કેક દરેકને ભાવતી હોય છે. નાના બાળકોથી લઇને મોટાં લોકો પણ કેક ખાવાના શોખીન હોય છે. પહેલાં કરતા આજના સમયમાં કેકનું ચલણ ખૂબ જ વધી ગયુ છે. જો કે દરેક વખતે કેક બહારથી લાવવાની પોષાય નહિં એટલે લોકો ઘરે બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ કેક ઘરે જો બરાબર ના બને તો મુડ ઓફ થઇ જાય છે, માટે જો તમે આ રીતે ઘરે ચોકલેટ કેક બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને તમને ખાવાની પણ મજા આવશે.

સામગ્રી
200 ગ્રામ મેંદો
200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
50 ગ્રામ ચોકલેટ પાઉડર
1 નાની ચમચી કોફી પાઉડર
200 ગ્રામ દૂધ
1 નાની ચમચી બેકિંગ પાઉડર
¼ નાની ચમચી મીઠું
60 ગ્રામ માખણ અથવા ઘી
100 ગ્રામ દળેલી ખાંડ
બનાવવાની રીત
- સૌ પ્રથમ કેક બનાવવા માટે કુકરને ધીમા ગેસે ગરમ કરવા મુકો. કુકરની અંદર તમે રેતી અથવા મીઠું નાંખીને ગરમ કરવા મુકો.
- હવે કેક બનાવવા માટે મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર નાંખીને બરાબર મિક્સ કરી લો અને લોટને ચારણીથી ચાળી લો.
- હવે એક વાસણમાં ધી તેમજ માખણ લો.
- ત્યારબાદ એમાં ખાંડ નાંખીને બરાબર ફેંટી લો. ખાંડ નાંખીને જ્યારે ફેંટો ત્યારે એક જ બાજુ ફેરવવું જેથી કરીને બેટર સારું થાય.
- 2 થી 3 મિનિટ સુધી આ બેટર ફેંટવું એટલે સફેદ ફીણ જેવું થવા લાગશે.
- આ મિશ્રણને ફેંટતા-ફેંટતા હવે એમાં ચોકલેટ પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી બરાબર એક જ દિશામાં ફેંટો.
- હવે આ મિશ્રણમાં ચાળેલો મેંદો ઉમેરતા જાવો અને ઘીરે-ધીરે મિક્સ કરો.
- હવે એમાં દૂધ ઉમેરો અને મિશ્રણને બરાબર હલાવતા જાવો.
- તો તૈયાર છે તમારું બેટર. આ બેટર તમે નોર્મલ પાતળુ રાખજો જેથી કરીને કેક સારી બને.
- હવે ગરમ થયેલા કુકરમાં અંદર વાસણ મુકીને આ બેટરને પાથરો. બેટર મુકતા પહેલા નીચે થોડુ બટર લગાવવાનું ભુલતા નહિં.
- કુકરમાં કેક થવા મુકો એટલે કુકરનું ઢાંકણું બંધ કરી દો. પણ ખાસ એ ધ્યાન રાખજો સીટી મુકવાની નથી.
- આમ, 40 થી 45 મિનિટ સુધી આ કેકને થવા દો.
- ત્યારબાદ કેકને ટુથપીકની મદદથી ચેક કરી લો કે કેક થઇ છે કે નહિં.
- હવે કેકને બહાર કાઢો અને ઠંડી કરવા ફ્રિજરમાં મુકો.
- તો તૈયાર છે તમારી એગલેસ ચોકલેટ કેક
- આ કેક પર તમે ઉપરથી ચોકલેટ સોસ તેમજ ચિપ્સ નાંખીને ડેકોરેટ કરી શકો છો.


















































