ઠંડા પ્રહરમાં ભૈરવ એના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો. કોઈ વાતે એનો જીવ છૂટતો નહોતો. કોઈ વાત મનમાં ને મનમાં એને મૂંઝવી રહીં હતી. ભૈરવે આખી જીંદગી પ્રામાણિકતાથી જાદુના ખેલ કર્યા. ગામે ગામ ફર્યો, લોક લાડીલો બન્યો, “જાદુગર સમ્રાટ – ભૈરવનાથ.” આ કળા એને વારસામાં એના પિતા કૈલાસનાથ તરફથી મળી હતી. એના પિતા પાસેથી જાદુના ખેલ શીખ્યો અને આગળ જતા એ એના પિતા કરતાં દસ કદમ આગળ નીકળી ગયો.
“માલિક, પાણી પીવું છે?” વફાદાર નોકર પપ્પુએ પૂછ્યું.
“હા તુલસીના પાન સાથે પાય દે.” ભૈરવે એકદમ ધીમા સ્વરે કહ્યું.
“માલિક, તમને આમ હું જોઈ નથી શકતો. તમને કઈ વાતની ચિંતા છે?”
“પપ્પુ, તું બાર વર્ષનો હતો ત્યારથી મારી સાથે છો. મારી મરણપથારી પાસે પણ તું ઊભો છો. મારો છોકરો વિશ્વનાથ..” ભૈરવ બોલતા બોલતા અટકી ગયો.
પપ્પુ સમજી ગયો કે માલિકનો જીવ એના છોકરા વિશ્વનાથમાં છે. વિશ્વનાથ એક આદર્શ બાપનો નાલાયક છોકરો હતો. ભૈરવે આખી જીંદગી મહેનત કરી ખૂબ નામ કમાયું. એ જ નામ વિશ્વ રોજ કોઈને કોઈ કાંડ કરીને ડૂબાવતો હતો. વિશ્વને જાદુગર બનવામાં બિલકુલ રસ નહોતો, એ તો યુવતીઓ સાથે રાસલીલા કરવામાં વ્યસ્ત રહેતો. બીડી, સિગરેટના ગોટે ગોટા ઉડાડવામાં મશગુલ રહેતો. ચરસ, ગાંજો, અફીણના નશામાં મસ્ત રહેતો.
“પપ્પુ, મારો દીકરો ક્યાં છે?”
“મે સમાચાર આપી દીધા છે, આવતા જ હશે.”
“મારા સમાચાર તો રોજ આવે છે, જાડુંગર સમ્રાટ ભૈરવનાથનો છોકરો વિશ્વનાથ હોટેલમાં કઢંગી હાલતમાં યુવતી સાથે પકડાયો, ચરસ ગાંજાની હેરા ફેરી કરતાં પકડાયો. મારા સમાચારમાં નવું શું છે, પપ્પુ?”
“માલિક, તમે આરામ કરો જો વિશ્વ હમણાં આવશે જ.”
“આવે તો પણ શું? એલા પપ્પુડા, તું કેમ ના શીખ્યો મારી પાસે જાદુ? તું તો વિશ્વ કરતાં પણ લાયક છો.”
“માલિક, હું તમારો નોકર છું. તમારી બરાબરી હું ના કરી શકુ.”

આ બધી વાત ચાલતી હતી એમાં ઘરનો મુખ્ય દરવાજો ધડામ અવાજ સાથે ખૂલ્યો. કાળુ જેકેટ જેમાં નર્કની સજામાં ખીલ્લા મારવાના હોય એવા બન્ને બાજુ પર ખીલ્લાની ડિઝાઇન. કાળા હૉલ બુટ, મોઢામાંથી વોડકાની ગંદી વાસ. સાથે એક અજાણી યુવતી જેના કમર પર વિશ્વનો હાથ હતો.
“આવી ગયો મારો લાડ કુંવર. જો તો કોને લઈને આવ્યો છે આજે? મેનકા કે રંભા. રોજ કોઈને કોઈ અપ્સરા તો હોય જ છે.”
“માલિક, તમે તમારું બી.પી ના વધારો.”
“પપ્પુ, ભૈરવનાથ છે એ જાદુગર સમ્રાટ ભૈરવનાથ, એને કાંઇ થાય એમ નથી. તું ફોનમાં ખોટે ખોટો મુંજાતો હતો. હવે જાય તો પણ મને કોઈ ફરક નથી પડતો. બધુ મારા નામે જ કરી ગયા છે. બાય.. બાય મિસ્ટર ભૈરવનાથ, એય સ્વીટી મારા બાપને બાય કે જો એ હમેશાં માટે જાય છે.” વિશ્વએ દારૂના નશામાં ખંધું હસ્તાં હસ્તાં કહ્યું.
“હા દીકરા, બધુ તારા નામે જ છે. પણ એક વસ્તુ જે આજે મારે તને આપવી છે. એક રહસ્ય છે.”
“શેનું રહસ્ય?” નશો માથા સુધી ચડી ગયો હતો.
“આ પુસ્તક, જે તારા દાદાના દાદા કાલકેયનાથે લખેલું છે. આમાં ત્રણ ઈચ્છાઓ વિશે વાત છે.”
“મારી તો એક જ ઈચ્છા છે, બુડ્ઢા તું જલ્દી મરે ને આ બધુ મને મળે.”
“આ પુસ્તકમાં એનાથી પણ વિશેષ મળશે.”
“મને કોઈ હોશ નથી અત્યારે. પપ્પુ, તું સમજી લે બધુ અને આ બુડ્ઢા મરે તો અગ્નિદાહ આપી દેજે. મને જગાડતો નહીં. ચાલ, સ્વીટી. બાય બાય બુડ્ઢા.” વિશ્વ એ છોકરીને લઈને એના રૂમમાં જતો રહ્યો.
ભૈરવ પોતાના જ સગા દીકરાનો આવો વ્યવહાર જોઈ રડી પડ્યો. એનાથી એ દુખ સહન ના થયું અને એ પુસ્તક પપ્પુના હાથમાં આપ્યું અને આગળ સમજાવી શકે એ પહેલા જ એ દમ તોડી ચૂક્યા.
~ સુનિલ ગોહિલ “માસ્તર”


















































