“ફાતિમા, ખુશીનો અવસર છે, અને તારી આંખમાં આંસુ?”
મારી પત્ની ફાતિમા એ પોતાના આંસુ લૂછતાં માથું હલાવ્યું અને જવાબ આપ્યો,
“કાંઈ નહીં. હું ઠીક છું.”
પણ મને ખબર છે, એ ઠીક નથી અને ઠીક હોઈ પણ નથી શકતી. મે એના ખબા પર હાથ મુક્યો અને આશ્વાસન આપતા કહ્યું,
“જેવી અલ્લાહની મરજી. આપણે તો બધી બનતી કોશિશ કરી જોઈ ને?”
“હા.”
“તો પછી નિરાશ ન થા. તારા મોઢા પર ઉદાસી જોઈને ઝહરા શું વિચારશે?”
“I’m sorry Ali. પણ ક્યારેક મને એવું લાગે છે કે ખુદા એ આપણી સાથે નાઈન્સાફી કરી છે. ઝહરાને ત્યાં આ ત્રીજું બાળક છે અને આપણે સાત વર્ષથી આ કિલકારી સાંભળવા માટે તરસી રહ્યા છે.”
મે ચૂપચાપ ફાતિમાને બાથમાં લેતા એની પીઠ થાબડી. હું એનું દુઃખ કઈ રીતે હળવું કરતે? હું પોતે પણ એ જ પીડાથી પસાર થઈ રહ્યો હતો.
અમે હોસ્પિટલની લિફ્ટમાં હતા અને મારી બહેન ઝહરાને મળવા જઈ રહ્યા હતા. આ એનું ત્રીજું બાળક હતું, આની પહેલા ખુદાએ તેને જોડિયા સાથે નવાઝ્યા હતા.
મે ઝહરાને ફૂલોનો ગુલદસ્તો આપ્યો અને અમે એને અને સદીકને દીકરાના જન્મની મુબારકબાદ આપી.
ફાતિમા ઘોડિયા પાસે ગઈ અને નવજાત શિશુને સોનાની ચેન પહેરાવતા પોતાના ખોડમાં લીધો. નરમાશથી એના ગાલ પર હાથ ફેરવ્યો અને ઝહરાને કહ્યું,
“ઝહરા બહેન, તમારો દીકરો કેવો મજાનો ગોરો છે અને એના વાળ કેટલા જાડા અને વાંકડિયા છે. ચાલો સારું થયું, હવે તમારી બન્ને દીકરીઓને એક ભાઈ મળી ગયો.”
ફાતિમા ઝહરાના દીકરાને લઈને બેડ પાસે આવી અને કહ્યું,
“અલ્લાહ તમને બન્નેને તંદુરસ્તી આપે.”
જ્યારે ફાતિમા ઝહરાને એનો દીકરો આપવા લાગી, તો એણે ન લીધો અને માથું હલાવતા કહ્યું,
“ભાભી આ બાળક તમારુ છે અને આજથી તમે અને અલી ભાઈ એના માતા પિતા છો.”
ફાતિમા અને હું, અમે બન્ને આશ્ચર્યચકિત થઈ, ઝહરા અને સદીકને જોઈ રહ્યા. સદીક મારી પાસે આવ્યો અને ખુલાસો કર્યો,
“ઝહરા અને મે પહેલા જ નક્કી કરી નાખ્યું હતું, કે જે પણ થશે, દીકરી કે દીકરો, અમે એને તમને આપી દઈશું.”
મે ના પાડતા કહ્યું,
“આ તમારા બન્નેની મહાનતા છે સાદીક, પણ નહીં. આ તમારી ઓલાદ છે, અને દીકરો થયો છે, તમે એને અમને કઈ રીતે આપી શકો છો!”
હું કાંઈ આગળ બોલું, તે પહેલા ઝહરા એ ટકોર કરી,
“ભાઈ, મે ભાભીની પીડા અને આંસુ જોયા છે, અને હવે અમારાથી તમારું દુઃખ નથી જોવાતું.”
“જેવી ખુદાની મરજી ઝહરા.”
“ભાઈ, આને ખુદાની મરજી જ સમજો, નહીંતર, મને અને સાદીકને આ વાત ધ્યાનમાં આવત જ નહીં.”
મારી જીભ અને વિચારો, બન્ને સુન્ન થઈ ગયા. જ્યારે મે ફાતિમા સામે જોયુ, તો એના આંસુ નહોતા રોકાઈ રહ્યા, પણ મોઢે સ્મિત હતું.
ઘણી વાર સુધી અમારી દલીલ ચાલી. મને ખબર હતી કે ફાતિમાનું મન ઓગળી ગયું હતું, પણ આ કોઈ રમકડું નહોતું. ઝહરા એના જીગરનો ટુકડો કાઢીને અમને સોંપી રહી હતી.
પણ છેવટે સાદીકના શબ્દોએ મને આ અમુલ્ય ઉપહાર સ્વીકારવા માટે મજબૂર કરી નાખ્યો.
“અલી ભાઈ, તમારા જીવનમાં પણ એક રોશનીની જરુર છે. અને આજે ઝહરા અને હું તમને વચન આપીયે છે, આ વાત આપણા વચ્ચે રાઝ રહેશે. આ બાળક તમારું છે અને તમારું જ રહેશે. મને વિશ્વાસ છે કે તમે એની ઉત્તમ પરવરીશ કરશો.”
ફાતિમા એટલી ખુશ થઈ ગઈ, જાણે એને નવું જીવનદાન મળ્યું હોય. એણે પોતાના દીકરાને ગળે લગાડ્યો અને ખૂબ રડી. પછી બાળકને મારા હાથમાં આપ્યું અને પોતે ઝહરા પાસે ગઈ. ઝહરા ને બાથમાં લીધી અને એના કપાળે ચુંબન કરતા કહ્યું,
“તમારુ દિલ બહુ મોટુ છે. અલ્લાહ જરુર તમને આનો અજર આપશે. હું અને અલી, આ ઉપકાર બદલ, જીવનભર તમારા રિણી રહેશું.”
શમીમ મર્ચન્ટ


















































