“જેસલ, તેં ખરાબ સમાચાર સાંભળ્યા? મોહને આત્મહત્યા કરી નાખી!!”
હાંફતો હાંફતો, મારો મિત્ર રાજેશ મારા ઘરે દોડતો આવ્યો અને આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા. અમે ત્રણેય ગાઢ મિત્રો હતા. અવિશ્વસનીય રીતે હું ચકિત થઈને ઊભો થયો, “શું?!?”
ટી-શર્ટ ગળામાં ફેંકીને અમે બંને ઝડપથી મોહનના ઘરે દોડ્યા. ૧૦૦ મીટર દૂરથી તેના ઘરની બહાર અમે એક મોટું ટોળું એકઠું થયેલું જોયું અને તેના ઘરની દીવાલોમાંથી રુદનના ભણકારા બહાર સુધી ગુંજી રહ્યા હતા. અમારી કોણીની બળજબરીથી ભીડને વડે ખસેડીને, રાજેશ અને હું અમારા મૃત મિત્રના ઘરમાં ઘૂસ્યા. ભોંય પર પડેલું, સફેદ કપડામાં ઢંકાયેલું મોહનનું સ્થિર શરીર જોવું તદ્દન અકલ્પ્ય હતું. તેના પરિવાર જનો મોહનની આસપાસ બેસીને વેદનાના આંસુ વહાવી રહ્યા હતા. અમે પણ નીચે પછળાઈને રડવા લાગ્યા.

અમે એક નાના પછાત ગામમાં રહીએ છીએ જ્યાં શિક્ષણ ઓછું છે અને હંમેશા પૈસાની તંગી રહે છે. તેમ છતાં જીવનમાં કંઈક મોટું અને સારું કરવાની ભૂખ અમને નજીકના સ્થળએ લઈ ગઈ. મોહન, રાજેશ અને મને કૉલેજ જવા અને સ્નાતકની ડિગ્રી મેળવવા માટે ઘણી મુસાફરી કરવી પડતી હતી.
“જેસલ, રાજેશ, ચાર ભાઈ-બહેનોની સંભાળ રાખવા માટે અને મારા ઉચ્ચ શિક્ષણ માટે મારા પિતા પાસે ક્યારેય પૂરતા પૈસા ભેગા નહીં થાય. મારી સંભાળ મારે પોતે જ કરવી પડશે.”
આ મોહનના શબ્દો હતા. રાજેશ અને મારી હાલત પણ અલગ નહોતી. પુસ્તકો અને અમારી કોલેજની ફી માટે પૈસા કમાવવા, અમે ત્રણેય ગામના અન્ય બાળકોને ટ્યુશન આપતા, વર્કશોપમાં સાયકલ રીપેર કરતાં અને ખેતરોમાં છૂટક કામ કરતા હતા.
થોડા સમય પહેલા, અમારી ઈચ્છા વિરુદ્ધ, મોહને એક ઓનલાઈન તાત્કાલિક લોન એપ પરથી લોન લીધી હતી અને ત્યારથી તે હંમેશા તણાવમાં રહેતો હતો. તે અતિશય શાંત રહેવા લાગ્યો અને ભાગ્યે જ તેની કોઈ તકલીફ અમારી સાથે શેર કરતો. “મોહન, તને કંઈ ચિંતા સતાવી રહી છે? યાર, તારા મગજમાં શું ચાલી રહ્યું છે? અમને કહે અને અમે તારી મદદ કરવાનો પુરો પ્રયત્ન કરીશું. છેવટે, આપણે શ્રેષ્ઠ મિત્રો છીએ, દોસ્ત!”
“ના જેસલ, બધુ બરાબર છે, ચિંતા ના કર.”
હવે અમે તેના મૃતદેહની સામે બેઠા હતા, આ કડવી વાસ્તવિકતા પચાવી ખૂબ અઘરી હતી. અમારું ગામ ખરેખર ખૂબ નાનું છે, તેથી મોહનના કેસમાં પંચાયત અને પોલીસની સંડોવણી ખૂબ જ નબળી રહી, પૂછપરછ પણ ફકત દેખાવ પૂરતી હતી. તદુપરાંત, શરીરના વિચ્છેદ અને સામાજિક કલંકના ડરથી, તેના પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો.
જો કે, રાજેશ અને હું અમારા મિત્રના આકસ્મિક મૃત્યુને અવગણવાના નહોતા. અમે તેની નાની બહેનને વિનંતી કરી કે તે અમને મોહનનો મોબાઈલ ફોન લાવી આપે. બારીકીથી તપાસ કરવા પર અમે જોઈને ચોંકી ગયા કે અમારો મિત્ર ગેરકાયદે લોન એપની ખતરનાક અંધારી દુનિયામાં ફસાઈ ગયો હતો. અમને ‘ઇઝીક્રેડિટ’ નામની અપરાધકારી અને લાઇસન્સ વિનાની એપ્લિકેશનમાંથી સેંકડો ધમકીભર્યા અને અપમાનજનક પજવણી સંદેશાઓ જોવા મળ્યાં. ખૂબ જ નિર્દોષતાથી અને અજાણતા મોહને તેની તમામ અંગત વિગતો ઇઝીક્રેડિટ વાળા લોકોને આપી હતી અને તેમની પાસેથી ૧૦,૦૦૦/- રૂપિયાની લોન લીધી હતી. ભગવાન જાણે કે તેમના વ્યાજની ટકાવારી કેટલી હતી, પરંતુ સંદેશાઓ દર્શાવતા હતા કે તેઓ મોહનને ૬૦,૦૦૦/- રૂપિયા પાછા ચૂકવવાની માંગ કરી રહ્યા હતા!!
