હાશ!! બીજા બધાના વિશે ખૂબ લખ્યું. આજે મારા
વિશે કાંઈક લખવાનો મોકો મળ્યો.
“એક કલમ તલવાર કરતા વધુ તાકતવર હોય છે.”
આ પ્રખ્યાત કહેવત તમે બધાએ સાંભળી જ હશે. અને સાચી પણ છે. હું એક કલમ છું; મારી શાહીમાં તખ તો તાજ બદલવાની શક્તિ છે. પણ આ વાત એના પર નિર્ભર કરે છે, કે હું કોના હાથમાં છું, અને એણે મારો સદુપયોગ કર્યો કે પછી દુરૂપયોગ. છું તો ફક્ત એક સાધારણ કલમ. ઘરમાં, ઓફિસમાં અને બીજી ઘણી જગ્યાએ અનાથની જેમ રખડતી હોઉં. એટલી મામુલી વસ્તુ છું, કે જરૂરત સિવાય, મારા પર કોઈનું ધ્યાન પણ નથી જતું પણ જ્યારે એક જવાબદાર વ્યક્તિના હાથમાં આવું, ત્યારે મારો પોતાનો તાવ કંઈક જુદો જ હોય છે. મારા માલિકની સાથે, મારી પણ જવાબદારી બની જાય છે, કે જે લખું, સાચું અને શ્રેષ્ઠ લખું.
તમને ખબર છે, મારા સૌથી પ્રિય લોકો કોણ છે? છાત્રો, લેખક, પત્રકાર, જજ અને ડોક્ટર. આ લોકો મારો એકદમ સાચો અને સારો ઉપયોગ કરે છે. એમના હાથમાં હોઉં છું, તો મને પોતાને ગર્વ થાય છે. માનો, મારા વગર એ લોકોની જિંદગી જાણે અધૂરી હોય.
તદઉપરાંત, આ આધુનિક સમયકાળમાં, મારા બે મોટા દુશ્મન આવી ગયા છે, જેણે મારી કિંમત સાવ ઘટાડી નાખી. એક છે કોમ્યુટર અને બીજો છે મોબાઈલ ફોન. જો બધું કામ ટપટપ બટન દબાવવાથી થતું હોય, તો કલમનો ઉપયોગ કોણ કરે? છાત્રો પાસેથી એક આશા બાકી હતી. પણ ઓનલાઈન સ્કૂલે મારી પથારી ફેરવી નાખી.
અરે ભલા માણસ!! ક્યારેક મને ઉપાડીને મારા મિત્ર કાગળ સાથે મારો ભેટો કર, અને પછી જો મજા! એ સુગંધ અને એ લખવાની મજા, એની લય જ કંઈક જુદી હોય છે પણ એક વસ્તુની મને ધરપત છે. જમાનો કેટલો પણ આગળ વધી જાય, મારી જરૂરત ક્યાંય ને ક્યાંય તો રહેશે જ. મારી જરૂરત ક્યારે પણ શૂન્ય નહીં થાય.
આજ પછી જયારે પણ કલમ હાથમાં લ્યો, તો મારી આ આત્મકથા જરૂર યાદ કરજો. આવજો….
શમીમ મર્ચન્ટ


















































