સમય –
સવારે 06.10 થી 10.20 સુધી.
અભિજીત મુહૂર્ત – 11.58 થી 12.49 (મિથુન લગ્ન)
રાહુકાળ – 12.27 થી 13.59 સુધી.
આ વર્ષે અભિજીત મુહૂર્ત મિથુન લગ્નમાં આવી રહ્યું હોવાથી 10.49 થી 13.15 સુધીમાં સ્થાપન કરી લેવું. શક્ય હોય તો 12.27 પહેલા, જેથી રાહુકાળ શરૂ થતા પહેલા શુભ કાર્ય સંપન્ન થાય.
પૂજન વિધિ –
સ્થાપન માટેના સ્થાનને શુદ્ધ જળથી (પ્રાપ્ય હોયતો ગંગાજળથી) સાફ કરીને તેના પર એક બાજોઠ કે પાટલો મૂકવો. તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરીને માતાજીનો ફોટો કે મૂર્તિ મૂકવી. માતાજી સમક્ષ થોડા ચોખા કે મગની ઢગલી કરવી. એક તાંબાના લોટામાં નાગરવેલના પાંચ પાન મૂકીને તેમાં પાણી ભરવું. (હાલની સ્થિતિને જોતા નાગરવેલના પાન પ્રાપ્ય ન હોય તો આસોપાલવ પણ ચાલે.) ત્યારબાદ લોટામાં ચપટી કંકુ, ગુલાલ, ચોખા, અબીલ, સોપારી અને રૂપિયાનો સિક્કો મૂકી ઉપર શ્રીફળ મૂકવું. શક્ય હોય તો આ જ બાજોઠ પર ગણેશજીને પણ બિરાજમાન કરવા. લોટામાં જળ ભરતી વખતે ઓમ વરુણાય નમ ના જાપ કરવા. જો જ્વારા વાવવા હોય તો બાજોઠ આગળની જમીનને માટી-ગૌમૂત્ર-છાણથી લીંપીને જવમિશ્રિત માટીની ઢગલી કરવી. માતાજી સમક્ષ ઘીનો દીવો કરવો. જે લોકો અખંડ જ્યોત રાખતા હોય તે લોકોએ સૂર્યદેવનું સ્મરણ કરીને તેમને સાક્ષી માનીને જ્યોત પ્રગટાવવી. આ જ્યોત 9 દિવસ અખંડપણે પ્રજ્વલિત રહેવી જોઈએ. ત્યારબાદ માતાજી સમક્ષ હાથમાં ફૂલ લઈ સંકલ્પ કરવો કે હે મા, હું આજે નવરાત્રિની એકમથી નવ દિવસની આરાધના અમુક કાર્ય માટે કરી રહી છું તો આપ મારી પૂજા સ્વીકાર કરો અને મારા કાર્યને સિદ્ધિ પ્રદાન કરો. પજન સમયે જો કોઈ મંત્ર ન આવડે તો ચંડીપાઠમાં આપેલ નર્વાણ મંત્ર “ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે” નો જાપ કરો અને પોતાની પાસે જે સામગ્રી કે પ્રસાદ હોય તો માને અર્પણ કરો. સંભવ હોય તો માને શણગાર અને ચુંદડી અવશ્ય ચઢાવો.
આવી રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ –
સૌપ્રથમ સંકલ્પ લેવો. જો ફક્ત કવચનો પાઠ કરવા માંગતા હોવ તો માના નવ સ્વરૂપનું ધ્યાન ધરીને શ્રી દેવી કવચ અને અર્ગલા સ્તોત્રનો પાઠ કરી 11 વાર સપ્તશ્લોકી ચંડીપાઠનું વાંચન કરવું. શક્ય હોય તો છેલ્લા દિવસે 108 આહુતિ આપીને હવન કરવો. હાલ કોરોનાની મહામારીને જોતા થઈ શકે તો નાના કુંડ કે મોટી સાઈઝ ના કોડિયામાં ગુગળ, જવ, અને કપૂરથી નિમ્નલિખિત મંત્રની આહુતિ આપીને હવન કરવો અને મહામારી દૂર કરવા જગત્માતાને પ્રાર્થના કરવી.
હ્નીમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની,
દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે…
સર્વવિઘ્નવિનાશન આ મંત્રના જાપ માટે કોઈ નિયમ, બાધા, મંત્રદીક્ષા કે જનોઈ ધારણ કરેલી હોવી જરૂરી નથી. મા ફક્ત હ્રદયના ભાવ થકી ભક્તોનો પુકાર સાંભળે છે. જો આપ સ્થાપના કરવા સક્ષમ નથી તો પણ કોઈ ચિંતા નથી, આપ માનસી પૂજા થકી પણ ભક્તિ કરી શકો છો.
સ્થાપન પછીના નિયમો –
નવ દિવસ સુધી કાંદા લસણ કે કોઈ પણ તામસી ખોરાકનો ઉપયોગ કરવો નહી.
બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરવું. જો સ્વપ્નદોષ થાય તો સાધના કે જાપ વચ્ચે છોડી દેવા. માતાજીની માફી માંગી બાકીના દિવસો ફક્ત આરતી પૂજા કરવી.
શક્ય હોય તો પલંગને બદલે જમીન પર સૂવું.
ઉપવાસ દરમિયાન એકટાણું કરવું કે ફળાહાર કરવો. નકોરડાં ઉપવાસ શક્ય હોય તો જ કરવા.


















































