સાલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વ્હોરા હતા. તેમનો જ ન્મ મુંબઈ ખાતે થયો હતો. ૧૮૫૭થી તેમનો પરિવાર મુંબઇ ખાતે સ્થાયી થયો હતો. તેઓ તેમના પિતા મોઈઝુદ્દીનના નવમા અને સૌથી નાના સંતાન હતા. જન્મના પહેલાં વર્ષે જ એમણે પિતાનું છત્ર ગુમાવી દીધું અને ત્રીજા વર્ષે તેમના માતા ઝિનત– ઉન– નિસા પણ ખુદાને પ્યારા થઈ ગયાં. માતાપિતાના નિધન બાદ તેઓ તેમના નિ:સંતાન મામા અમીરુદ્દીન તૈયબજી અને મામી હમીદાની સાથે ખેતવાડી, મુંબઈ ખાતે રહેવા લાગ્યાં.

તેમના અન્ય એક સંબંધી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી હતાં. અલીને શરુઆતમાં શિકાર વિષયક પુસ્તકોમાં બહુ જ રસ હતો. તેમના પાલક અમીરુદ્દીનએ તેમના આ રસને પીઠબળ આપ્યું. અલી આસપાસના બાળકો સાથે પક્ષીઓના શિકારની રમત રમતાં. તેમના બાળપણના એ વખતના ભેરુઓમાં દૂરના પિતરાઇ ઇસ્કન્દર મિર્ઝા પણા હતા જે વર્ષો પછી પાકિસ્તાનના પહેલાં રાષ્ટ્રપતિ બનેલાં. એક વાર એરગનથી રમતાં રમતાં એક પક્ષી ને ઢાળી દીધું. મૃત પક્ષીને જોઇ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. મૃત રંગીન ચકલીને જોઇને તેમના મામા અમીરુદ્દીન કે જેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સભ્ય હતા એમની જિજ્ઞાસા સંતોષવા અલીને ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના મંત્રી મિ. મિલાર્ડ પાસે લઇ ગયા. ત્યાં તેમણે પંખીઓના વિધ વિધ નમૂના અને પુસ્તકો જોયાં. મિલાર્ડે તેમણે કેટલાંક પક્ષી વિષયક પુસ્તકો પણ ભેટ આપ્યાં જેમાં ઇહા દ્વારા લિખિત બોમ્બેના સામાન્ય પક્ષીઓનો (કોમન બર્ડ્સ ઓફ બોમ્બે) પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત મિલાર્ડે તેમને પક્ષીઓનો સંગ્રહ બનાવવા માટે પ્રેર્યાં. સાથોસાથ મૃત પક્ષીઓને કેમ જાળવવાં, તેમની છાલ કેમ ઉતારવી તે વિષેની પ્રાથમિક સમજ આપી. આમ, એક બાળસહજ જિજ્ઞાસા એક બાળમનને પક્ષી વિશારદ બનાવી ગઇ. આ બાબતનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા ધ ફોલ ઓફ સ્પેરોમાં કર્યો છે. ફક્ત ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે એક ડાયરી નિભાવી હતી જેમાં તેમણે પોતાના પક્ષી અવલોકનો વિશે લખ્યું હતું.
એરગનથી પક્ષીના શિકારની ઘટના સંદર્ભે તેઓ નોંધે છે કે કેવી રીતે મૃત નર પક્ષીના સ્થાન પર અન્ય નર પક્ષી ગોઠવાઇ ગયું હતું. સાલીમ અલીનું પ્રાથમિક શિક્ષણ ગીરગામ ખાતે ઝેનાના બાઇબલ એન્ડ મેડિકલ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં તેમની બે પિતરાઇ બહેનો સાથે થયું. અને ત્યારબાદનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુબંઈથી લીધું. ૧૩ વર્ષની ઉંમરે તેમને લાંબા સમયના માથાના દુ:ખાવાની ફરિયાદ રહી જેની અસર તેમના શરુઆતના શિક્ષણ પર પડી. તેમની તબિયતના કારણે તેમને સિંધનું સૂકું વાતાવરણ મદદરુપ થશે એમ સમજાવી તેમના કાકા જોડે સિંધ મોકલાયા. આમ, શિક્ષણમાં સતત વિક્ષેપ છતાં તેઓ ૧૯૧૩માં બોમ્બે યુનિવર્સિટીમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યાં. ડિસેમ્બર ૧૯૧૮માં તેમના લગ્ન તહેમીના સાથે થયાં. ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઓર્નિથોલોજીસ્ટ (પક્ષી વિશેષજ્ઞ) ની જગ્યા એ ફક્ત એટલે ન મેળવી શક્યા કારણકે એમની પાસે વિદ્યાપીઠની પદવી ન હતી. પછીથી તે પદ એમ. એલ. રૂનવાલ એ સંભાળ્યું હતું. ૧૯૨૬માં મુંબઈ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં નૈસર્ગિક ઇતિહાસ નો નવો વિભાગ શરુ કરવામાં આવ્યો જ્યાં તેમની માસિક ૩૫૦ રુપિયાના પગારમાં માર્ગદર્શક અધ્યાપક તરીકે નિમણૂંક થઇ. જોકે બે વર્ષના ટૂંકા ગાળામાં જ તેમને આ પદ છોડી દીધું અને ૧૯૨૮ માં વધુ અભ્યાસ માટે જર્મની ચાલ્યાં ગયાં. જર્મનીમાં તેમણે પ્રો. ઇરવીન સ્ટ્રેસમેન ના માર્ગદર્શન હેઠળ બર્લિન્સ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ (બી. એન. એચ. એસ.) ખાતે કામ શરુ કર્યું.
