છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યભરના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. શનિવારે પણ માઉન્ટ આબુ, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડયાં હતા. બીજી તરફ હજુ આગામી બે દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, દિવ અને કચ્છમાં માવઠું થશે. સોમવારે મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. ધનસુરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
આબુરોડમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે એકાએક કમોસમી વરસાદ પડયો હતો. સાથે બરફના કરા પડવાથી લોકોમાં કૌતુક સર્જાયુ હતું. બપોર સુધી અંગ દઝાડતી અને લું આંકતી ગરમીના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા. પવન સાથે વરસાદ પડવા લાગતાં અચાનક આવેલા વરસાદને કારણે બહાર પડેલા અનાજ અને સરસામાન પલળી જવાથી નુકશાન વેઠવું પડયુ હતુ અને જોતજોતામાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા.
VR Sunil Gohil


















































