અગણિત ઈચ્છાઓનો સરવાળો એટલે મનુષ્યજીવન. જો જીવનમાંથી ઈચ્છાઓની બાદબાકી કરવામાં આવે તો માત્ર શૂન્ય બચે. એટલે જ કદાચ ભગવાન બુદ્ધે કહ્યું છે કે “વર્લ્ડ ઓફ ઝીરો”માં પ્રવેશ મેળવવો હોય તો ઈચ્છામુક્ત થવું પડે. એ તો સર્વવિદિત છે કે જીવનની તમામ વેદના કે પીડા પાછળ જવાબદાર મુખ્ય પરિબળ માત્ર અગણિત ઈચ્છાઓ છે. આપણી કમનસીબી એ છે કે આપણે જીવનને દુઃખમુક્ત કરવા ઈચ્છીએ છીએ પરંતુ ઈચ્છામુક્ત કરી શકતા નથી. મારું અંગત મંતવ્ય એવું છે કે જીવનને ઈચ્છામુક્ત કર્યા સિવાય પણ દુઃખ મુક્ત થઈ શકાય. જો જીવનને જાણવું હોય, માણવું હોય તો ઈચ્છાશક્તિ અનિવાર્ય છે. એ દ્રષ્ટિએ ઈચ્છાની હયાતિ મને તો ઉપકારક લાગે છે, કોઈ રીતે અયોગ્ય લાગતી નથી કેમકે ઈચ્છાની ગેરહાજરીમાં જીવન જીવન રહેતું જ નથી. જીવનને ગતિશીલ અને સક્રિય રાખનાર તત્વ માત્ર ઈચ્છા છે. ગતિશીલતા અને સક્રિયતાના અભાવમાં તો જીવન મૃત્યુ સમાન બની જાય અને મૃત્યુ આપણને કોઈને પસંદ નથી. તો પછી જીવનને ધબકતું રાખનાર ઈચ્છાના વાસ્તવિક રૂપને સમજવું જ પડે કેમકે જીવનપર્યંત આપણા જીવનમાં સમયે સમયે વિભિન્ન ઈચ્છાઓ ઉદભવે છે અને ઈચ્છાપૂર્તિની ક્રમિક યાત્રા એ જ જીવન છે. પરંતુ કમનસીબે આપણે એ જાણતા નથી કે દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવાની જાદુઈ છડી કઈ છે. જેના કારણે યથાર્થ સમયે ઈચ્છાપૂર્તિ થઈ શકતી નથી અને જીવન હતાશ તેમજ ઉત્સાહવિહીન બની જાય છે. તો આવો આજે આપણે આપણા જીવનની તમામ ઈચ્છાઓને યથાર્થ સમયે પૂર્ણ કરવાની કળાને સમજીએ એટલે કે ઈચ્છાપૂર્તિની ક્રમિક યાત્રાના મુખ્ય ચાર પડાવોને જાણીએ.

કોઈપણ ઈચ્છાની પૂર્તિ માટે સૌ પ્રથમ આવશ્યકતા પુરુષાર્થની છે. જો પુરુષાર્થ સાચી દિશાનો, ઉમદા, નિયમિત અને ધીરજ તેમજ શ્રદ્ધા સાથેનો હોય તો તે અવશ્ય ફળે છે. પરંતુ કમનસીબે આપણે સૌ માત્ર પરિશ્રમ કરીએ છીએ યથાર્થ સમજણ સાથેનો સાચો પુરુષાર્થ ક્યારેય કરતા નથી. કશું પામવું હોય પણ તેના યોગ્ય સાધનો અંગેની જાણકારી ન હોય તો સફળતા કેવી રીતે મળે? મારે ભારતથી અમેરિકા જવું હોય તો મને યથાર્થ દિશાનું ભાન હોવું જોઈએ, ત્યાં પહોંચવાના મુખ્ય સાધનો અંગેનું જ્ઞાન હોવું જોઈએ, સમજણ વગરની મજૂરી એ પુરુષાર્થ નથી એ તો સમજવું જ રહ્યું. જ્ઞાન વગરનો પુરુષાર્થ એ નરી વેઠ છે, માત્ર મજૂરી છે જે પરિણામલક્ષી કદાપી બની શકતી નથી. સામાન્ય રીતે આપણે જીવનભર યોગ્ય સમજણ વગરનો અયોગ્ય દિશાનો અને સ્વાર્થી પરિશ્રમ કરીએ છીએ જે સફળ થઈ શકતો નથી. પુરુષાર્થના મહત્વને આપણે સમજી પણ શકતા નથી અને અંતે હતાશ અને નિરાશ થઈ, કિસ્મતને દોષ દઈએ છીએ. પરંતુ કિસ્મત એ તો પુરુષાર્થનું જ પરિણામ છે. યથાર્થ સમજણ અને જ્ઞાન સાથેનો નૈતિક નિયમિત પુરુષાર્થ પ્રારબ્ધ ઘડે છે અને સફળતા બક્ષે છે. આમ ઈચ્છાપૂર્તિની ક્રમિક યાત્રાનો પ્રથમ પડાવ છે પુરુષાર્થ. જેના વગર સફળતા કે ઈચ્છાપૂર્તિની શરૂઆત થઈ શકતી નથી.
