ઘણી હિંમત કરીને આજે તમારી સમક્ષ આ વાત કરી રહી છું. હું સ્મિતા અહલાવત, મૂળ રહેવાશી હોશિયારપુર, પંજાબની પરંતુ મારા પિતાનું આર્મીમાં કચ્છમાં સ્થળાંતર થતાં છેલ્લા દસ વર્ષોથી અમે અહીં અંજારમાં રહીએ છીએ. બાળપણથી જ ઘરમાં આર્મીનું વાતાવરણ હોવાથી, મારામાં શિસ્તતા અને તંદુરસ્તી ભરપૂર હતી. સવારમાં વહેલા ૫ વાગે પપ્પા જોગિંગ માટે સાથે લઈ જતાં બસ ત્યારથી જ તંદુરસ્તી અને સ્વાસ્થ્ય બાબતે હું ખૂબ ગંભીર છું.
શાળા સમયથી જ મને રમત – ગમતનો ખૂબ જ શોખ હતો અને એ જ કારણે હું શાળાની ફૂટબોલ ટીમમાં શામેલ થઈ. શિખતા શિખતા રમત ખૂબ નીખરી અને હું રાજ્ય કક્ષાએ ફૂટબોલ ટીમની કપ્તાન બની. અમારી શિસ્ત અને મહેનતને પરિણામે અમે સતત ૩ વર્ષ ચેમ્પિયન બન્યા. વાહેગુરુની કૃપાથી મને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું અને એશિયા કપમાં અમે જીતીને આવ્યા.
ઘણું માન અને સન્માન અમને મળ્યું, ખાસ મને કારણ કે મે દરેક મેચમાં સારામાં સારો દેખાવ કર્યો હતો. ગુજરાત આવ્યા બાદ કચ્છના મેયરે મારુ બહુમાન કર્યું, મારી જ્ઞાતિમાં મને ઇનામો મળ્યા. ખૂબ જ સારો સમય વીતી રહ્યો હતો પંરતુ કહે છે ને સમય તમારી પરીક્ષા કરે છે અને મારી સાથે એવું જ થયું. ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ માટે દિલ્લીમાં અમારું અંતિમ સિલેક્શન હતું એટલે હું ૧૭ મે, ૨૦૧૭ ને સાંજે ભુજ રેલ્વે સ્ટેશનથી દિલ્લી જવા નીકળી.
રાત્રિના ૨ કે ૩ વાગ્યા આસપાસ અમારી ટ્રેન રતલામ સ્ટેશન પહોંચી અને હું પ્લેટફોર્મ પર ચા પીવા નીચે ઉતરી, ચા પી ને પરત મારા કંપાર્ટમેન્ટમાં આવી અને આરામથી આંખો બંધ કરી બેઠી હતી. અચાનક ૧૦ ૧૨ દારૂના નશામાં ધૂત છોકરાઓ કંપાર્ટમેન્ટમાં આવી ચડયા અને લૂટફાટ કરવા લાગ્યા, કોઈ કશો વિરોધ ના કરે, મે ઉઠીને એમને રોકવાની કોશિશ કરી એટલે તેઓએ મારી સાથે બળજબરી કરવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત છે, આખો કંપાર્ટમેન્ટ ભરેલો હોવા છતાં કોઈ એક વ્યક્તિ પણ મદદ માટે ના આવ્યું બધા બસ બાઘાની જેમ જોય રહ્યા. મે મારી રીતે પૂરતી લડત આપવાની કોશિશ કરી, ઘણાને માર્યા, ધકેલ્યા પરંતુ ૧૦ ૧૨ પુરુષો સામે હું એકલી છોકરી કયા સુધી ટકી શકવાની અંતે અચાનક તેમાંના એક છોકરાએ લોખંડનો પાઇપ મારા માથા પર માર્યો અને હું મારુ ભાન ભૂલી ગઈ, ત્યારબાદ એક પછી એક એ છોકરાઓ એ મારા પર બળાત્કાર ગુજાર્યો અને અમાનુષી અત્યાચાર કર્યો.
મારી આંખ જ્યારે ખૂલી ત્યારે હું દિલ્લીના એઇમ્સમાં આઈ.સી. યુ. માં વેન્ટિલેટર પર હતી. આ મુદ્દો હવે રાજકીય વળાંક લઈ ચૂક્યો હતો, ઠેર ઠેર મારા માટે કેન્ડલ માર્ચ ને વિરોધ પ્રદર્શન થવા લાગ્યા. મને ધીરે ધીરે ભાનમાં આવતા ખબર પડી કે મારી કમરની નીચેનો આખો ભાગ પેરેલાઇઝ થઈ ચૂક્યો છે, એ બળાત્કારીઓએ એ હદે મારા શરીર પર આક્રમણ કર્યું કે કમરની નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો. મારી હવે ફૂટબોલ રમવાની અને ખાસ કરીને વર્લ્ડ કપ રમવાની એ ઉમ્મીદ સાવ તૂટી ગઈ અને સાથે મારી અંદર રહેલી એ હિંમત પણ સાવ તૂટી ગઈ. હું ફક્ત શરીરથી જીવિત હતી, મારી આત્મા તો ક્યારની મૃત્યુ પામી ગઈ હતી.
