નમસ્કાર મિત્રો,
શનિ મહારાજ… શનિદેવ… એક એવું નામ, જેને સાંભળતા જ પસીનો છૂટી જાય, ફક્ત એ લોકોનો જ, જેમના કર્મો ખરાબ હોય. વર્ષોથી આપણી એવી માન્યતા થઈ ગઈ છે કે શનિનો પ્રકોપ થાય એટલે માણસનું ધનોતપનોત નીકળી જાય, એ બરબાદ થઈ જાય. પનોતી આવે એટલે પતી જવાય – એ બધું સત્ય તો છે પરંતુ અર્ધસત્ય.
શનિદેવ એ ન્યાયના દેવ છે. કર્મફળદાતા છે. ન્યાયના સિંહાસન પર તેમને મહાદેવે બેસાડ્યા છે અને પોતાની પદવી પ્રમાણે તેઓ જે તે વ્યક્તિને તેના કર્મોને આધીન ફળો આપે છે. જો શનિ એક સવાલ છે તો તેના અસંખ્ય જવાબ પણ છે. શનિથી સારો કોઈ શિક્ષક જગતમાં હોઈ જ ન શકે. શનિની પનોતી કે ઢૈયા જાતકને પિત્તળમાંથી ખરા સોનામાં પરિવર્તિત કરે છે. કહેવાય છે કે સોનાની અને લોખંડના પાયાની પનોતી ખરાબ જ અને ચાંદી તથા તાંબાના પાયા પરની પનોતી સારી જ હોય છે પરંતુ એવું નથી. શનિ દરેક પરિસ્થિતિમાં કસોટી કરે છે. જો ખરાબ સમયમાં તમે ધૈર્ય, શાતિ, સત્કર્મો અને ભક્તિથી કાર્ય કરશો તો તે તરત જ સારા પરિણામો પણ આપશે અને ચાંદી કે તાંબાના પાયે પનોતી દરમિયાન કે પછી તમારા સારા સમય દરમિયાન ઘમંડ, આડંબર અને અવળા માર્ગે ચાલશો તો તે તરત જ તમને સાચા માર્ગે લાવવા દંડિત કરશે. શનિના દંડ કે પ્રભાવથી કોઈ જ બચી નથી શકતું પરંતુ તેની પીડાને અમુક ઉપાયો અને તેમની ભક્તિ થકી ઓછી કરી શકાય છે તો ચાલો જાણીએ શનિમહારાજને પ્રસન્ન કરવાના ઉપાયો.
અહીં તમારી કુંડળીમાં જે તે ભાવમાં શનિની સ્થિતિ હોય, તે પ્રમાણે ઉપાય કરવાના રહેશે. આ સિવાય અમુક સામાન્ય ઉપાયો પણ છે, જે કોઈ પણ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં પણ કરી શકે છે.
પહેલા ભાવ (લગ્ન સ્થાન)માં શનિના ઉપાયો
- લાલ કિતાબ મુજબ લગ્ન સ્થાનનો શનિ મંદી સેહત આપે છે
તો સારા આરોગ્ય માટે 43 દિવસ સુધી વડના ઝાડના મૂળમાં
દૂધ ચડાવીને તેની ભીની માટીનું કપાળે તિલક કરવું.
- વેરાન જમીન કે સ્મશાનમાં સુરમો દબાવવો.
- સરસવના તેલનું દાન કરવું
- મિલકત કે પ્રોપર્ટીની બાબતમાં સારા પરિણામો માટે વાંદરાને ગોળ ખવડાવવો.
- કોઈ ફકીર કે સાધુને લોખંડની તવીનું દાન કરવું.
બીજા ભાવમાં શનિના ઉપાયો
- દૂધ કે દહીંનું કપાળે તિલક કરવું.
- 43 દિવસ સુધી ખુલ્લા પગે મંદિરે જઈને પોતાના ખરાબ કર્મો માટે પ્રભુ પાસે માફી માંગવી.
- સાસરા પક્ષ માટે સાપને દૂધ પીવડાવવું. (સાપને અહીં મજૂરના સંદર્ભમાં લેવાય છે.)
- લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલ ઘરની દીકરી સાથે વિવાહ ન કરવા.
ત્રીજા ભાવમાં શનિના ઉપાયો
- કાળા-સફેદ મિક્સ રંગના કૂતરાને પાળવો કે સેવા કરવી.
- ઘરમાં એક અંધારી રૂમ બનાવવી.
- ઘરના ઉંબરામાં લોખંડની ખીલીઓ મારવી.
- દારૂ અને માંસથી દૂર રહેવું.
ચોથા ભાવમાં શનિના ઉપાયો
- રાત્રે દૂધ ન પીવું.
- કાગડા કે ભેંસને દૂધ-ચોખા ખવડાવવા.
