પ્રભુ રચિત આ સુંદર દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે કર્યો કરે છે.આપણે આપણો ઇતિહાસ જોઈએ તો ઘણા મહાન લોકો એ અલગ-અલગ દેશોમાં શાસન કરીને મહાસત્તા ઉપર રાજ કર્યું છે.ઉદાહરણ તરીકે લઇએ તો અડોલ્ફ હિટલર જે દુનિયાનો સૌથી મોટો તાનાશાહ તરીકે ઓળખાય છે.તેનામાં લાખો લોકોને વશ કરવાની ખુબ મોટી આવડત હતી.જેથી તે મહાસત્તા ઉપર રાજ કરી શક્યો હતો.આવા તો ઘણા બધા ઉદાહરણો છે.આખી દુનિયા ઉપર રાજ કરવું સહેલું છે.લાખો લોકોને વશ કરવા સહેલા છે,પરંતુ એક વસ્તુ એવી છે કે જેના ઉપર આપણે આપણી ઈચ્છા પ્રમાણે સંયમ કેળવી શકીએ છીએ ,છતાં પણ તેમાં સંયમ કેળવવો ખુબ અઘરો છે.તેનો સંયમ આપણા હાથમાં હોવા છતાં આપણે નથી કરતા એ છે આપણું મન! અડોલ્ફ હિટલર પોતે પોતાનામાં રહેલી ઘણી આવડતોને લીધે મહાસત્તા ધારણ કરી શકયા હતા.પરંતુ તે પોતાના મનને વશ ન કરી શકયા,તેના ઉપર સંયમ ન કેળવી શક્યા અને અંતે આટલી મહાસત્તા હાંસલ કાર્ય છતાય તેમણે પોતાની જાતને ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું.એક કહેવત અહી એકદમ સાચી પડે છે કે “જો આપણે આપણા મનને વશ ના કરી શકીએ,તેના ઉપર સંયમ ના કેળવી શકીએ તો બધી આવડત અહી નકામી પડે છે.”
એક સત્ય હકીકત તો એ છે કે આપણે આપણા મનના ગુલામ બની ગયા છીએ.મનને એક આરામની જિંદગી ,સંઘર્ષ વિનાનું જીવન,દરેક જાતના મોજશોખ પુરા કરી શકીએ તેવું જીવન જોઈએ છે.પરંતુ આવા જીવનમાં આપણે શું પામી શકીશું? મારા ગુરુજી હમેશા એક વાત કહે છે કે “જવું છે હિમાલય અને નાવું છે ગરમ પાણીથી “હિમાલય પર્વત ચડવા જવાનો હોય અને ઘરે રોજ ગરમ પાણીથી ન્હાય તો કેવી રીતે હિમાલય પર્વત ચડાય? એક કહેવત છે ને કે કઈક મેળવવા માટે કઈક ખોવું પડે છે પરંતુ મજાની વાત એ છે કે આપણે પામવા બધું જ માંગીએ છીએ પણ કોઈ વસ્તુ ખોવા નથી માંગતા.અમુક કલાકની ઊંઘ પણ ખોવી આપણને નથી ગમતી તો બીજું તો શું આપણે ખોઈ શકીશું? આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખુદનું પોતાના અંગત જીવન માટેનું કડક અનુશાશન,એમના નિયમો,એમની ધગશ,એમનો સંઘર્ષ આ દરેક બાબતોને લઈને આજે એ વિશ્વભરમાં એક ભારત દેશના વડાપ્રધાન તરીકે પ્રખ્યાત છે.એનું એક જ નાનું રહસ્ય છે,તેમનો પોતાન મન ઉપર અંકુશ.દરેક કાર્ય સમયસર કરવાની વાત હોય કે પોતાના કોઈ અંગત કાર્યો હોય, દરેક વસ્તુ અંકુશમાં રાખીને કરે છે.સાદું ભોજન અને ઓછી પ્રમાણની નિંદ્રા લઈને પણ તે આખા દેશને ચલાવવા સક્ષમ બની શક્યા છે.એક વિદ્યાર્થી તરીકે જો આપણે આપણા મોજ-શોખ,આપણી ઊંઘ ઉપર અંકુશ રાખીશુ તો જ એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બની શકીશું અને જીવનને એક ઉજળા ભવિષ્ય તરફ લઇ જઈ શકીશું.ભગવાનને રાત-દિવસ પ્રાથના કરીએ કે મને પાસ કરાવી દેજો પરંતુ વગર મહેનતે તો ભગવાન પણ કેવી રીતે મદદ કરે? આપણે મનને એક ક્ષણ પણ વશ નથી કરી શકતા તો ભગવાન આપણાથી કેવી રીતે વશ થાય? રાત-દિવસ ધૂમ્રપાન કરનાર વ્યક્તિ હવે કેન્સરની નજીક જઈ રહ્યો છે એવું ખ્યાલ પડતા જ જો તે વ્યસનથી દુર થઈ જાય છે તો જરૂર મહાભયંકર બીમારીથી એ જ્જુમી શકશે.પરંતુ જો તમે ધૂમ્રપાન કરવાનું છોડશો જ નહી તો તે જરૂર તમારા માટે જીવલેણ સાબિત થશે.આપણે ઘણીવાર એવા બહાના કરીએ છીએ કે મારું મન કહે છે કે મારાથી આ નહી થાય! અરે શું ન થાય? પ્રભુ એ આપણને આટલો સરસ મનુષ્ય જન્મ આપ્યો છે,એકદમ રુષ્ટ-પૃષ્ટ છીએ તો શું ન કરી શકીએ? હમણાં જ મેં એક કિસ્સો સાંભળેલો કે જે એક સત્ય ઘટના છે.