આ જ્યારથી મોબાઇલ આવ્યા છે ત્યારથી આખો દિવસ વપરાશમાં તો છે, પણ સાથે સાથે અલગ અલગ રીતે ચર્ચામાં પણ છે. આજે આપણે ચર્ચા કરીશું મોબાઈલની કોલર ટ્યુનની.
જ્યારે નોકિયાના મોબાઈલ બજારમાં આવ્યા ત્યારથી જ કોલર ટ્યુન શરૂ થઈ હતી, ત્યારે કોઈ સુંદર સંગીત, ધાર્મિક ભજન તેમજ મનગમતા ગીત લોકો પોતાની કોલર ટ્યુન તરીકે સેટ કરતાં, પણ આ છેલ્લાં એક વર્ષથી દરેકના મોબાઈલમાં એક સરખી જ કોલર ટ્યુન સંભળાય છે તે છે કોરોનાની કોલર ટ્યુન.
આ એક કોલર ટ્યુન એવી છે જેનાથી આજે સામાન્ય માણસ ખુબજ કંટાળી ગયો છે. એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી કે જેટલાં કોરોનાથી ત્રસ્ત થયાં છે એટલા જ કોરોનાની ટ્યુનથી.
આજે એક સવાલ થાય છે, કે શું આ કોલર ટ્યુનની હવે જરૂર છે? શું હજુ પણ માણસોને રોજ એક જ કેસેટ સાંભળવાથી કંઈ ફાયદો થશે? મારા મતાનુસાર તો આ કોલર ટ્યુનથી ઘણું નુકશાન થઈ રહ્યું છે. કોઈ દર્દી દવામાટે, રિપોર્ટ માટે, ઓક્સિજન માટે અથવા ક્રિટિકલ પરિસ્થિતિમાં 108 ને ફોન કરે ત્યારે આ કોલર ટ્યુન સાંભળવામાં સમય નષ્ટ થાય છે, અને ઘણી સેવાભાવી સંસ્થાઓ પણ આ ટ્યુનથી હેરાન છે. ઘણીવાર જો કોલર ટ્યૂનને બદલે સીધો ફોન લાગી જાય તો ઘણાંના જીવન બચાવી શકાય છે.
મારી સરકારને વિનંતી છે કે પ્રજાનો આ ગંભીર પ્રશ્નનું જેમ બને તેમ જલ્દીથી નિવારણ કરે.
મનિષા સેજપાલ
Related