- વ્યવસાયિક સફળતા માટે માછલીઓને ખવડાવવું.
- કૂવામાં દુધ રેડવું.
- વહેતા પાણીમાં દારૂ વહાવવો.
- રાત્રિ સમયે ભવનનિર્માણ ન કરવું.
- વિધવાઓનું સન્માન કરવું અને પરસ્ત્રીગમનથી બચવું.
પાંચમા ભાવમાં શનિના ઉપાયો
- પોતાના વજનના દસમા ભાગ જેટલી બદામ લેવી.
તેમાંથી અડધી બદામ મંદિરે ચડાવવી અને અડધી બદામ ઘરે
લઈ રાખવી. એક વર્ષ પછી તે બદામને વહેતા પાણીમાં
વહાવવી.
- માંસ, જુગાર, દારૂથી દૂર રહેવું.
- કૂતરો પાળવો.
- ઘરમાં અંધારિયો રૂમ બનાવી તેમાં સૂર્ય, ચંદ્ર અને મંગળની વસ્તુઓ કાયમ કરવી.
છટ્ઠા ભાવમાં શનિના ઉપાયો
- છાયાપાત્ર કાઢીને દાન કરવું.
- વહેતા પાણીમાં શ્રીફળ વહાવવા.
- પાણીમાં બદામ વહેતી કરવી.
- ભૈરવજીની પૂજા કરવી.
સાતમા ભાવમાં શનિના ઉપાયો
- કાળી ગાય પાળવી કે તેની સેવા કરવી.
- માટીની કુલડીમાં મધ ભરીને વેરાન જગ્યાએ દાટી દેવું.
- વાંસળીમાં ખાંડ ભરીને તેને સ્મશાન કે વેરાન જગ્યાએ દાટવી.
આઠમા ભાવમાં શનિના ઉપાયો
- જમીન પર ખુલ્લા પગે ન ચાલવું અને સ્નાન પણ ન કરવું.
ન્હાતી વખતે પાટલાનો ઉપયોગ કરવો. રગ નીચે લાકડું રાખવું.
- ખિસ્સામાં ચાંદીનો ચોરસ ટુકડો રાખવો.
- સવા શેર અડદ પાણીમાં વહેતા કરવા.
- મંદિરે ન જવું.
નવમા ભાવમાં શનિના ઉપાયો
- ઘરની છત પર કોઈ પણ સામાન ન રાખવો.
- સંતરાની છાલથી દાંત સાફ કરવા.
- ગુરુની વસ્તુઓનું દાન કરવું.
દસમા ભાવમાં શનિના ઉપાયો
- આંધળા લોકોને જમાડવા.
- બીજાનો આદસ સત્કાર કરવો.
- આર્થિક સમસ્યાઓના સમયે દાઢી મૂંછના વાળ ઓછા રાખવા.
અગિયારમા ભાવમાં શનિના ઉપાયો
- લસણ, ડુંગળી અને મસૂરની દાળ ન ખાવી.
- 43 દિવસ સુધી શરાબ કે તેલ જમીન પર રેડવું.
- રાત્રે સૂતી વખતે માથાના ભાગે મૂળા રાખવા અને સવારે મંદિરે દાન કરવા.
બારમા ભાવમાં શનિના ઉપાયો
- ઘરમાં અંધારી કોટડીના દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં બાર બદામ લઈને કાળા
કપડામાં બાંધીને લોખંડની ડબ્બીમાં રાખવી અને ધ્યાન રાખવું તેને કોઈ ખાય નહી.
- પરસ્ત્રીગમન, દારૂ, માંસ, જુગારથી દૂર રહેવું.
સામાન્ય ઉપાયો
- મહાદેવજીની ઉપાસના કરવી.
- કાગડો, ભેંસ, માછલી અને કૂતરો – એ ચાર પ્રાણી શનિના અંતર્ગત
આવતા હોવાથી તેમની સેવા કરવી.
- વહેતા પાણીમાં અડદ, બદામ કે નાળિયેર વહેતા કરવા.
- દર અમાસ અને પૂનમે 1 શ્રીફળ અને અગિયાર બદામ માથેથી સાત વાર
ઓવારીને નદીમાં વહેતા કરવા.
- સંતાનસુખ અને તેના આરોગ્યની સુખાકારી માટે કૂતરાની સેવા કરવી.
શક્ય હોય તો પાળવું.
- કાળા કપડામાં શનિની વસ્તુઓ (કાળા અડદ, તેલ, બદામ, લોખંડની વસ્તુ)
બાંધીને દાન કરવી.
- મહિનામાં એક શનિવારે ઘઉં, અડદ, ચણા, જવ અને તલને પીસીને લોટ
બનાવીને તેની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવવી.
– આદિત શાહ


















