ત્યારબાદ દ્વિતીય પડાવ છે પ્રાર્થના. બ્રહ્માંડની દિવ્યશક્તિ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવા હર ઘડી તત્પર હોય છે, તૈયાર હોય છે. પરંતુ આપણે તે શક્તિને યાદ કરવાનું કે તેને આપણી ઈચ્છા જણાવવાનું જ ભૂલી જઈએ છીએ. યોગ્ય પુકારના અભાવે દિવ્યશક્તિની હયાતિ છતાં આપણે તેની સહાય મેળવી શકતા નથી. દરેક પુરુષાર્થ બાદ પ્રાર્થનાની આવશ્યકતા રહેલી છે એ તો સમજવું જ પડે. વળી એ કદાપિ ન ભૂલવું કે પુરુષાર્થ વગરની પ્રાર્થના ન ચાલે એટલે કે પ્રથમ પ્રાર્થના ન ચાલે. પ્રથમ તો પુરુષાર્થ જ કરવો પડે કેમકે દિવ્યશક્તિ એને જ મદદ કરે છે જે પોતાની મદદ કરવા હરહંમેશ સક્ષમ અને તત્પત રહે છે. પુરુષાર્થ વગરની પ્રાર્થના પરિણામલક્ષી બની શકતી નથી અને પ્રાર્થના વગરનો પુરુષાર્થ પણ સફળ થતો નથી. કળિયુગ જેવા નેગેટિવ સ્વાર્થી કપટી યુગમાં દિવ્યશક્તિની સહાય વગરની આપણી વ્યક્તિગત શક્તિ પર્યાપ્ત સાબિત થઈ શકતી નથી. વિશેષ શક્તિની હરહંમેશ આવશ્યકતા રહે છે, એની સહાય અનિવાર્ય બને છે. જેથી પુરુષાર્થ બાદનું સ્થાન છે પ્રાર્થનાનું.
પ્રાર્થના અને પુરુષાર્થ બંને બાદ ત્રીજો પડાવ છે પ્રતીક્ષાનો, જે વગર ફળ પ્રાપ્તિ સંભવ નથી કેમકે કર્મ કર્યા બાદ ત્વરિત ફળ પ્રાપ્તિ પ્રકૃતિના નિયમ બહારની બાબત છે અર્થાત અસંભવ છે. કાર્યફલન માટે સમયની આવશ્યકતા છે. જેમ અનાજ પ્રાપ્તિ માટે ખેડૂત પ્રથમ ખેતી કરે છે અર્થાત પ્રથમ જમીન ખેડવાનો પુરુષાર્થ કરે છે. ત્યારબાદ સારા વરસાદની અપેક્ષા કે પ્રાર્થના કરે છે અને પુરુષાર્થ તેમજ પ્રાર્થનાની સમાપ્તિ બાદ ચોક્કસ સમય માટે પ્રતીક્ષા કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આંબો વાવ્યા બાદ તે પાંચ વર્ષે ફળ આપે છે. ઘઉં વાવ્યા બાદ તે ત્રણચાર મહિને ઉગે છે. આમ પ્રતિક્ષાની અનિવાર્યતાના સ્ટેજને યથાર્થ સમજ્યા વગર પુરુષાર્થ કે પ્રાર્થના પણ પરિણામલક્ષી બની શકતી નથી. આમ પ્રતિક્ષા નામક તૃતીય પડાવ અતિ આવશ્યક છે. મોટાભાગના લોકો જીવનમાં નિષ્ફળ જાય છે અથવા ઈચ્છાપૂર્તિ બાબતે હંમેશા નિરાશા કે હતાશા અનુભવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેઓને આ તૃતીય સ્ટેજ (પ્રતીક્ષા) અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી જેથી તેઓ ધીરજ ગુમાવી દે છે અને જીતેલી બાઝી હારી જાય છે. ધીરજ અને શ્રદ્ધા પ્રતિક્ષારૂપી તૃતીય પડાવ અંતર્ગત ખૂબ કારગત નિવડે છે. જે વ્યક્તિ યોગ્ય પ્રતીક્ષા કરી શકે છે ધીરજ અને શ્રદ્ધા રાખી શકે છે તે જ જીવનમાં સફળ થઈ શકે છે. તેની દરેક ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે.

