે દશાનનને મારા ચહેરા પર જોરથી લાફો માર્યો. ડર સિવાય, મારું આખું અસ્તિત્વ બીજી બધી ભાવનાઓથી કંપી ઊઠ્યું. જીવનભરની દફનાવેલી નફરત સાથે મે તરત જ તેને સામે તમાચો માર્યો. આશ્ચર્યથી તેનો અવાજ દબાઈ ગયો અને તે અવાક થઈ ગયો. દશાનન બદલો લેવાનું વિચારે તે પહેલા જ દરવાજો ખખડ્યો. એન.જી.ઓના લોકો અમને લેવા આવ્યા હતા.
પાછળ નજર કર્યા વિના, હું અને મારા બચ્ચાઓ અંધારકોટડીમાંથી ઉજ્જવળ જીવન તરફ આગળ વધ્યા.
શમીમ મર્ચન્ટ


















































