શ્રીમદ્ ભગવદ્દગીતા શરૂ થાય છે અર્જુનના વિષાદયોગથી. કુરુક્ષેત્રની રણભૂમિ પર ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા અને કુટુંબીજનોને લડવા માટે ઉત્સુકતાથી ઊભેલા જોઈને અર્જુનનાં ગાત્રો શિથિલ થઈ જાય છે. વિષાદની ઘેરી છાયા એના ચિત પર છવાઈ જાય છે અને ધનંજય ગાંડીવ ધનુષ નીચે મૂકી દે છે ! એના સારથિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણ એને વિષાદને ખંખેરીને કર્મ કરવા પ્રેરે છે. ભગવાન વાસુદેવને પણ અર્જુનનો આ વિષાદ દૂર કરતાં કેટલી વાર લાગી હતી ! કેટલો ઉપદેશ આપવો પડયો હતો !
મને લાગે છે કે આપણા સૌના જીવનમાં કયારેક ને કયારેક આવો વિષાદકાળ આવતો હોય છે. થોડાંક વર્ષો પહેલાં હું એવા સમયપટમાંથી પસાર થઈ રહી હતી જયારે મારું મન ખૂબ જ વિષાદગ્રસ્ત હતું. અર્થશાસ્ત્રની પરિભાષામાં એક શબ્દ આવે છે. આપણે એ વારંવાર સાંભળીએ છીએ. એ શબ્દ છે ‘ગરીબાઈની રેખા’. આર્થિક દ્રષ્ટીએ આ એક એવી રેખા ગણાય છે જેની નીચે જીવતા માણસો ગરીબ છે. જીવનની મૂળભૂત આવશ્કયતાઓ પણ તેમને પ્રાપ્ત થતી નથી. એમનું જીવન કંગાળ અને દરિદ્ર છે. આ એક આર્થિક રેખા છે જે જીવનધોરણ- Standard of living સાથે સંકળાયેલી છે. પરંતુ મને લાગે છે આ ઉપરાંત પણ જીવનમાં એક બીજી રેખા છે. એ રેખા ઝાંખી છે, અસ્પષ્ટ છે. એ રેખા તે મૂલ્યોની-ઉત્સાહની-ચેતનાની-જીવંતતાની-ગુણવતાની Qualitity of life ની.
આપણા ૬૫-૭૦ કે ૭૫ વર્ષના આયુષ્ય દરમિયાન આપણે કેટલો સમય ખરેખર જીવતાં હોઈએ છીએ ? મને લાગે છે કે એવો સમય આખાય આયખામાં વીસેક ટકા જેટલો હોય તો પણ સારું ! આપણે હિસાબ-કિતાબ કરીએ છીએ, આવક-જાવકનો અંદાજ કાઢીએ છીએ અને આવક કરતાં ખર્ચ વધી ન જાય, ઉધારપાસું વધે નહિ તે માટે જાગૃત રહીએ છીએ. પૈસાના હિસાબ ઉપરાંત આપણે સામાજિક વ્યવહારોમાં અને સંબંધોમાં પણ આપ-લેનો ખ્યાલ રાખીએ છીએ. આપણને કોઈએ જમવા માટે આમંત્ર્યા. આપણે એમને પણ આમંત્રણ આપીને બોલાવવા જોઈએ. આમ સતત ગણતરી ચાલતી હોય છે. પરંતુ આપણે કેટલો સમય જીવતાં હોઈએ છીએ એનો અંદાજ નથી કાઢતા. ખરું જોતાં આ ગણતરી આ હિસાબ આપણે કરવો જોઈએ. કઈ કઈ વસ્તુઓ અને કઈ ક્રિયાઓ આપણી ક્ષણોને જીવંત બનાવે છે અને કઈ નથી બનાવતી એના વિશ્લેષણમાંથી આપણને કંઈક સત્ય લાધે ખરું. આપણે પોતે જ આપણે માટે એ શોધવાનું છે.
