છેલ્લા એક મહિનાથી કોરોનાએ દેશમાં હાહાકાર મચાવી દીધો છે. એવામાં રોજ સમાચાર, સોશિયલમીડિયા અને બજારમાં તેમજ ચાની લારી અને પાનના ગલ્લે ફક્ત કોરોનાની જ વાતું થાય છે, અને ભયનો માહોલ ફેલાયો છે. આવાં સમયે નકારાત્મક વિચારો છોડી સકારાત્મક વિચારો લાવવાની ખુબજ જરૂર છે.
રોજ કેટલાં મર્યા, કેટલા પોઝિટિવ થયાં એ જોવાં કરતાં આજે કેટલાં સાજા થઈ ઘરે ગયાં તે જોવાની જરૂર છે, ખરેખર જો સાજા થવાનો આંકડો જોશો તો તે મોત ના આકડાંથી વધું છે જ પણ આપણું ધ્યાન હમેશાં કેટલાં મૃત્યુ થાય છે તેનાં પર જાય છે. આની સીધી અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય પર થાય છે, પછી મનમાં ડર લાગે છે કે મને પણ કોરોના થશે તો મને કંઇક થશે તો, અત્યારે ચિંતા કરવી જોઈએ પણ કોઈ પણ ચિંતા હોય તો તેનું સમાધાન કરવાનું હોય, જેમ કે કોરોનામાં તો બધાને ખબર છે કે આપણે શું કરવું જોઇએ તેથી તેનાં વિશે હું કંઈ નહીં કહું પણ આપણે મન પ્રફુલ્લિત રાખવા શું કરવું જોઈએ તેની એક રીત કહીશ.
સૌ પ્રથમ તો સવારે ઊઠીને તમે તમારા આરાધ્યની પૂજા કરી મન શાંત કરો, પછી નિત્યક્રમ અને દર એક – દોઢ કલાકના અંતરે કંઇક ને કંઈક ખાઈ લેવું જેથી શારિરીક સ્વાસ્થ્ય જળવાઈ રહે. પછી મનગમતું સંગીત સાંભળવું જેથી મન પ્રફુલ્લિત થાય, અને એકવાર તો વિચારો કે આપણે વર્ષોથી એકધારું મશીનની જેમ કામ કર્યું છે, આ સમય પરિવાર સાથે યાદગાર બનાવો, અલગ અલગ જૂની રમતો રમવી, જૂની વાતોને યાદ કરવી, મેળામાં ચડાવી દીધેલ જુના ફોટા ઉતારી સાથે બેસીને જોવા, નવી નવી વાનગી સાથે મળીને બનાવવી, આ રીતે જો દરેક દિવસ યાદગાર બનાવો જેથી નકારાત્મક ઉર્જા મનમાં આવી જ નાં શકે.
બહારની પરિસ્થિતિ ગંભીર છે જ પણ તેની ગંભીરતા સમજી ઘરમાં રહેવું જ વધારે સાવધાની ભર્યું છે, જીવનમાં કોઈ સમય કાયમી ધોરણે રહેતો નથી તેથી “આ સમય પણ જતો રહેશે” એવો દ્રઢ વિશ્વાસ રાખો અને આપણી આજુબાજુનું વાતાવરણ પણ હકારાત્મક રાખો.
ઘરમાં કોઈ સભ્યો કોરોના સંક્રમિત થાય તો હિંમત સાથે પરિસ્થિતિનો સામનો કરો. આપણે ભારતીય લાગણીશીલ હોઈએ છીએ એટલે જ કોઈ બીમાર પડે તો તેને જોવાં જવાની પ્રથા છે પણ આ સમય લાગણીને તાકાતમાં પરિવર્તિત કરવાનો છે એટલે કોઈ નજીકના બીમાર પડે તો તેને એક પણ જીવન જરૂરી વસ્તુની અછત નાં સર્જાય તેનું ધ્યાન રાખો. તેને રોજ એક વાર ફોનથી ખબર પૂછી હિંમત આપો કે બધું બરાબર થઇ જશે પણ તેને બીવડાવો બીલકુલ નહિ, ઘણાં બીમારને ફોન કરીને બીવડાવતાં પણ હોય કે ફલાણાની મૃત્યુ થઈ, આવી બધી ચર્ચાથી દૂર રહો કારણ કોરોના કરતા કોરોનાનો ભય વધારે જીવ લે છે. કોરોનામાં મૃત્યુ પામેલાં દરેક કાં તો ડરથી કાં તો સાથે બીજી કોઈ બીમારી હોય તો જ મર્યા હોય છે તેથી જેમ બને તેમ વધુમાં વધુ સકારાત્મક ઊર્જા ફેલાવો. આજે પણ હજુ સાજા થવાનો આંકડો વધું છે તેથી ગભરાવાની નહિં પણ હિંમત અને તકેદારીની જરૂર છે. ફક્ત દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.
“ફિર સે મુસ્કુરાયેગા ઇન્ડિયા”
મનિષા સેજપાલ
Related