૧. : કેવળ એમ્બ્યુલન્સનો બાર કલાકનો વેઇટિંગ ચાર્જ 22000 રુપિયા..? પણ તાકડે એમ્બ્યુલન્સ મળી એ પણ સદ્દનસીબ જ સમજો ને.. કચવાતા મને ભોગીલાલે પૈસા તો ગણી આપ્યા પણ..એમ્યુલન્સવાળાને જોઈ મનમાંથી અવાજ નીકળ્યો..
* સાલા બધાં લૂંટે જ છે *
૨. : એમ્યુલન્સવાળાને ઓળખાણ હતી એટલે એની પત્નીને બેડ તો મળી ગયો.. પણ રેમડેસિવિરના છ ઈન્જેકશન શોધતા નાકે દમ આવી ગયો.. લીંક મળી. પણ એક ઈન્જેક્શન દસ હજાર રુપિયા? પાંચ દિવસની બધી કમાણી પેલી કાળા બજાર કરતી નર્સને આપી દીધી.. એમ્યુલન્સવાળાની આંખો ભીની હતી. તેના મનમાંથી એક અવાજ નીકળ્યો..
*સાલા બધાં લૂંટે જ છે *
૩. : નર્સનો સગો બાપ વેન્ટિલેટર ઉપર હતો.. ઓક્સિજન ખતમ થવા આવ્યો હતો.. નર્સને બાટલો તો મળ્યો.. પણ ભાવ ચીરી નાંખે તેવો હતો… હમણાં પર્સમા ઉભરાયેલા પૈસા ઓક્સિજનવાળાને ઠાલવી. નર્સે પોતાનો સગા બાપનો જીવ બચાવી લીધો.. પણ ઓક્સિજનના ભરેલા બાટલાને જોઈને નર્સના મનમા એક જ અવાજ નીકળ્યો
*સાલા બધાં લૂંટે જ છે *
૪. : ઓક્સિજનવાળાના એકના એક છોકરાને આજે વીસ દિવસ પછી રજા મળવાની હતી.. ડોકટરનું બિલ જોઈને એની આંખો પહોળી થઇ ગઈ.. પણ હ્દય કાઠું કરીને ઓક્સિજનવાળાએ બિલ ચુક્યુ.. અંતરમાંથી ડોક્ટરને માટે એક જ અવાજ નીકળ્યો
*સાલા બધાં લૂંટે જ છે *
૫. : આખરે આરોગ્ય તંત્રવાળાએ ડોક્ટરને રંગે હાથ પકડી જ લીધા.. કોરોનાના ખોટા બિલ બનાવતા.. તપાસ કરતા આ હોસ્પિટલની ઘણી ગેરરીતિ પકડાઈ.. કેસ તો અધિકારીએ રાબેતા મુજબ દબાવી દીધો.. પણ ડોક્ટરની વર્ષભરની કમાઈ તપાસ અધિકારી ખાઈ ગયો.. પેલા તપાસ અધિકારીએ રોકડા લઇને જયાં પૂંઠ ફેરવી કે ડોક્ટરે ધીમા અવાજે કહયુ.
*સાલા બધાં લૂંટે જ છે *
૬. : અરે… અંતિમ સંસ્કાર કરવાના આટલા પૈસા હોતા હશે.. પોતાની સગી માતાના અગ્નિસંસ્કાર કરવા આવેલ પેલો તપાસ અધિકારી ગુસ્સે ભરાયો… પણ તપાસ અધિકારી સિસ્ટમને સમજતો હતો… અંતિમ સંસ્કાર કરનારનું ગળું દબાવી નાંખવાનું અધિકારીને મન થઈ થઈ આવ્યુ.. “અસ્થિફુલ ઘરે આપવા આવવુ પડશે..” એવી શરત રાખીને તપાસ અધિકારીએ નાણા ગણી આપ્યા.. પેલો સ્મશાનવાળો નાણા ગણી રહ્યો ત્યારે જ પેલા તપાસઅધિકારીનું અંતર બોલી ઉઠયું..
*સાલા બધાં લૂંટે જ છે *
૭. : સ્મશાનવાળો હજી પૈસા ગણી જ રહ્યો હતો.. ત્યાં જ એની પત્નીએ આવીને કહયું: ઝટ એમ્યુલન્સવાળાને ફોન કરો.. આપણી ઢબુ શ્વાસ નથી લઈ શકતી.. સ્મશાનવાળાએ એમ્યુલન્સવાળાને ફોન લગાવ્યો…
ચક્ર ચાલતુંજ રહેવાનું છે.
આ કર્મનો સિદ્ધાંત છે.
કર્મ કોઈને છોડતો નથી, જે વાવશે એ જ લણશે


















