હું મારી પોતાની જ વાત કરું તો હું જયારે લખતી હોઉં છું, કંઈક સર્જન કરતી હોઉં છું ત્યારે હું જીવતી હોઉં છું. અત્યારે આ લખતી વખતે હું જીવંત છું. રંગમંચ ઉપર ભજવાતું કોઈક સરસ નાટક જોતી વખતે હું કોઈ જુદી જ આનંદસૃષ્ટિમાં વિહરતી હોઉં છું ! શાસ્ત્રીય સંગીતની સુમધુર સૂરાવલીઓ સાંભળતાં સાંભળતાં મારા પ્રાણ સૂરોમાં ઓતપ્રોત થઈ જાય છે ત્યારે હું જીવું છું. કળા આપણી ચેતનાને સજીવ બનાવી એને નવશક્તિ અર્પે છે. કોઈક સુંદર નવલકથા વાંચતી વખતે હું એની ભાવસૃષ્ટીમાં ખોવાઈ જાઉં છું. આર્ટગેલેરી અને મ્યુઝિયમમાં ચિત્રકૃતિઓ જોતાં જોતાં મારી સંવેદના ઝંકૃત થઈ ઊઠે છે ત્યારે આનંદની અનુભૂતિની એ ક્ષણોમાં હું જીવતી હોઉં છું.
નિઃસર્ગે મને હંમેશાં આકર્ષી છે. પહાડો મને બહુ ગમે છે અને તેમાં પણ હિમાલયની વાત જુદી છે. આલ્પસ અને ફયુજીયામાનું સૌંદર્ય માણ્યું છે. પણ હિમાલય મને હંમેશાં પોતીકો જ લાગ્યો છે. સ્વજન બનીને એણે મને પ્રેમ આપ્યો છે, શાંતિ આપી છે અને પ્રોત્સાહિત કરી મારામાં નવશક્તિનો સંચાર કર્યો છે. કાંચનજંઘા પર પડતાં પ્રથમ રવિકિરણનું દ્રશ્ય અદ્દભુત અને અવિસ્મરણીય હતું. ઉષાએ હળવે પગલે લજ્જાભર્યા મુખે આવી પૃથ્વીના માપદંડ નગાધિરાજ હિમાલયને અર્ધ્ય આપ્યો અને પૂર્વાકાશ ઝગમગી ઊઠયું. વર્ષો પછી આ દ્રશ્યની સ્મૃતિ પણ મને આનંદવિભોર બનાવી દે છે.
સિક્કિમમાં જોયેલાં રંગબેરંગી ઓરકીડ્સ અને શાંત-નિસ્તબ્ધ-નીરવ વાતાવરણમાં યુગયુગાંતરથી ઊભેલી ભૂતાનની પહાડીઓ ! સમય પણ સ્તબ્ધ થઈને ત્યાં ઊભો હોય ! શું યાદ કરું ? માઈલો દૂરથી પોતાના અગાધ જલરાશિના ઐશ્વર્યની જાણ કરતો ગર્જતો નાયગ્રા ધોધ ! ‘મેઈડ ઓફ મિસ્ટ’ બોટમામ બેસી એ ધોધની સાવ નજીક જઈ એના માણેલા અનુપમ અને અવર્ણનીય સૌંદર્યની અતિ રોમાંચક ઉત્કટ પળો ! એટલેંટિકનું સૌમ્ય, ગંભીર ઉદાત સ્વરૂપ જુદે જુદે કાળે જોયું છે અને વાવાઝોડાને લીધે ઊંચા ઊંચા મોજાં ઉછાળતું ભીષણ-રુદ્ર રૂપ પણ મેં નિહાળ્યું છે. જીવંતતાની આવી કેટલી ઉત્કૃષ્ટ ક્ષણો મિનિટો અને કલાકો યાદ કરું ? એ તો જીવનના અંતિમ શ્વાસ સુધી મારી સાથે મહેંકતી રહેશે. એની સ્મૃતિ પણ મૃત્યુને મોહક બનાવશે…
પ્રેમ જિંદગીનું પ્રાણતત્વ છે. પ્રેમ એટલે જ જીવન. સ્વજ્નો-સ્નેહીઓ અને મિત્રો માટેનો પ્રેમ એ તો આપણને જીવતાં રાખે છે. જીવનમાં પ્રેમ છે, તેમ દુઃખ પણ છે અને દુઃખનો મહિમા પણ ઓછો નથી. એ તો આપણને જીવતાં શીખવે છે. કોઈકનું ઊડું તીવ્ર દુઃખ જોઉં છું અને મારી ચેતના હચમચી જાય છે. મારું હૈયું દ્રવી ઊઠે છે, આંખની પાંપણો ભીંજાય છે અને હાથ આશ્વાસન માટે આપોઆપ લંબાય છે તે વખતે હું જીવંત હોઉં છું.
