“આજે મારા પર કૃપા થઈ છે, આજે મે મારા શનિવારના વ્રત પૂરા કર્યા તો મને પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવ્યો, મારા ઘણા અધૂરા કામ પૂરા થયા.” ભક્તિએ તેની મિત્ર શ્વેતાને હરખમાં આ વાત જણાવી. “સાચું કહે છે હે? શું સાચે આવી રીતે વ્રતને પૂજા કરીએ તો ભગવાનની કૃપા થાય?” શ્વેતા પણ ઉત્સાહમાં આવીને સવાલો કરવા લાગી.
“પેલા ગોમતીપુર વાળા અખંડાનંદ સ્વામી છે ને, તેના આશ્રમમાં હું નિયમિત સેવા ભક્તિ કરું છું અને દાન લખાવું છું અને આજે જો સ્વામીની કૃપાથી મારે ધંધામાં કેટલો મોટો ફાયદો થયો.” અશ્વિન તેની પત્ની રેખાને વાત કરે છે. “તો તો હવે તમે છે ને સ્વામીની સાચા મનથી સેવા કરજો, બસ આમ જ સ્વામીની કૃપા આપણાં પર થયા કરે. જય હો અખંડાનંદ સ્વામીની.”
“તું છે ને મારી વાત માન, પેલી દરગાહ છે ને જુજવા ગામ પાસે, ત્યાં એક ફકીરને તારો હાથ બતાવ, મે સાંભળ્યું છે એની કૃપાથી દુખીમાં દુખી વ્યક્તિ આજે સુખેથી જીવે છે.” અક્રમે, દાનીશને સમજાવતા કહ્યું.
“હે ભગવાન, હું છેલ્લા આટલા વર્ષોથી મંદિરમાં આવું છું, તારી સેવા ભક્તિ કરું છું, દાન પુણ્ય કરું છું તો પણ તારી કૃપા મારા પર કેમ નથી વરસતી? હું કયા ટૂંકો પડું છું?” એક ભક્ત તેના ભગવાનને આજીજી કરી રહ્યો હતો.
નવાઈ નહીં લાગી હોયને તમને ઉપરનું વાંચીને, ક્યાંથી લાગે સાહેબ… આપણે આવું રોજબરોના જીવનમાં કેટલી વાર જોઈએ છીએ. આમ કૃપા થઈ, આમ કરવાથી આમ કૃપા થશે, આ ફાયદો, આ વળતર વગેરે વગેરે. આપણે જ બનાવેલું આ દૂષણ છે. ફક્ત એને એક સુંદર નામ આપી દીધું, “કૃપા”. ભગવાન પાસે માંગવુ કે કૃપા કરીને આપ, એ તો પહેલેથી જ કૃપાળુ છે, સમજવાનું આપણે છે, એક વખત સ્વાર્થને મૂકીને મળો તો ખરી ભગવાનને, ભગવાનની કૃપા જ નહીં, ખુદ ભગવાન આવી જશે આખે આખો તમારી સાથે.
કૃપા કરીને મારી વાતને સમજવાની કોશિશ કરજો.
Related