કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન રેમડેસિવિરની માંગમાં તીવ્ર વધારો થયો છે. હોસ્પિટલો અને દવાની દુકાનોમાં તેની અછત સર્જાઈ છે ત્યારે કેન્દ્ર દ્વારા કોરોનાની સારવાર માટેનાં આ મહત્ત્વનાં ઈન્જેક્શનની સરળ પ્રાપ્તિ માટે પગલાં લેવામાં આવ્યા છે. માંગ વધતા દેશમાં બે અઠવાડિયામાં દરરોજ ૩ લાખ વાયલ્સ રેમડેસિવિરનું ઉત્પાદન કરવામાં આવશે. રેમડેસિવિરનું દરરોજ ખુલ્લા બજારમાં વેચાણ કરાશે. હાલ બજારમાં દરરોજ ૧.૫ લાખ વાયલ્સનો પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે તેમ કેન્દ્રનાં કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
માંડવિયાએ કહ્યું કે રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા અને ભાવ ઘટાડવા સરકાર દ્વારા સતત પ્રયાસો કરાયા છે. દેશમાં આજથી રેમડેસિવિરનું દરરોજ ૧,૫૦,૦૦૦ વાયલ્સનું ઉત્પાદન શરૂ કરાયું છે. આગામી ૧૫ દિવસમાં ઉત્પાદન બમણું કરીને રોજનાં ૩ લાખ વાયલ્સનું કરાશે. જે માર્કેટમાં ઉપલબ્ધ કરાશે.
હાલ દેશમાં રેમડેસિવિરનું ઉત્પાદન કરતા ૨૦ પ્લાન્ટ સક્રિય છે. ભારત સરકાર દ્વારા વધુ ૨૦ પ્લાન્ટમાં ઉત્પાદન કરવા મંજૂરી અપાઈ છે. સરકાર આગામી દિવસોમાં ઉત્પાદનમાં સતત વધારો કરતી રહેશે. રેમડેસિવિર બનાવતી તમામ કંપનીઓ અને ઉત્પાદકો સાથે સરકારે વાતચીત કરી છે અને તમામ કંપનીઓએ શનિવારે તેનાં રિટેલ ભાવ રૂ. ૫૦૦૦ થી ઘટાડીને રૂ. ૩૫૦૦ કરતા પણ ઓછા કર્યા છે. અગ્રણી દવા ઉત્પાદક કંપનીઓ દ્વારા તેનાં છૂટક વેચાણ ભાવમાં ઘટાડો જાહેર કરાયો છે.
VR Sunil Gohil


















































