બોમ્બબ્લાસ્ટના મુખ્ય આરોપીની માફક વરસાદ હજી લાપતા છે. ઉનાળાએ એની ગેરહાજરીમાં પોતાના કરતબ ચાલુ રાખ્યા છે. બગીચાનાં ઘટાદાર વૃક્ષોમાં ઉકળાટને કારણે અસંતુષ્ટ રાજકારણીઓની માફક કૂદાકૂદ કરી નિર્દોષ પક્ષીઓને પજવે છે.
આ બધી લીલાઓથી ટેવાઈ ગયેલા મારા જેવા સિનિયર સિટિઝનો બગાસાં ખાતાં ખાતાં પરસેવો લૂછે છે અને માણેકચોકમાં શાક લેવા નીકળી પડયા હોય તેમ બાંકડા ઉપર ડાફરિયાં મારતા અને વખતોવખત અમારાં વસ્ત્રોમાં ઘૂસી ઉપદ્રવ કરતા મંકોડાઓને ઝાટકીને અમે ટાઇમપાસ કરીએ છીએ. આ મોસમી કંટાળો દૂર કરવા, અમે વાતો પણ કરીએ છીએ.
મારી સામેના બાંકડે બિહારીની બાજુમાં કલ્પેશ કચુકા બેઠો છે. બિહારી ઝભ્ભા લેંઘામાં છે. કલ્પેશ શર્ટ-પેન્ટમાં છે. મારી બાજુના બાંકડે અડવાણી બ્રાન્ડની ટાલવાળો ગોપાલ ખત્રી છે. બિહારીની બાજુના બાંકડે વડીલ વિષ્ણુભાઈ એમના શેતરંજી તકિયા ઉપર હંમેશ મુજબ ઢળ્યા છે.
`છેવટે પ્રતિભાતાઈ રાષ્ટ્રપતિભવનમાં ગોઠવાઈ ગયાં.’ કલ્પેશે બગીચાની શાંતિમાં તડ પાડી. શ્નતેમાં તેં નવું શું કહ્યું? જેમની સરકાર હોય તેમનો જ રબરસ્ટેમ્પ બને. રબરસ્ટેમ્પની લાયકાત જૉવાની ન હોય. એમને વોટ આપનારા પણ એવા જ હોય છે. પોલિટિકસમાં એવું જ ચાલે છે.’ ગોપાલે ટેનિસના ખેલાડીની પેઠે કલ્પેશને દડો પાછો મોકલી આપ્યો. `કલામસાહેબ રાષ્ટ્રપતિ નિમાયા ત્યારે કશી હોહા નહોતી થઈ અને આ પાટીલમેડમ વખતે તો આક્ષેપોની ઝડી વરસી.’ કલ્પેશ કચુકાએ દડો પાછો મોકલી આપ્યો.
`આક્ષેપોને કોણ ગણકારે છે? મનમોહનસિંહે શિબુ સોરેન જેવા હત્યારાને મિનિસ્ટર બનાવ્યો જ હતો ને? લાલુ યાદવ મિનિસ્ટર છે જ ને? બિહારનો ચીફ મિનિસ્ટર હતો ત્યારે ગાય-ભેંસોનો ઘાસચારો ડૂચી ગયો’તો.
હવે રેલવે મિનિસ્ટર તરીકે એન્જિનના કોલસા ચાવી જશે તો ય મનમોહનસિંહ તો એનો એ જવાબ આપશે કે – જયાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ છે. એટલે તો માયાવતીએ પોતાની પાસે બાવન કરોડ છે એમ બેધડક કહી દીધું.
કહે છે, દલિતોને મારી ગરીબીની દયા આવી એટલે મારે માટે ઉઘરાણું કર્યું. દલિતોની ગરીબી જતા જશે પણ માયાવતીનો ઉદ્ધાર થઈ ગયો. ઇન્દિરાજીએ મહાન સત્ય ઉરચારેલું, ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે. હવે આપણે એમણે ચીંધેલા માર્ગે આગળ વધીને કહેવાનું, ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત છે. હવે ભ્રષ્ટાચારને સ્વીકૃતિ મળી છે.’ ગોપાલે ભરડી નાખ્યું.
`એ વાત ખોટી છે.’ આંખો બંધ કરીને સાંભળી રહેલા વડીલ વિષ્ણુભાઇએ વિરોધ જાહેર કર્યો. ટીવી ઉપર `બ્રેકિંગ ન્યૂઝ’ શબ્દો ચમકે અને દર્શકો ઉત્સુકતાથી પડદા ભણી તાકી રહે તેમ અમે એમને તાકી રહ્યા. ચર્ચામાં નાટકીય એન્ટ્રી મારતા હોય તેમ એ બોલ્યા, શ્નતમે બધા અજ્ઞાની છો.’
લાંબુ બોલવાની તૈયારી કરતા હોય એમ તેમણે ઊંડો શ્વાસ લીધો અને વાંદરાઓ પણ ધ્રૂજી જાય તેવો ખોંખારો ખાધો. `પુરાણકાળથી ઈશ્વરને નામે બ્રાહ્મણો દક્ષણિ લેતા આવ્યા છે. ઈશ્વરને ફકત આ પૃથ્વી સંભાળવાની નથી, આખું બ્રહ્માંડ સંભાળવાનું છે. એમને તમારા ચલણ અને બીજી-તીજી સામગ્રી શા ખપનાં, મૂર્તિઓને ઘી-તેલ ચોળો એ ઈશ્વરને ચઢે છે? અમારો ગોર તો શ્રાદ્ધ વખતે દક્ષણિમાં રંગીન ટીવીનો સેટ પણ લઈ ગયો હતો. એ બેઠાં બેઠાં આપણી સિરિયલો કે ટેસ્ટમેચો જૉતા હશે?
