આજથી બરાબર 15 વર્ષ પહેલા 17 મે 2006ના દિવસે આપણી ભાષાના લાડીલા કવિ એકમેવ રમેશ પારેખ આપણી વિચ્ચેથી વિદાય થયા. આજે એમની સ્મરણતિથિ છે.
રમેશ પારેખ મોટા ગીતકાર હતા, એ વાતના ઝળહળાટમાં એ મોટા ગઝલકાર પણ હતા, એ વાત વિસરી જવાય છે. એમણે 300થી વધુ ગઝલો લખી છે.
એમના થોડા શેરો પ્રસ્તુત છે. કંઈ બાકી હોય તો તમે ઉમેરી શકો છો..
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને
આંખને મૂર્ખ કહો કે કહો અઠંગ તમે
એ જ દ્વિધાથી રહો છો હમેશા તંગ તમે
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં
સજા કબૂલ મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ આ ખુલ્લી કબર કબૂલ નથી.
ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું
કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?
જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો
તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે
આ છળનો જે સર્જક કલાકાર છે
એ બંધુને મારા નમસ્કાર છે
હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્નો નીરખવાના ગુન્હા કર્યા છે
શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ઘરડો છે
ઉપરથી શહેરનું શુભ નામ શ્રી છબરડો છે.
જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે
તમે ગયા છો તમારાથી ક્યાં જવાયું છે?
સાંકળ જો હોય બંધ તો ખોલીને નીકળું
ખુલ્લી જગાને કેમ હું તોડીને નીકળું
બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથથી છટકેલું કાચનું વાસણ
છે વાત એમ કે પગને જવું તુ કાશીએ
ને એને ચાલવા દીધા નહીં કપાસીએ
જુએ જળનું સપનું તો આંખો જળાશય બની જાય એવા ય દિવસો હતા
ને વરસાદનું ચિત્ર જોતાં જ નખશિખ પલળાય એવા ય દિવસો હતા
અમે ખુદ અમારાથી રિંસાતા ત્યારે રિંસાવાના પર્વો ઊજવતા હતા
અને ટપ્ દઇ માની જાતા તો ટપ્ ને ય ઊજવાય એવા ય દિવસો હતા
પતંગિયું આ ખભે આવી બેઠું ઓચિંતું
ને મને લાગ્યું જગતભરના ઉમળકાનું વજન
જે તરફ આપણી આસ્થા જાય છે
આ ચરણ એથી કાં ઊલટાં જાય છે?
સરળતાથી જીવવાને માટે અમે
જીવનભર મરણિયા પ્રયત્નો કર્યા.
આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન
રઈશ મનીઆર


















































