શારીરિક, ભાવનાત્મક, સામાજિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક. આ પાંચ પાસાથી વ્યક્તિગત આરોગ્ય, એટલે કે personal health બનેલું છે. દરેકનું પોતાનું મહત્વ છે અને કોઈ એક પણ પાસો નબળો પડી જાય, તો એની અસર આપણા જીવનમાં દેખાય.
મારુ એવું માનવું છે, કે આધ્યાત્મિક સુખાકારી, એટલે કે, Spiritual Well being બીજા બધા પાસાને નિયંત્રણમાં રાખવા માટે જવાબદાર છે. એ આપણા જીવવાના ઉદ્દેશને સ્પષ્ટ કરે છે. દરેક વ્યક્તિ માટે તેના જીવનની આધ્યાત્મિક સુખાકારીની પરિભાષા જુદી હશે. અને એ લક્ષ પામવા માટે આપણે એ જોવું પડશે કે આપણા માટે શું મહત્વ છે? અને એની આપણા જીવન પર શું અસર થઈ શકે છે?
આધ્યાત્મિક સુખાકારી માટે પ્રાર્થના અત્યંત જરૂરી છે. પણ આજે હું પ્રાર્થનાને એક જુદા જ દ્રષ્ટિકોણમાં દર્શાવા માંગુ છું. લગભગ આપણે બધાજ પ્રભુની પ્રાર્થના કરતા હોય છે. કોઈ ક્ષમા માટે તો કોઈ આભાર માનવા માટે. કોઈને ફરિયાદ હશે તો કોઈને જરૂરત.
પ્રભુની લીલા અપરંપાર છે અને એણે આપણા પર ઘણા આશિર્વાદ વરસાવ્યા છે. તમને નથી લાગતું કે હવે અર્પણ કરવાનો સમય આવી ગયો છે? જીવનમાં પ્રાર્થના કરવાની સાથે, જીવનશૈલીને જ પ્રાર્થનાનું રૂપ કેમ ના આપી શકાય? Life itself can become a prayer!
દરેક કામ, દરેક કર્યામાં એવી ગુણવત્તા લાવીએ કે એમાં પ્રભુ માટે આભાર છલકાય અને આખું જીવન એને સમર્પિત થઈ જાય.
~ શમીમ મર્ચન્ટ


















































