રાજ્યની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં કાર્યરત તબીબી અધ્યાપકો 2008થી બઢતી નહીં મળવા બદલ અને સાતમા પગાર પંચના બદલે છઠ્ઠા પગાર પંચ મુજબ એનપીએ ચૂકવાય છે તેની સામે વિરોધ દર્શાવવા ૧૦મીથી હડતાલ પર જવાનું એલાન કર્યું છે. તા.૧૦ના રોજથી સરકારી મેડિકલ કોલેજમાં વિવિધ સરકારી મેડિકલ કોલેજમાં કાર્યરત ૧,૭૦૦ તબીબી અધ્યાપકો કોલેજમાં વિદ્યાર્થીને ભણાવવા નહીં જાય અને કોવિડ વોર્ડમાં સેવા પણ નહીં આપીને વિરોધ વ્યક્ત કરશે.
તાજેતરમાં જુનિયર ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ અને નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે હડતાલનું એલાન કરતા સરકારે તેમની માગણી સ્વીકારી હતી. આ જોઈને હવે મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોએ પણ તેમની વર્ષો જૂની અને પડતર માગણીઓ પૂરી કરવા હડતાલનું એલાન કર્યું છે.
સરકારી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા ૧,૭૦૦ આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર અને પ્રોફેસરોને ૨૦૦૮થી બઢતી આપવામાં આવી નથી. ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી મળતી જ નથી. બઢતી માટે લાયક હોવા છતાં આરોગ્ય વિભાગ તબીબી અધ્યાપકોને બઢતી આપતો નથી. હાલમાં ૪૦૦ જેટલી જુદી જુદી પોસ્ટની જગ્યા ખાલી છે. આ જગ્યા બઢતીથી ભરાતી નથી તેના બદલે કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવે છે. હજુ આટલું ઓછું હોય તેમ જીપીએસસીએ જેને માન્યતા આપી નથી તેવા એડહોકનો ફાલ આવ્યા જ કરે છે. સરકારના અન્ય વિભાગોની જેમ એક વખત જીપીએસસીથી ભરતી કર્યા બાદ વિભાગીય બઢતી આપવા એસોસિએશનની માગ છે.
તબીબી અધ્યાપકોને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળે છે, પરંતુ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી એનપીએમાં કરેક્શન કર્યું નથી. અગાઉ ૨૫ ટકા એનપીએ મળતું હતું તે સાતમા પગાર પંચમાં ૨૦ ટકા થઈ ગયું. પરંતુ સરકાર રૂ.૩૦,૦૦૦ એનપીએ આપવું જોઈએ તેના બદલે માત્ર રૂ.૫,૫૦૦ જ ચુકવે છે. એસો.ની માગણી છે કે તેમને સાતમા પગાર પંચ પ્રમાણે ૨૦ ટકા લેખે એનપીએ મળવું જોઈએ.
VR Sunil Gohil


















































