પહેલું સુખ તે જાતે નર્યા
“રવિ! ટિફિન લીધા વગર ઓફિસ ન જતો. જરાક ખમ, રોટલી ઉતારી આપું.”
મારી પુત્રવધુ રચના, સવારે, મને ચા આપતા એના દીકરાને આદેશ આપ્યો. મેં તેને પાછળથી પૂછ્યું,
“રચના, તે ચા પીધી?”
“ના બા. રવિ અને રાજેશના ટિફિન પછી કપડાં ધોવા નાખીશ, ત્યારબાદ સફાઈ કરીને ચા પીશ.”
આ તેનું નિયમિત ક્રમ. સૂર્યોદય પહેલા ઉઠવાનું, અને એક ક્ષણ આરામ વગર, તરત કામે લાગવાનું. પોતા સિવાય, કાળજીપૂરક ઘરના દરેક સદસ્યોનું ધ્યાન રાખતી. કામમાં એવી ખોવાય જતી, કે એને પાણી પીવાનું એ યાદ ન રહેતું.
સાંધાના દુખાવાના લીધે, મારાથી કામ નથી થતું. પરંતુ, મારી રચના ખૂબ જ સુઘડ અને સંસ્કારી, એકલી જ બધે પહોંચી વળે. તે મને દીકરીથી વિશેષ વ્હાલી છે. બસ એનું એકમાત્ર દુઃખ; તે પોતાનું જરાય ધ્યાન નથી રાખતી. બીમાર પડે, તે પહેલાં એના કાન વીંધવા પડશે.
ઘરના પુરુષો કામે નીકળ્યા, અને રચના બાથરૂમમાં ગઈ. હું રસોડામાં જઈ, ચા ગરમ કરી, અને હોલમાં લાવતા, રચનાને અવાજ આપ્યો,
“રચના, અહીંયા આવતો.”
“જી આવી.”
તે હાથ લૂછતાં મારી સામે આવીને ઉભી રહી.
“શું થયું બા?”
“બેસ.”
મને મુંઝવણમાં જોતા બેઠી. મેં એને ચાનો કપ આપ્યો.
“ચૂપચાપ ચા પી, અને મારી વાત સાંભળ.”
“બા, હજી ઘણું કામ બાકી….”
મેં થોડો કડક સ્વર વાપર્યો,
“મેં શું કહ્યું?”
રચના ચા પીવા લાગી અને મેં બોલવાનું શરૂ કર્યું.
“સ્ફૂર્તિ અને ચીવટથી કામ કરવું સારી વાત છે. પણ જો પોતાનું ધ્યાન રાખ્યા વગર, આ ઝડપની ગતિથી કામ કરતી રહીશને, તો કોઈ દિવસ પડી ભાંગીશ, અને તારા વગર, અમે બધા લુલા લંગડા થઈ જશું.”
“શું બા!”
“બેટા, પહેલું સુખ તે જાતે નર્યા. કામ ક્યાંય ભાગી નથી જતું, અને ક્યારેય નહીં ખૂટે, પણ વચવચ્ચે અલ્પવિરામ નહીં લઈશને, તો અમારા જીવનમાં પૂર્ણવિરામ લાગી જશે.”
“બા!?!”
“બેટા, કામ સાથે વિરામ જરૂરી છે. એનાથી ફરી આગળ વધવાની શક્તિ મળે. સમજી?”
મોઢે સ્મિત લાવતા, રચના પ્રેમથી બોલી,
“જી બા, આગળથી ધ્યાન રાખીશ. હવે જાઉં રસોડામાં? ખૂબ કામ બાકી છે.”
માથું હલાવતા, મેં કપાળે હાથ મુક્યો!!
શમીમ મર્ચન્ટ,