આ વાત છે માર્ચ 2015ની.
જેમણે અમદાવાદ શહેરની નાટદૃષ્ટિ વિકસાવી હતી તેવા
રાજેન્દ્ર ભગત એ વર્ષે ત્રણ સુંદર નાટકો અમદાવાદમાં લઈ આવ્યા હતા.
કોણ હતા રાજેન્દ્ર ભગત ?
શ્રી રાજેન્દ્ર ભગત રંગમંચ ક્ષેત્રે દિગ્ગજ દિગ્દર્શક હતા, નીવડેલા અને મંજાયેલા લેખક હતા.
તેમણે નિર્માતા તરીકે પણ એવી નાટ્ય-કૃતિઓનું સર્જન કર્યું હતું જેણે કલાક્ષેત્રે દર્શકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું હતું.
તેઓ કલાકાર હોવા ઉપરાંત કલા-આસ્વાદ, કલા પોષક અને કલા મર્મી પણ હતી.
તેમણે સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં માતબર અને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
તેઓ દ્રષ્ટિવંત સર્જક હતા.
તેઓ અમદાવાદમાં નિયમિત રીતે અને કલા માટેની સાવ સાચી પ્રીતે રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ કરતા.
ગાંઠનું ગોપીચંદન કરવાનું તેમને ગમતું કારણ કે તેઓ નાટ્ય-ગંગાને પ્રેક્ષકના મન-હૃદય સુધી લઈ જનારા ભગીરથ હતા.
2015માં તેમણે આયોજિત કરેલા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં અમને અમદાવાદમાં “ખ્વાહિશે” નામનું સુંદર અને યાદગાર
હિન્દી નાટક જોવા મળ્યું હતું.
એ વખતે અમે એ નાટકની જે નોંધ લખી હતી તે આ રહીઃ
એક સ્ત્રી અને બે પુરૂષની આસપાસ ફરતા
“ખ્વાહિશે” નાટકનું દિગ્દર્શન હતું શાંતિનિકેતનના
પ્રો.મૃત્યુજય પ્રભાકરનું.
રતિ નામની બોલ્ડ અને બોલકી સ્ત્રી છે.
રૂપાળી પણ છે. તેને મુક્ત હવામાં એકલા જ
જીવવાનું મન હોય છે પણ જગ્ગુ નામનો એક
યુવાન તેના પ્રેમમાં પડે છે અને ગમે તેમ
કરીને પરણવા માટે મનાવી લે છે.
પરણ્યા પછીનું બધાંનું લગ્ન કે જીવન
જેવું હોય છે તેવું આ બન્નેનું હોય છે.
બન્ને જુદી જુદી જગ્યાએ નોકરી કરે છે,
ખાય છે , પીએ છે અને એકબીજા પર રાજ કરે છે.
રતિની જ ઓફિસમાં કામ કરતો ઇમરાન નામનો
શાયર યુવાન રતિના પ્રેમમાં પડે છે.
ધીમે ધીમે રતિ પણ તેના તરફ ખેંચાય છે.
રતિને પતિ પણ ગમે છે અને આ નવો પ્રેમી
પણ ગમે છે.
એનો પ્રશ્ન છે : હું કેમ એક સાથે બન્નેને ના
ચાહી શકું? મારા હૃદયમાં ખાસ્સી સ્પેસ છે.
પ્રેમી ઇમરાન સાથેના સંવાદમાં એક વખત તે કહે છે કે
આપણને જલેબી ભાવતી હોય
એટલે આપણને બીજી મીઠાઈઓ નથી
ભાવતી તેવું થોડું કહેવાય?
આ સવાલ મનોવૈજ્ઞાનિક છે અને સામાજિક પણ છે.
રતિનો પતિ બીજાં બધાં સમાધાન કરી
લેવા તૈયાર છે પણ રતિ કોઈ અન્ય
પુરૂષને ચાહે તે તેને મંજૂર નથી.
એ ભાઈ પોતે પ્રેમ(લફડા)બાજ છે. રતિ ઉપરાંત
અન્ય સ્ત્રીઓ સાથે તેના મન-ગમતા અને
તન-ગમતા સંબંધો છે જ.
રતિ કહે છે …..તમે પુરુષો ઈચ્છા થાય તેટલી
સ્ત્રીઓ સાથે સૂઈ શકો અને જો અમે એવું
કરીએ તો ચારિત્ર્યહીન થઇ જઈએ?
અલબત્ત, નાટકમાં સંઘર્ષ છે,ચાહવાનો
અને ના ચાહવાનો.
કોઈના ચાહવાના અધિકારને કેવી રીતે ઝૂંટવી શકાય?
પતિ છે. છે તો છે . ગમે પણ છે.
……પણ હવે અન્ય કોઈ પણ ગમે છે.
શું કરવાનું? દંભી થઈને -છાનામાના –
સંબંધ રાખવાનું રતિને મંજૂર નથી.
વળી, રતિ બાળક જેવી છે. નિર્દોષ અને નિખાલસ.
તે જે અનુભવે તે કહે છે .
આ નાટક રતિની ખ્વાહિશની ખોજ કરે છે.
રતિ કહે છે …… “મારે કોઈના ખ્વાબ બનવાનું
પણ મારા ખ્વાબનું શું?
પ્રારંભની થોડીક ઢીલાસ પછી નાટક
જકડી રાખે છે.. દિગ્દર્શન દ્રષ્ટિપૂર્વકનું.
સંગીતનો શ્રેષ્ઠ ઉપયોગ.
ત્રણેય પાત્રો ત્રિકોણે બેસીને પોતપોતાના
મનોભાવ રજૂ કરે છે તે દ્રશ્ય નાટકનું સૌથી
ઉત્તમ દ્રશ્ય. ત્રણેયના મનોભાવમાં મથામણ છે અને ખેંચાણ છે.
કોઈને જે ગમે છે તે એકલાની પાસે જ રાખવું છે,કોઈને
જે ગમે છે ત્યાં જવું છે તો કોઈને જે ગમે છે
તે જોઈતું નથી, ના મળે તો પણ તેને માત્ર ચાહવું છે.
સ્ત્રી અને પુરુષનો
પરસ્પરનો પ્રેમભાવ……
સ્ત્રી અને પુરુષનો
પરસ્પરનો માલિકીભાવ……
પ્રેમને બંધાવું નથી અને
લગ્નની સાંકળો તેને છોડવા તૈયાર નથી.
નાટક કહે છે કે બંધન વિનાના પ્રેમને
શોધવાની મનુષ્યની
“ખ્વાઇસ” આજે પણ
અધૂરી છે.
(રંગબહારના સ્થાપક રાજેન્દ્રભાઈ ભગતનું તો નિધન થયું છે. તેમનાં પરિવારજનોએ
રાજેન્દ્રભાઈની સ્મૃતિમાં અમદાવાદમાં દર વર્ષે રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ કરવાનું નક્કી કર્યું છે. આ વર્ષે 28-29-30 ઑક્ટોબર 2023- શનિ-રવિ અને સોમના રોજ અમદાવાદમાં બે હિન્દી અને એક મરાઠી નાટકો દ્વારા રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ Rajendra Bhagat National Drama Festival- યોજી રહ્યા છે. વિગતો અહીં મૂકીશું.)
Content Credit ~ Ramesh Tanna
Shared By ~ Vision Raval