પાનખર ઋતુ હોય, વૃક્ષો કેસરી, લાલ, તપખીરી અને પીળાં રંગો સજી વિસર્જન પહેલાંનો શણગાર સજી ઊભાં હોય – રસ્તા પર ઠેરઠેર ખરેલાં પર્ણો આમતેમ પડેલાં હોય, હવામાં શીતળતા હોય અને પીળો સૂર્યપ્રકાશ પર્ણો વચ્ચેથી ચળાઈને આવતો હોય ત્યારે મને થાય છે એ પગદંડીઓ પર બસ હું ચાલ્યા જ કરું. આવી પળોમાં જાણે બદલાઈ જાઉં છું ! મને હાસ્યવિનોદ ગમે છે. રસમય વાતચીતમાં મને ખૂબ મઝા આવે છે. દલીલો પણ મને ઉતેજિત કરે છે. Ideasની ચર્ચા મને જાગ્રત કરી દે છે. રસમય, ઉત્સાહી અને ધબકતી વ્યક્તિઓનું સાન્નિધ્ય મને પ્રોત્સાહિત કરે છે. વાત ભલે નાની હોય પણ આપોઆપ ખડખડાટ હસી પડયા… એ વખતે હું જીવંત હોઉં છું.
આપણી પાસે આપણાં સ્વજનોને અને મિત્રોને પણ પૂરતાં ઓળખવાનો સમય નથી હોતો. આપણી પાસે જે કંઈ હોય છે, તેને જોવાની અને માણવાની ફુરસદ કયાં છે ? નથી હોતી નિરાંત આપણી આજુબાજુ વેરાયેલા અદ્દભુત સૃષ્ટિસૌંદર્યને નિહાળવાની કે વિસ્મય અને રહસ્યથી ભરપૂર આ જગત અને જિંદગીનો રોમાંચ અનુભવવાની.
આ સંદર્ભમાં મને જીવનની એક બહુ સુંદર અને હ્યદયસ્પર્શી વાત થોર્નન્ટન વાઈલ્ડરે એના નાટક ‘Our Town’ માં કહી છે તેનું અત્રે સ્મરણ થાય છે. નાટકની નાયિકા એમિલી ગ્રોવર્સ કોર્નર્સમાં રહે છે. યુવાનીમાં પ્રસૂતિમાં એનું મૃત્યુ થાય છે. નાટકના અંતિમ ભાગમાં એમિલીને આ ધરતી પર ફરી આવીને જીવવાની અને એની બારમી વર્ષગાંઠ માણવાની છૂટ આપવામાં આવે છે. એમિલી સજીવ થઈને પાછી આવે છે તે દિવસ એની બારમી વર્ષગાંઠનો હતો. પહેલી જ વખત એમિલીએ એનાં માબાપની સરળતાને – અને પોતા પ્રત્યેના એમના ઊંડા પ્રેમને જોયો. એને રોજિંદા જીવનની અનેક નાની મોટી બાબતો જે આપણા જીવનમાં અંતર્ગત હોય છે તેનો ખ્યાલ આવે છે અને કયારનાય વિસરાઈ ગયેલા એ દિવસનું માધુર્ય અને કારુણ્ય એમિલી માટે અસહ્ય બની જતાં, એકાએક એ બોલી ઊઠે છે.