કામગીરીના ભાગરૂપે તેમને જે. કે. સ્ટેનફોર્ડ દ્વારા બર્માથી એકત્ર કરાયેલી વિવિધ સ્પેસીસ (પ્રજાતિઓ)નો અભ્યાસ કરવાનો હતો. બર્લિનમાં તેમને તે સમયના મુખ્ય પક્ષી વિશેષજ્ઞો બર્નહાર્ડ રેન્ચ, ઓસ્કાર હેઈનરોથ અને અર્ન્સ્ટ માયર સાથે કામ કરવાની તક મળી. અલી અહિયાઅંથી જ બર્ડ રીંગીંગ વિશે જાણકાર બન્યાં. ૧૯૩૦ માં સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે જોયું કે ભંડોળના અભાવે માર્ગદર્શક અધ્યાપકનું પદ હટાવી દેવામાં આવ્યું છે. વ્યવસ્થિત નોકરીના અભાવે સાલીમ અલી અને તેમના પત્ની તેહમીના મુંબઇના કાંઠા વિસ્તાર કિહિમ ખાતે રહેવા લાગ્યાં. અહિયાં તેમને આસપાસના વિસ્તારોનાં પક્ષીઓના અભ્યાસનો પુરો અવકાશ હતો. તેમણે સુગરીના પ્રજનન અને ક્રમશ: બહુપત્નીત્વ સમાગમ સંબંધિત શોધ અવલોકન નોધ્યું. આ સમયગાળામાં હૈદરાબાદ, કોચીન, ત્રાવણકોર, ગ્વાલિયર, ઇન્દોર, ભોપાલ જેવા રજવાડાઓએ પક્ષીઓની મોજાણીનું કામ સાલીમ અલીને સોંપ્યું. આ મોજણી તેમના માટે ભવિષ્યના નવા દ્વાર ખોલનારી નીવડી.
જે સંસ્થાએ તેમના બાળમાનસમાં પક્ષી વિષયક જિજ્ઞાસા પોષી હતી તે જ સંસ્થાએ હૈદરાબાદની કામગીરી ના પુરસ્કાર સ્વરુપે સમગ્ર ભારતના બધા જ પ્રદેશોની મોજણીની કામગીરી સાલીમ અલી ને સોંપી. સાલીમ અલી ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા અને તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા બન્યા. સમગ્ર ભારતના પક્ષીઓની મોજણી કરનારા સાલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. ભરતપુર પક્ષી અભયારણ્ય એ સાલીમ અલીની દેન છે. હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સાલીમ અલીનો સિંહ ફાળો છે. સીડની ડીલ્લોન રીપ્લેની સાથે મળીને તેમણે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ના દસ દળદાર ભાગ તૈયાર કર્યા. જેની બીજી આવૃતિ તેમના મૃત્ય બાદ પ્રકાશિત કરવામાં આવી. ૧૯૮૫માં તેમની આત્મકથા ‘ધ ફોલ ઓફ સ્પેરો’ (ચકલીનું પતન) લખી જેમાં તેમણે બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સ્વપ્નિલ ભવિષ્ય અને પક્ષી સંરક્ષણના મહત્વ વિષે વિશદતાથી લખ્યું છે. ૨૦૦૭માં તેમના વિદ્યાર્થી તારા ગાંધી દ્વારા તેમના ટૂંકા પત્રો અને અન્ય લખાણોનું સંપાદન પ્રકાશિત કરાયું. ૧૯૫૮ માં પદ્મભૂષણ અને ૧૯૭૬ માં પદ્મવિભૂષણ એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં. પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે. ૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન ૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સર ના લીધે બોમ્બે માં અવસાન થયું
~ Mansi Desai


















