ઉત્તરપ્રદેશના એક ગામમાં રહેતી અરુનીમાં સિંહા નામની એક છોકરી જે ફૂટબોલની સ્ટેટ લેવલની ચેમ્પિયન હતી.એક હાદસામાં તે પોતાના બન્ને પગ ગુમાવી દે છે.અકસ્માતના સમયે સતત આઠ કલાક પીડાથી કણસે છે અને આઠ કલાક પછી તેને સારવાર મળે છે.આ અકસ્માતમાં તેના પગ ગુમાવ્યા હોવા છતાય તે પોતાનું મનોબળ નથી હારતી .શારીરિક ખામી થઇ જવા છતાય તે પોતાની જાતને મજબુત કરે છે.ભગવાને તેને આટલા મોટા અકસ્માત પછી પણ જીવતી રાખી,કોઈ ખાસ હેતુથી જ તેને ફરી આ અણમોલ જીવન મળ્યું છે એવો તે વિચાર કરે છે અને એક લક્ષ્યાંક, એક હેતુ નક્કી કરે છે.એ લક્ષ્યાંક હતું mount Everest ચડવાનું! તંદુરસ્ત શરીર સાથે પણ અશક્ય લાગતું આ લક્ષ્યાંક શું આ ખામી સાથે પૂરું કરી શકાય? હા! તે આ છોકરી એ સાબિત કર્યું. Mount Everest ચડતી વખતે પોતાની સાથે સપોર્ટ માટે જે વ્યક્તિને લઇ જાય છે, તે ટોચ પર પહોચવાના જ હોય છે અને એ માણસ હિમ્મત હારી જાય છે.તે જણાવે છે કે મારાથી હવે આગળ નહી જવાય.પરંતુ જીવનમાં કઈક તો કરવું જ છે આ ધ્યેય સાથે પોતાની શારીરિક ખામીને પણ અવગણીને એકલા હાથે બધો જ સામાન લઈને Mount Everestની એ ચોટી સુધી પહોંચે છે.અશક્ય દેખાતા પોતાના આ લક્ષ્યાંકને એ પૂર્ણ કરે છે.તેણે પોતાના મનને જીતવા નાદીધું અને એ વિચાર પણ ના આવવા દીધો કે હું નહી કરી શકું? જો આટલી બધી સમસ્યાઓ સામે લડીને પણ તે પોતાનું લક્ષ્યાંક પૂર્ણ કરે છે તો આપણે એક સારી શરૂઆત પણ ના કરી શકીએ? તમારામાં રહેલી તમારી ખામીઓને તમારી તાકાત બનાવી દો.મનમાંથી નીકળતી નકારાત્મક વાતો સાંભળવાનું બંધ કરી દો.એક અપંગ વ્યક્તિ આટલો દુનિયાનો સૌથી મોટો પર્વત ચડી શકે છે,કારણ છે”માણસ શરીરથી નહી પણ મનથી અપંગ હોય” જે મનથી વિકલાંગ થઇ ગયું તે હમેશા માટે વિકલાંગ થઇ ગયું એમ સમજજો.
“મન માણસને આબાદ પણ કરી શકે છે અને મન માણસણે બરબાદ પણ કરી શકે છે.હવે આપણા ઉપર નિર્ભર છે કે આપણે મનને વશ કરવું છે કે મન જેમ કરે તેમ કરવા દેવું છે.આપણને ખ્યાલ જ છે કે જે કોઈ વસ્તુ કે પરીસ્તિથિ આપણને ખોટું કરવા તરફ પ્રેરે છે, તો જાણી જોઇને શા માટે આપણે આપણા મનને વશ થઈએ છીએ.એક સ્ત્રી કોઈ બીજી સ્ત્રીના સારા કપડા કે ઘરેણા જુએ તરત જ તેનું મન એ વસ્તુઓ ખરીદવા તેને પ્રેરે છે પરંતુ દરેક વખતે આપણે એ વસ્તુઓ ખરીદવા સક્ષમ ના પણ હોઈએ.છતાય મનને કેમ વશ નથી કરી શકતા? અને કોઈપણ ભોગે એ વસ્તુઓ પામવા કેમ ઈચ્છીએ છીએ? ગમે તેટલું ધન ભગવાને આપ્યું હોય છતાંય આપણા શોખ ઘણીવાર આપણને પાયમાલ કરી નાંખે છે.મનની શું હિંમત કે દરેક વખતે આપણી પાસે પોતાનું ધાર્યું કરાવી જાય.ચલચિત્રમાં અભિનય કરનાર અભિનેત્રીના કપડા જોઇને કેમ દરેક વખતે આપણું મન લલચાય છે? તેણી તો અભિનય કરે છે અને એના ભાગ રૂપે એવા કપડા અને ઘરેણાં પહેરે છે.એમનું અનુકરણ કરવું આપણા માટે કેટલા અંશે યોગ્ય છે?ઘરમાં ગમે તેટલા કપડા કબાટમાં હોય,અવનવા ચંપલની ઘરમાં હારમાળા લાગી હોય છતાય નવી ફેશન આવતા જ કઈક નવું ખરીદવાનું મન કેમ થાય છે? આટલી વસ્તુઓ હોવા છતાંય આપણે આપણા મનને કેમ નથી રોકી શકતા?
જીવનમાં ખરેખર જો કઈક પામવું હોય તો આવા મોજશોખ પાછળ સમય ન વેડફો.ભવિષ્યને ઉજ્જવળ બનાવાનો પ્રયત્ન કરો.સમય વહી ન જાય એની ખાસ તકેદારી રાખો અને મનની ગુલામીમાથી પોતાની જાતને આઝાદ કરી દો.
~ ઉર્વશી બ્રહ્મભટ્ટ