“મમ્મી, જલ્દી આવો!!”
સુરેશે ઊંઘમાંથી ઉઠીને, આંખ ખોલતા પહેલા જ બૂમ પાડી. કેરોસીનથી ઘસ્યા પછી પણ, હજી એના શરીર ઉપર રંગના ધબ્બા હતા અને આંખો ખંજવાળ કરી કરીને લાલ થઈ ગઈ હતી.
“મમ્મી પ્લીઝ!!”
સરિતા, દિકરાની ચીસ સાંભળીને દોડતી આવી.
“શું થયું સુરેશ?”
“કાંઈક કરો મમ્મી! મારી આંખો બળી રહી છે અને આખા શરીરમાં ખંજવાળ ઉપડી રહી છે.”
સરિતાએ જોયું કે સુરેશની ત્વચા પર લાલ ઢીમચા થઈ ગયા હતા. એ સમજી ગઈ કે આ હોળીના રંગોથી થયું છે. જરૂર કોઈ એ ગુલાલ સિવાય કાંઈક બીજું લગાડ્યું હશે.
“ચાલ, હું તારી મદદ કરું છું, તને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવો પડશે.”
“પણ મમ્મી આજે મારી ઈંગ્લીશની ટેસ્ટ છે!”
“બેટા, આ અવસ્થામાં તું સ્કૂલ કેવી રીતે જઈશ?”
————-
હોળીના બીજા દિવસે આ બનાવ બન્યો. સરિતાએ નક્કી કર્યું કે સુરેશને ડોક્ટર પાસે લઈ ગયા પછી, એ સોસાઈટીના સેક્રેટરીને ફરિયાદ કરવા જશે. દસ વર્ષના સુરેશની પીડા જોઈને સરિતાને દુઃખ તો થયું, પણ સાથે ગુસ્સો પણ આવ્યો.
ડૉક્ટરની ફીઝ અને દવા મળીને હજાર રૂપિયા થઈ ગયા. ડૉક્ટર પાસેથી આવ્યા પછી, ઘરે જવાના બદલે, સરિતા સુરેશને લઈને સીધી સેક્રેટરીના ઘરે ગઈ.
“અમિત ભાઈ આ બહુ ખોટું થયું છે. ડૉક્ટરના પૈસા તો જવા દયો, પણ મારા દીકરાની પીડા જુવો અને એની ટેસ્ટ મિસ થઈ, એ અલગ.”
શોધ-તપાસ કરી અને ચોકીદાર પાસે સોસાઈટી કમ્પાઉન્ડ સાફ કરાવડાવ્યું. એક તૂટેલો અને ખાલી લાલ ઓઇલ પેન્ટ્સનો ડબ્બો ગુલાલના પાણીના ટબ પાસેથી મળ્યો. પૂછપરછ કરતા ખબર પડી, કે બહારથી અમુક અજાણ્યા છોકરાઓ પણ હોળી રમવા આવ્યા હતા.
અમિત ભાઈએ ચોકીદારની લાપરવાહી માટે એને ઠપકો આપતા, ભવિષ્યમાં વધુ સચેત રહેવાનો આદેશ આપ્યો.
“સરિતા બહેન, માફ કરજો. આ બેદરકારીની જવાબદારી હું લઉં છું. આપણી સોસાઈટીના કાયદા વધુ કડક કરવા પડશે. હું તમને આશ્વસન આપું છું, કે ભવિષ્યમાં આવું ફરી નહીં થાય.”
“આભાર. બીજા પરિવારોમાં પણ પૂછી લેજો કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો.”
“હા, જરૂર.” એમ કહી અમિત ભાઈ સોસાઈટીના ચેરમેને મળવા ગયા.
શમીમ મર્ચન્ટ


















