‘જિંદગી કેટલી બધી ઝડપથી પસાર થઈ જાય છે ! મહેરબાની કરીને મને પાછી લઈ જાવ – પેલી ટેકરી પર આવેલી મારી કબર તરફ… હા, મને લઈ જાવ તે પહેલાં જરા થોભો. મને એક વખત ફરીથી આ બધું જોઈ લેવા દો. જગત તને ‘ગુડ બાય’ ! મારું પ્રિય વતન ગ્રોવર્સ કોર્નર્સ ‘ગુડ બાય’ ! મમ્મા-પપ્પા, ઘડિયાળની ટીક ટીક અને મમ્માનાં વાવેલાં સૂર્યમુખીનાં ખીલેલાં પુષ્પો તમને વિદાય ! તરતનાં ઈસ્ત્રી કરેલાં મારામ વસ્ત્રો – ગરમ પાણીનું સ્નાન – ગાઢ નિદ્રા અને પરોઢની સ્ફૂર્તિભરી જાગૃતિ… સૌને ગુડ બાય ! ઓહ ધરતી ! ઓહ વસુંધરા ! તું કેટલી બધી અદ્દભુત છે ! તું એટલી બધી અદ્દભુત છે કે અમને એનો ખ્યાલ જ નથી આવતો… જિંદગી હોય છે ત્યારે આપણે એનું મૂલ્ય સમજીએ છીએ ? પ્રત્યેક મિનિટનું મૂલ્ય સમજીએ છીએ…?
એમિલીના આ પ્રશ્નનના ઉતરમાં એને સ્ટેજ મેનેજર જવાબ આપે છે : ‘ના-ના.’ નાટક અહીં પૂરું થાય છે. ઓમર ખૈય્યામે લખ્યું છે : આ યુગમાં વિજ્ઞાને કેટલા ચમત્કાર સજર્યા છે અને આપણે જો આપણી કૌતુકવૃતિ ગુમાવી બેસીએ તો જીવનમાં કેટલું બધું ખોઈ બેસીએ ! આશ્ચર્ય, જિજ્ઞાસા અને પ્રેમ એ તો આપણને જીવંત રાખતાં હોય છે. મનુષ્યને સર્જનહારે આપેલી એ મોટી બક્ષિસ છે.
એક એક પ્રસંગ, એક એક તરંગ, મારા હ્યદયમાં બધા ભાવો ઉત્પન્ન થવા દઈશ. મારા હોઠ પર સ્મિત આવવા દઈશ. મારી આંખોમાં આંસુ આવવા દઈશ. રોમેરોમ જીવન, પગલે પગલે સ્ફુરણ, રોજ રોજ નવું પરોઢ. જીવન જેવું આવે તેવું જીવવું છે. હા ! રોમ રોમ જીવવું છે ! ફાધર વાલેસે કહ્યું છે, બસ ! આનું જ નામ ‘Living.’ રોમ રોમ ધબકતું જીવન ! જીવન કેટલું લાંબું છે એનું જ મહત્વ ઓછું છે ? કેટલું ધબકતું છે, કેટલું ઊંડાણભર્યું છે એ મહત્વનું છે. મેં પેલી ભેદરેખાની – જીવંતતા અને અસ્તિત્વની વાત કરીને ? એ રેખાની નીચે જીવવાનો ગ્રાફ ઊતરી જાય છે ત્યારે થોરન્ટન વાઈલ્ડરની નાયિકા એમિલીના શબ્દોને યાદ કરું છું : ‘Do any human beigns ever reliaze life while they have it ? Every every minute ?’
[‘જનક્લ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]