“રાજેશ, આ સ્પષ્ટપણે દાખવે છે કે મોહન સાયબર સિક્યુરિટી વિશે ઓછો વાકેફ હતો અને આ ઠગોની દૂષિત પ્રવૃત્તિઓનો સરળતાથી શિકાર બની ગયો.”
“જેસલ, મોહન ફકત લોન પર અયોગ્ય વ્યાજ નહોતો ચૂકવી રહ્યો, પરંતુ પેલા છેતરનારની કપટી કાર્યપ્રણાલીના લીધે ગભરાઈ અને મુંઝવાઈ ગ્યો હતો. એ લોકોએ મોહનના ફોટા સાથે ચેડાં કર્યા હતા અને એને સોશ્યલ મીડિયા પર મૂકવાની ધમકી આપી રહ્યા હતા.”
અમે બંને ગુસ્સાથી આગ બબુલા થઈ રહ્યા હતા, “રાજેશ, આપણે આ છેતરપિંડી કરનારાઓને આમ આઝાદ ફરવા નથી દઈ શકતા. મોહનની મોતનો બદલો તો લેવો જ જોઈએ.”
“હા જેસલ, મોહન જે માનસિક ત્રાસમાંથી પસાર થયો હશે તેની તો હું કલ્પના પણ નથી કરી શકતો. આ અંતહીન ચક્રમાં ફસાઈ જવાથી તે ભયભીત થઈ ગયો હતો અને તેથી જ તેણે આત્મહત્યા કરી નાખી.”
અમે નજીકના શહેરના સાયબર કેફેમાં ગયા, એ તપાસવા માટે કે આરબીઆઈ દ્વારા મંજૂર કરાયેલ ધિરાણકર્તાઓની સૂચિમાં ‘ઇઝીક્રેડિટ’નું નામ છે કે નહીં. તેમનું નામ આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર સૂચિબદ્ધ નહોતું. હવે તેમને કેવી રીતે પકડવા તેના પર અમારે કામ કરવાનું હતું. “રાજેશ, આપણે સાયબર સેલને તેમની ફરિયાદ કરવી જોઈએ.”
આશ્ચર્યજનક રીતે સાયબર ક્રાઈમ પોલીસ ખૂબ સહકારી નીકળ્યા અને મોહનનો ફોન છેતરપિંડી કરનારાઓને પકડવામાં નિમિત્ત સાબિત થયો. “જેસલ, તારા મોબાઇલ દ્વારા, ‘ઇઝીક્રેડિટ’ સંસ્થાનો સંપર્ક કર અને લોન માટે અરજી નાખ. જરાય ડરીશ નહીં, આ યોજના સંપૂર્ણપણે અમારી દેખરેખ હેઠળ થશે અને તારી સાથેનો તેમનો સંદેશાવ્યવહાર અમને તેમને શોધી કાઢવામાં મદદ કરશે.”
ઇઝીક્રેડિટએ મને કેટલી ઝડપથી અને કેટલી સરળતાથી લોન આપી તે જોઈને મને આશ્ચર્ય થયું. તેમ છતાં થોડા દિવસોમાં તેમની ગંદી રમત શરૂ થઈ ગઈ. મોહનની જેમ જ, તેઓએ મારી પાસેથી ભારે વ્યાજ વસૂલ્યું અને ચુકવવા માટે મને ગંદા સંદેશો મોકલીને ત્રાસ આપવા લાગ્યા. તેઓએ જેટલી રકમ માંગી, તે મારી લીધેલી રકમ કરતાં ચાર ગણી વધારે હતી.
ઉચ્ચ વ્યાજ લેનારાઓ અને ન શોધી શકાય તેવી કળા પર ગરુડની નજર રાખ્યા પછી, આખરે ઇઝીક્રેડિટની ઑનલાઇન છેતરપિંડીનું ગ્રુપ પકડાઈ ગયું. અમે અમારા મિત્રને પાછા તો ન લાવી શક્યા, પરંતુ કમસેકમ અમે તેના ઠગની ધરપકડ કરી લીધી અને આ રીતે મોહનને શ્રદ્ધાંજલિ આપી.
——————————————-
“ઇન્ટરનેટને સાર્વજનિક સ્થળ સમજો, તમારી અંગત વિગતો આસપાસ પડેલી ન છોડો.”
શમીમ મર્ચન્ટ


















































