પ્રેમ -પ્યાર -લવ ના શાંડિલ્ય એ આપેલા ચાર સોપાન(૧) સ્નેહ (૨)પ્રેમ (૩)શ્રધ્ધા અને(૪) ભક્તિની હું ચર્ચા કરતી હતી. આ અંતર્ગત ગયા અઠવાડિયે મેં સ્નેહ-અને પ્રેમની ચર્ચા કરી. આ વખતે શ્રદ્ધા અને ભક્તિ ની ચર્ચા કરીશું.
(૩) શ્રદ્ધા- પોતાનાથી શ્રેષ્ઠ પ્રત્યે. માતા-પિતા -ગુરૂ પ્રત્યે.
માતા-પિતા અને ગુરુ આ ત્રણ વ્યક્તિઓનો મનુષ્યના જીવનમાં અમુલ્ય ફાળો હોય છે .જીવનમાં કોઈ નાની-મોટી ભૂલ થઈ જાય તો માતા માફ કરી દેશે ,પિતાએ ઠપકો આપીને છોડી દેશે, અને ગુરુ યથા યોગ્ય માર્ગદર્શન કરશે. ક્યારેક નાની મોટી સજા કરે તો પણ તે આપણા હિત માટે જ હોય છે. તેથી આપણે તેમનો આદર કરવો જોઈએ. આથી જ કહેવાયું છે કે “માતૃ દેવો ભવ ,પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ.” એવું કહેવાય છે કે “શ્રદ્ધાથી બહુ ઓછું સિદ્ધ થઈ શકે છે પણ શ્રદ્ધા વિના તો કશું સિદ્ધ થઈ શકતું નથી .માતા પિતા ગુરુ ઉપરાંત આપણે ઈશ્વર પ્રત્યે પણ શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધા અને ભક્તિ એકબીજાના પૂરક છે.
(૪)ભક્તિ -ઈશ્વર પરમાત્મા પ્રત્યે.
ભક્તિ એટલે ઈશ્વરને પામવાનો સર્વોપરી માર્ગ. ઈશ્વરને પામવાનો માર્ગ ગમે તેટલો કઠીન હોય તો પણ તેને અપનાવવો જોઈએ. આપણે કલિ યુગમાં જીવીએ છીએ. તો કહેવાયું છે કે- “કલીમલ કેવલ નામ આધારા, સુમર સુમર ઉતારહી ભવપારા”. આ યુગમાં ભગવદનામ સ્મરણ ,શાસ્ત્રોનું પઠન ,સત્સંગ, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી, અને ‘સેવા પરમો ધર્મ ‘એટલે કે આપણા થી બનતી સેવા કરીએ તે જ સાચી ભક્તિ છે.
અંતમાં એટલું જરૂર કહીશ કે શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય, યજ્ઞ હોમ હવન જેવા શુભ કાર્યો કરવા હોય, કે દાન દક્ષિણા આપવા જેવા કોઈ પણ શુભ કાર્યો કરવા હોય તેમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ હોવા જોઈએ. મન વગર અને કરવા ખાતર કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. તેમજ તેનું ફળ મળતું નથી. તેથી કોઈપણ કાર્યમાં શ્રદ્ધા અને ભક્તિ રૂપી સુગંધ હોવી જોઈએ.
-અસ્તુ.
હર્ષા ઠક્કર


















