૪ મહિના બાદ મને દવાખાનેથી રજા આપવામાં આવી અને હું મારા નવા સાથી વ્હીલ ચેર જે મારા મન પર કહેર હતી એના પર ઘરે આવી. હવે શું? જીવન બસ આમ ને આમ જ વીતી જશે. એક દિવસ હું ને પપ્પા ડિસ્કવરી ચેનલ જોઈ રહ્યા હતા અને તેમા લદાખના પર્વતો પર અરુણીમા સિંહાએ આસાનીથી ચડાઈ કરી વિકલાંગ હોવા છતાં પણ તેની કવર સ્ટોરી આવી રહી હતી. જોતાં જોતાં પપ્પાએ મને એમ જ મજાક માં કહ્યું, “લદાખ જઈએ ચાલ, અહી થી બુલેટ લઈને જશું અને ત્યાં એક પછી એક પર્વત ચડશું.” મે કહ્યું, “પપ્પા મજાક ના કરો, દરેક છોકરી અરુણીમા સિંહા નથી હોતી, અને હું કમરના નીચેના ભાગથી સાવ પેરેલાઇઝ્ડ છું. ચડવાની કયા વાત કરો છો હું તો એક કલાક બેસી નથી શકતી.”
“શરીર તારું વિકલાંગ છે, તારું મન નહીં, પ્રેક્ટિસ કરશું, અરુણીમાને મળશુ, તેની મદદ લેશું.. સલાહ લેશું, તું ધારે તો બધુ કરી શકે. તું એક ખેલાડી છે એન્ડ રિમેમ્બર સ્પોર્ટસમેન નેવર ગિવ અપ.” મને પણ નવો એક સાહસ લાગ્યો, ઘણો મે વિચાર કર્યો અને અંતે મન મક્કમ કરી હું ને પપ્પા નીકળ્યા દિલ્લી અરુણીમાને મળવા, તેમને મળી, એમના શબ્દો સાંભળી મારામાં નવો ઉત્સાહ આવ્યો. જાણે મારો પુનર્જન્મ થયો હોય. દિલ્લીથી અમે લદાખની મુસાફરી શરૂ કરી, ખૂબ મુસીબત આવી, પણ મન અને મગજ એક કર્યું, અડગ વિશ્વાસ સાથે લદાખ ૩ દિવસે પહોંચી. એક દિવસના આરામ બાદ ત્યાં ને પર્વતો પર ટ્રેકિંગ શરૂ કર્યું, મોઢામાંથી લોહી નીકળી જતું, શરીરનો ઉપરનો ભાગ તૂટી જતો પણ મારામાં આવેલી એ નવી ઉર્જાના કારણે મહેનત રંગ લાવી, લદાખના ૪ પર્વતો મે ૧૫ દિવસમાં પૂર્ણ કર્યા.
મારા જીવનની સૌથી મોટી પરીક્ષા આપી મે લદાખનો k2 પર્વત જેની ઊચાઇ 8000 મીટર કરતાં ઊચી છે તે ચડવાની હતી. ૨૮ ઓગસ્ટ, ૨૦૧૮ મે એ પર્વત ચડવાનો શરૂ કર્યો અને ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ એ હું k૨ પર્વતની ટોચ પર હતી અને મારા એ નવા જીવનના ઉચ્ચતમ શિખર પર હતી. હાલ, મારી માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેની ટ્રેનિંગ શરૂ છે વિશ્વની સૌથી પહેલી અર્ધ વિકલાંગ મહિલાના નામે ભારત દેશનો ત્રિરંગો ટોચ પર લહેરાવો છે.
મારા જીવનમાં હું આ બનાવથી એ શીખું છું કે માત્ર માણસનું શરીર વિકલાંગ બને છે, જીવન જીવવાનું લક્ષ્ય ક્યારેય વિકલાંગ નથી બનતું. એક દરવાજો બંધ થતાં, બીજા ઘણા દરવાજા છે પણ એને આપણે જાતે જ ખોલવા માટે ઊભા થવું પડશે.


















































