“ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”… મિત્રો આ વાક્ય સાંભળતાની સાથે જ આપણી આંખ સમક્ષ એક મહાન યુગદ્રષ્ટા નું વ્યક્તિત્વ સામે આવી જાય છે.
આ મહાપુરુષ એટલે સ્વામી વિવેકાનંદ , એક એવા વ્યક્તિ જે પોતાની અદ્ભુત વાકછટા અને વિરલ જ્ઞાન વૈભવ માટે દુનિયાભર માં આજે પણ જાણીતા છે.
બંગાળમાં જન્મેલ નરેન્દ્રનાથ થી શરૂ થઈને સ્વામી વિવેકાનંદ સુધીની તેઓની જીવન સફર આપણા સૌ માટે એક સંદેશા સમાન છે. સ્વામી વિવેકાનંદ જેટલા મહાન વ્યક્તિત્વ માટે કોઈ પરિચયની જરૂર નથી હોતી, તેઓના વિચારો અને સિદ્ધાંતો હંમેશા આપણા દેશ અને વિશ્વના બીજા દેશોને તેઓની કીર્તિ ગાથા સંભળાવતા રહે છે.
આધ્યાત્મ સાથે સંકળાયેલ હોવા છતાં તેઓએ હંમેશા રાષ્ટ્રભક્તિને મહત્વ આપ્યું છે. સ્વામી વિવેકાનંદજી એ દેશ પર્યટન સમયે વ્યાપેલ અજ્ઞાન , ગરીબી , આત્મવિશ્વાસ ની દુર્બળતા જેવી અનેક પરિસ્થતિ થી આપણા દેશને ઘેરાયેલો જોયો ત્યાર પછી આ બધીજ સમસ્યાના ઉકેલ માટે તેઓએ પોતાના સન્યાસી જીવનમાં રાષ્ટ્રભક્તિ ના દર્શન કર્યા.
સ્વામી વિવેકનંદ માનતા હતા કે દેશની ગંભીર સમસ્યાઓને ઉકેલવા જો કોઈ પૂર્ણ સક્ષમ છે તો એ છે આપણા દેશનો યુવા વર્ગ. તેઓનું માનવું હતું કે દેશ અને વિશ્વમાં સમાજ સુધારણા અને અન્ય સમસ્યાનો નો ઉકેલ લાવવા માટે પ્રબળ ઈચ્છાશક્તિ અને અતુલ્ય આત્મવિશ્વાસ ધરાવતા યુવાનો ની જરૂર છે. યુવા શક્તિ આપણા દેશની અમૂલ્ય સંપત્તિ છે, જો તેનો ઉપયોગ રાષ્ટ્રહિત માટે થાય તો આપણો દેશ પ્રગતિના અનેક ઉચ્ચ શિખર પ્રાપ્ત કરી શકે છે.
આજે આપણા દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદના વિચારોનું આચમન કરવાની ખૂબ જરૂર છે. આજનો યુવાન બંધાયેલી વિચાર ક્ષમતા જીવી રહ્યો છે. જ્યારે જીવનમાં યુવા અવસ્થાની શરૂઆત થાય ત્યારથી મજબૂત મન બનાવીને જવાબદારીઓને પોતાના ઉપર લેવી આવશ્યક છે. દેશની પ્રગતિ માટે યુવા વર્ગની એકતા મહત્વની છે એ માટે અંદરોઅંદર થઈ રહેલા કલહને સંપૂર્ણ પણે બંધ કરવો જરૂરી છે. યુવાન તરીકે રાષ્ટ્ર સેવા કરવી એ આપણા સૌનું કર્તવ્ય છે, અને એ માટે મન માં રહેલો અહંકાર, અસમાનતાની ભાવનાઓ , ડર , વિકારો આ બધાને પોતાની અંદરથી બહાર હાંકી કાઢવું જરૂરી છે. એક યુવાનને પોતાની ક્ષમતા પર આત્મવિશ્વાસ ની સાથે સાથે ધૈર્ય ધારણ કરવાની શકિત અને વિવેક ખૂબ જ જરૂરી છે. ઉચ્ચ વિચાર ક્ષમતા, પ્રબળ ઈચ્છશક્તિ , જ્ઞાન, આત્મવિશ્વાસ , ધીરજ , વિવેક , ઉત્સાહ નો સમન્વય એટલે યુવાન અને આવા યુવાનો પાસેથી રાષ્ટ્ર ઘણીબધી અપેક્ષાઓ રાખીને બેઠું છે. સૌ યુવાનોએ એક થઈને રાષ્ટ્રની અપેક્ષાઓને સાર્થક બનાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરવા જોઈએ.
