નીમા નાની હતી પણ તેનામાં સમજ ઘણી હતી, મધર્સ ડે ના દિવસે તેના પિતાએ તેને કહ્યું, “બેટા આજે તો તારી મમ્મીનો દિવસ છે, ચાલ આપણે મમ્મી માટે કંઈક ભેટ લેવા જઈએ, પછી તું તેમને પગે લાગજે, આશીર્વાદ મેળવજે અને હું તારો અને મમ્મીનો સરસ ફોટો પાડીશ. મમ્મીને પણ આનંદ થશે ને બેટા. ચાલ, ફટાફટ તૈયાર થઇ જા”.
નીમાએ કહ્યું, “પપ્પા, જેમ મમ્મી આપણી સાથે રહે છે તેમ બા કેમ આપણી સાથે નથી રહેતા? બા નો કેમ કોઈ દિવસ નથી આવતો?બા કેમ એક ને એક સાડી પહેરે છે? તમે પણ તેમના દીકરા છો તમે કેમ તેમને ભેટ નથી આપતા? મે તમને અને મમ્મીને ક્યારેય બા ને પગે લાગતા નથી જોયા.. એવુ કેમ? એક દિવસ મીતા દીદીના લગનમાં બા ને મમ્મી જોડે ફોટો પડાવતા પણ શરમ આવતી હતી એવુ કેમ પપ્પા? તો કેમ પપ્પા બા આટલા ખરાબ કેમ છે? હું મોટી થઈશ એટલે મમ્મી પણ આવુ જ કરશે ને એટલે મારે આવો દિવસ નથી ઉજવવો સોરી.. પપ્પા..” એમ કહીને નીમા તેના મોબાઈલમાં ગેમ રમવા લાગી. પિતાની આંખમાં આસું અને ભારોભાર પસ્તાવો હતો.
સુચિતા ભટ્ટ


















































