સામાન્ય રીતે મનુષ્ય સતત સુખની શોધમાં રહે છે અને સુખની ઈચ્છા રાખનારને દુઃખ મળતા જ રહેતા હોય છે કેમ કે સુખ સ્વભાવથી જ આભાષી છે. આપણી અગણિત ઈચ્છાઓ, વાસનાઓ અને લોભને કારણે દુઃખ આપણું પ્રારબ્ધ બની જાય છે. વ્યક્તિના પોતાના કષાયો જેવા કે કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર અને ઈર્ષા તેને તનાવયુક્ત બનાવે છે. અગણિત ઇચ્છાઓ તેને દોડાવે છે અને સર્વેનું પૂર્ણ થવું અશક્ય હોવાથી અતૃપ્ત ઇચ્છા વ્યક્તિના તણાવમાં વધારો કરે છે. વળી ઈચ્છાઓ અગણિત હોવાને કારણે તેનો કોઇ અંત જ નથી અને આપણને કંઈ મળ્યાના આનંદ કરતાં શું હજુ નથી મળ્યું તેનો અફસોસ વધુ રહેતો હોય છે, ઉપરાંત ન મળ્યાની પાછળ દોડવામાં મળ્યાનું સુખ પણ જીવનમાં ભોગવી શકાતું નથી. વાસ્તવમાં સુખ એક સકારાત્મક સ્થિતિ છે. જે મેળવવા માટે સંતોષ અતિ આવશ્યક છે.
જે વ્યક્તિ સંતોષી જીવન જીવે, તમામ કષાયો કે દુર્ગુણોથી મુક્ત રહે, સ્વયંનો સ્વીકાર અને સંસારની તમામ પરિસ્થિતિઓનો ઈશ્વરઇચ્છા સમજી પ્રમાણિક હૃદયે સ્વીકાર કરે તો જીવનના તમામ આધિ-વ્યાધિ-ઉપાધિથી દૂર રહી શકે. શાંત અને સ્થિરતાના અનુભવ માટે ધ્યાન અને યોગ પણ ખુબ ઉપયોગી છે. જેના દ્વારા મન શાંત થાય છે, શરીરનું શિથિલીકરણ શક્ય બને છે, મેટાબોલિઝમ ધીમું પડે છે અને એજિંગ સ્લો થાય છે.
તનાવના મુખ્ય કારણો આ મુજબ છે.
૧) હું કહું એમ બધા કરે એવી ઈચ્છા
૨) કંઈક બનવાની અને કંઈક મેળવવાની ખ્વાઈશ
૩) પોતાના સુખ માટે અન્ય પર આધાર રાખવો અને સંબંધોમાં વધુ અપેક્ષાઓ રાખવી
૪) વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળને વાગોળવો અને ભવિષ્યના આયોજનો કરવા
5) વસ્તુ અને વ્યક્તિ માટેનો અતિશય મોહ કે આસક્તિ (મૃત્યુ વખતે પીડાનું કારણ પણ મોહ જ છે)
6) લોકોની પ્રતિક્રિયાને વધુ મહત્વ આપવું કે તે અંગેની ચિંતા કરવી જેમ કે હું આમ કરીશ તો લોકો શું કહેશે? એ લોકો મારા માટે શું વિચારશે? વગેરે
7) હીનભાવના એટલે પોતાની જાતને અન્યથી નબળી કે હલકી સમજવી એ તણાવનું મોટું કારણ છે.
8) અવાજનું પ્રદુષણ – વિજ્ઞાનના સંશોધનો જણાવે છે કે અવાજનું પ્રદૂષણ તણાવ વધારે છે.
9) ડર – જીવનમાં મળેલું ગુમાવવાનો ડર તણાવમાં હંમેશા વધારો કરે છે.
1૦) પારિવારિક કલહ અને કંકાસ કળિયુગમાં તણાવનું બહુ મોટું કારણ છે.
11) આત્મસંમોહન- આપણી વાત અન્યને સાચી ન લાગતા તે તેનું ખંડન કરે અને આપણો અહંકાર ઘવાય ત્યારે તણાવ અનુભવાય.
તનાવના ઉપર પ્રમાણેના કારણો જાણ્યા પછી સ્વાભાવિક જ એ પ્રશ્ન થાય કે તણાવયુક્ત મનુષ્ય કેવો હોય એટલે કે તણાવપીડિત વ્યક્તિના લક્ષણો કયા કે જેથી કરી આપણે આપણી જાતનું નિરીક્ષણ કરી સમજી શકીએ કે આપણે તણાવમાં છીએ કે નહીં, બાકી તણાવ દૂર કરવા તરફ અગ્રેસર થવાય ક્યાથી.

તનાવ પીડિત વ્યક્તિમાં ચોક્કસ પ્રકારના લક્ષણો જોવા મળે છે, જે નીચે મુજબ છે.|
1) અવ્યવસ્થિત શ્વાસ
2) તણાવયુક્ત માસપેશીઓ
૩) ચીડિયો સ્વભાવ
4) અતિશય ચિંતા અને હતાશા
5) વધુ પડતો ક્રોધ
6) ઓછી ઊંઘ
7) નિર્ણયશક્તિનો અભાવ
8) નબળી પાચનશક્તિ અને લોહીનું અનિયમિત ભ્રમણ
9) બેચેની અને કંઈપણ કરવાની ઈચ્છા ન થવી.
તનાવ માટે જવાબદાર કારણો તેમ જ તનાવગ્રસ્ત વ્યક્તિના લક્ષણોની જાણકારી મેળવ્યા બાદ સ્વાભાવિક ઈચ્છા થાય કે તનાવમુક્ત જીવન કેવી રીતે જીવાય, એનો જવાબ છે,
1) અહંકાર પેદા કરે તેવી વસ્તુઓથી દૂર રહેવું.
2) ભૂતકાળને ભૂલો અને ભવિષ્યની ચિંતાથી બચો.
3) કંઈક વધુ ને વધુ મેળવવાનો લોભ છોડી, સંતોષી જીવન જીવવું.
4) દરેક સંબંધમાં બધા તમારું કહ્યું કરે તેવી અપેક્ષા ન રાખવી.
5) સુખ બીજામાં ન શોધતા પોતાના અંતરમાં જ શોધવું.
6) કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો મોહ અને આસક્તિ ધીરે-ધીરે ઓછી કરવી.
7) લોકો શું કહેશે તેની ચિંતા છોડી પોતાને જાણવા અને સમજવાનો પ્રયત્ન કરવો.
8) જે છે તેને સ્વીકારવું તેમ જ હીનભાવના અને લઘુતાગ્રંથિથી બચવું.
9) આત્મવિશ્વાસ જગાડવો જેને માટે ધ્યાન ઉપયોગી છે.
10) અવાજના પ્રદૂષણથી શક્ય એટલું બચવું .
11) નિર્ભય બનવું, તમામ પ્રકારના ભયથી મુક્ત થતાં શીખવું (મૃત્યુના ભયથી પણ)
12) વધુ આત્મસંમોહન અને બીજાના સંમોહનથી બચવા પ્રયન્ત્શીલ રહેવું.
તનાવ એટલે આમ તો અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો ગેપ, આ ગેપ જેટલો મોટો એટલો તનાવ વધુ. જેથી જીવનમાં જે વ્યક્તિ અપેક્ષાઓને ઓછી કરી શકે અને વાસ્તવિકતાઓનો સહજ સ્વીકાર કરી શકે તે હંમેશા ઓછું તનાવગ્રસ્ત કે તનાવમુક્ત જીવન જીવી શકે.
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