પોતાના અંદરની ક્ષમતાને ઉજાગર કરવી અને તેને રાષ્ટ્રહિતમાં સમર્પિત કરવી એ આજના યુવા વર્ગ માટે અનિવાર્ય છે. આપણા સૌના અંતરાત્મામાં વસેલા સ્વામી વિવેકાનંદ ને ઓળખવા માટે જરૂર છે બસ પોતાની ઈચ્છા શક્તિ અને જ્ઞાનને ઓળખી રાષ્ટ્રહિત માટે સાચી દિશા આપવાની. સફળતાં અને ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની તમામ જરૂરિયાત અને મદદ તમારા અંતરમન માંજ રહેલી છે , બસ જરૂર છે તેને ઓળખીને જાતે જ પોતાનું એક ઉજ્જવળ ભવિષ્યની રચના કરવાની.
“જ્ઞાન એ જીવન અને અજ્ઞાન એ મૃત્યુ” સ્વામી વિવેકાનંદના આ વિચારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું, અને એક યુવાન તરીકે રાષ્ટ્રહિત માં પોતાનું યોગદાન આપવા માટે , હું ઈચ્છું છું કે મારાથી બનતા પ્રયત્નો કરીને સાચા જ્ઞાનનું પ્રસરણ કરું. મારું ભવિષ્ય એક તબીબ તરીકે રહેવાનું છે ત્યારે, પ્રથમ તો પૂર્ણ નિષ્ઠાથી આ કર્તવ્ય નિભાવીને મારી ફરજ પૂર્ણ કરીશ. જેમ આજે આંદોલનો કે ભૂખ હડતાળ માટે યુવાવર્ગ એક થઈ રહ્યો છે એની જગ્યાએ જો રાષ્ટ્રહિત ના કાર્યો માટે આ યુવાવર્ગ એક થઈ જશે તો ભૂખ હડતાળ કે આંદોલનો કરવાની નોબત જ નહી આવે. હું શક્યતા કરતાં વધારે આત્મવિશ્વસપૂર્વક કોઈપણ બાબતની સાર્થકતા માં માનું છું, અને એક યુવા જૂથ બનાવીને દેશહિતમાં કાર્ય કરવાની મારામાં પ્રબળ ઈચ્છા છે. પોતાના કાર્યક્ષેત્રમાં રહેલા યુવાનોને એકજૂથ કરીને તબીબી વિભાગની સમસ્યાઓનો ઉકેલ એ પણ મારું એક સ્વપ્ન છે. મારા સાથી મિત્રો અને અન્ય તબીબ મિત્રોના સહકારથી થી હું ગરીબ અને સામાન્ય વર્ગને ઉચ્ચતમ કક્ષાની તબીબી સેવા આપવા ઈચ્છું છું તથા અનાથ બાળકોના શિક્ષણ અને શારીરિક વિકાસ ને મહત્વ આપીને દેશને એક ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત થાય એવી મારી કામના રહી છે. હાલમાં માતૃભાષાના ઘટતા મહત્વને ધ્યાનમા રાખી હું સાહીત્ય ક્ષેત્રે સેવા આપીને લોકોમાં સરળ માં સરળ રીતે માતૃભાષા અને સાહિત્યનું મહત્વ જળવાઈ રહે એવા પ્રયત્નો કરતો રહીશ.
મહાન યુગદ્રષ્ટા અને યુવાનોમાં પ્રેરણા સ્વરૂપ સ્વામી વિવેકાનંદજી ને કોટી કોટી પ્રણામ કરતા હું મારી વાત અહીં પૂર્ણ કરું છું.
જય હિંદ
ધ્રુવ પટેલ(અચલ)


















































