9 oct જેનો શહાદત દીવસ છે એ અમર યુથ આઈકોન અને ક્રાંતીના પર્યાય સમા મહાવીર કોમરેડ ડૉ.અર્નેસ્ટો ચે ગ્વેરા એ એમનાં સંતાનોને ઉદ્દેશીને લખેલો પત્ર, જે એમનો અંતીમ પત્ર બની ગયો. એ પત્ર મુકીને એ ગયા એ ગયા. એ પછી એમના બદલે અમેરીકાની સી.આઈ.એ. એ એમની ઘાતકી હત્યા કરાવી નાખ્યાના સમાચાર જ ઘેરે પરત આવ્યા.
અહીં આ છે એમના એ પત્રનો ફોટો અને એનો અનુવાદ :

મારાં સંતાનોને
વહાલાં હીલ્દીતા, એલેઈડા, કેમીલો અને અર્નેસ્ટો !
ક્યારેક તમે આ પત્ર વાંચતાં હશો,ત્યારે કદાચ હું તમારી વચ્ચે નહીં હોઉં. તમે ભાગ્યે જ મને યાદ કરતાં હશો. અને વળી નાનકાંને તો કશું યાદ જ નહીં હોય કે એમનો બાપ એક એવો માણસ હતો જે જેવું વીચારતો હતો એવું વર્તતો હતો અને હંમેશાં એ એની માન્યતાઓને વફાદાર હતો.
વહાલાં મારાં, મોટાં થઈને અચ્છાં ક્રાંતીકારીઓ બનજો. અચ્છાં ઈન્સાનો બનજો. સખત અને સતત અભ્યાસ કરીને પ્રકૃતીને સર્વોપરી બનાવે એવી એવી વીદ્યાઓ ભણજો.
યાદ રાખજો કે ક્રાંતી ખુબ જ જરુરી અને ખુબ જ ઉપયોગી છે. આપણામાંના કોઈ એકલા જણની કશી જ કીંમત નથી.
સૌથી મહત્વનું એ છે કે દુનીયામાં ક્યાંય પણ, કોઈને પણ અન્યાય થતો હોય તો એને હૃદયના ઉંડાણથી અનુભવવા સમર્થ બનજો. પ્રત્યેક ક્રાંતીકારીનો એ સુંદરતમ ગુણ છે.
મારાં નાનકાં સંતાનો, હજુ તમને સૌને ફરી મળવાની આશા છે. ચોક્કસ મળીશું !
ડેડ તરફથી તમને ખુબ ખુબ પપ્પીઓ અને મોટ્ટું આલીંગન !
Translation – Manhar Jamil


















