ત્યારબાદ ચોથો અને અંતિમ તબક્કો છે પરિણામ પ્રાપ્તિનો, જે વ્યક્તિ પ્રથમ તબક્કામાં યોગ્ય દિશાનો સમજણપૂર્વકનો કઠિન પુરુષાર્થ નિયમિત રીતે કરે છે, દિવ્યશક્તિ પર ભરોસો રાખી પ્રાર્થનારૂપી દ્વિતીય તબક્કો પસાર કરે છે, પ્રતિક્ષરૂપી ત્રીજા તબક્કાને સાચા અર્થમાં સમજે છે, તે ચોથા તબક્કામાં જવલંત સિદ્ધિ અર્થાત પરિણામને પામે છે. મોટાભાગના લોકોની ઈચ્છા જીવનમાં પૂર્ણ થઈ શકતી નથી કેમકે જે લોકો ઈશ્વરમાં માને છે તે બધું ઈશ્વર પર છોડી દે છે અને યોગ્ય પુરુષાર્થ કરવામાં નિષ્ફળ રહે છે જેથી ઈચ્છાપૂર્તિ કરી શકતા નથી. જ્યારે ઘણા લોકો ખૂબ મહેનતુ હોય છે જે પ્રારબ્ધમાં માનતા નથી, કિસ્મતની લકીર જાતે તૈયાર કરવાની ખુમારી ધરાવે છે, તેઓ પણ સફળ થઈ શકતા નથી કેમ કે જાણેઅજાણે બ્રહ્માંડમાં રહેલી સર્વશક્તિમાન દિવ્યશક્તિને તેઓ ભૂલી જાય છે અને તેમની વ્યક્તિગત શક્તિ સફળતાપ્રાપ્તિ માટે પર્યાપ્ત સાબિત થઈ શકતી નથી. જ્યારે ઘણા લોકો પુરુષાર્થ અને પ્રાર્થનારુપી બંને તબક્કામાંથી યોગ્ય રીતે પસાર થયા બાદ યથાર્થ પ્રતીક્ષા ન કરી શકવાને કારણે નિષ્ફળ જાય છે. ટૂંકમાં જીવનની કોઈપણ ઈચ્છાને પૂર્ણ કરવા માટે ચાર પડાવની આ ક્રમિક યાત્રાને દરેકે અનિવાર્ય પણે યથાર્થ રીતે સમજવી પડે તો જ સફળતા મેળવી શકાય એવું મારું દ્રઢ મંતવ્ય છે.
પ્રથમ પુરુષાર્થ ત્યારબાદ પ્રાર્થના પછી જરૂરી પ્રતીક્ષા અને અંતે પરિણામ, આમ આ ચારેય પડાવ દ્વારા જો આપણી ક્રમિક યાત્રા આગળ વધે તો જીવનની દરેક ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય અને દરેક પ્રકારની સફળતા મળી શકે. તો આવો આજથી જ જે કોઈ ઈચ્છાપૂર્તિ કરવી હોય તેના માટે આ ચાર સ્ટેજની યાત્રાનો આરંભ કરીએ અને જીવનને ખુશહાલ બનાવીએ. (પુરુષાર્થ-પ્રાર્થના-પ્રતીક્ષા-પરિણામ)
~ શિલ્પા શાહ એસો.પ્રો. HKBBA કોલેજ


















