પણ આપણને ઠસી ગયું છે કે ઈશ્વરે બ્રાહ્મણોને ખાસ પ્રતિનિધિઓ નીમ્યા છે અને એમના થકી બધું ઈશ્વરને પહોંચે છે. આ મેન્ટાલિટી પ્રાચીન છે. એક સર્વમાન્ય વ્યવહાર છે એટલે આપણે ત્યાં મોગલો, વલંદાઓ, ફિરંગીઓ, અંગ્રેજૉ સહેલાઈથી રાજ કરી શકયા. અંગ્રેજૉ બક્ષસિ લઇને આપણા દેશીઓને ખિતાબો વહેંચતાં.
રાવ બહાદુર, દીવાન બહાદુર, જંગ બહાદુર. અમારી પોળમાં એક ફાલતુ કારકુન એના ઉપરી સાહેબોને ઘરે બોલાવી બધી રીતે એન્ટરટેઇન કરતો. ગોરા સાહેબોએ રાજી થઇને એને રાવસાહેબનો ખિતાબ આપેલો. એ રાવસાહેબ કટકી લઇને લોકોનાં કામ કરાવી આપતો.
પેલા સલમાન રશદીએ ઇસ્લામની કુથલી કરી તો ઇંગ્લેન્ડની મહારાણીએ એને શ્નસર’નો ખિતાબ આપી દીધો. આપણે ત્યાંયે ખિતાબોનું ડીંડવાણું ચાલે જ છે ને. અરે નહેરુજીના ટાઇમમાં બનેલો કિસ્સો કહું. આમ તો સત્યકથા તરીકે સાંભળેલી પણ કદાચ જૉક પણ હોય. અમે જયારે નાના હતા ત્યારે મારા બાપાના એક ઓળખીતા વેપારી લાલજીભાઈની માધુપુરામાં કરિયાણાની દુકાન હતી. એ વખતે આઝાદીની લડતનો પવન ફૂંકાયેલો. બ્રિટિશ સરકારે સપાટો બોલાવી નાના-મોટા નેતાઓને જેલમાં ખોસી દીધેલા, તેમાં લાલજીભાઈ પણ હતા. જેલમાં એમણે નહેરુજીની બહુ સેવા કરેલી. જેલમાંથી છૂટયા પછી લાલજીભાઈ ધંધામાં ઘ્યાન આપવાને બદલે આખો દિવસ પોતાના જેલના અનુભવો ગ્રાહકોને સંભળાવ્યા કરતા.
એમના બંને દીકરાઓ રોજેરોજ આપવીતી સાંભળી સાંભળી કંટાળવા લાગ્યા ત્યારે મોટા દીકરાએ એક દિવસ લાલજીભાઈને સંભળાવ્યું, શ્નબાપા, તમે રોજ નહેરુજીના નામના મંજિરાં વગાડો છો તેમાં આપણું શું રંધાયું.
તમારી જૉડે જે બધા જેલમાં હતા એ બધા આઝાદી પછી બહાર બંગલાઓ બંધાઈને બેસી ગયા છે ને આપણે અહીં ગોલકામાં ગોળ જૉખતા બેસી રહ્યા છીએ. તમારે નેહરુજી જૉડે દોસ્તી થઈ ગઈ’તી તો એમને મળીને એકાદ ભલામણ ચિઠ્ઠી લઈ આવો તો અમારું કંઈ ભલું થાય.’
ધેર લાલજીભાઈનાં વાઇફ પણ દીકરાઓ સાથે જૉડાઈ ગયાં. થોડા દિવસ ટિટિયારો ચાલ્યો ત્યારે ડંખતા આત્મા સાથે એ સુદામા જેમ કૃષ્ણને મળવા ગયેલા તેમ નહેરુજીને મળવા દિલ્હી પહોંરયા. નહેરુજીએ ઉમળકાથી આવકાર્યા. લાલજીએ અચકાતા અચકાતા પોતાનો પ્રોબ્લેમ કહ્યો.
નહેરુજીએ પોતાના સેક્રેટરીને બોલાવી ગુજરાત સરકાર ઉપર કાગળ ડિકટેટ કરાવ્યો. લાલજીભાઈ હરખાતા હરખાતા અમદાવાદ આવ્યા. દીકરાઓ હરખાતા હરખાતા જૂના સચિવાલય પર પહોંરયા. કોઈ કારખાનું ખોલવાનો પ્લાન કહ્યો. ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના અમલદારે ખાનગીમાં દીકરાઓ પાસે પચીસ હજાર માગ્યા.
દીકરાઓ વીલે મોંઢે પાછા ફર્યા. વાત સાંભળી ઉશ્કેરાયેલા લાલજી દિલ્હી પહોંરયા. એમને મનમાં એમ કે જવાહરલાલ ગુજરાત સરકારને ધધડાવી નાખશે. તેને બદલે જવાહરલાલે ઠંડે કલેજે કહ્યું, `લાલજી, તારે પૈસા તો આપવા જ પડશે.’
`તમારી ચિઠ્ઠી છે તો પણ?’ `જૉ લાલજી, ચિઠ્ઠી છે તો તારું કામ નક્કી થશે. બાકી તો વર્ષોસુધી તને ધક્કા ખવડાવશે ને તારા પૈસા ચાંઉ થઈ જશે. સરકારો બધી આમ જ ચાલે છે, સમજયો?’
વડીલ વિષ્ણુભાઇએ વાત પૂરી કરતાં ઉમેર્યું, નહેરુના ટાઇમમાં પણ કૌભાંડો થયેલાં પણ ત્યારે મીડિયા આજના જેટલું સજાગ નહોતું. નહેરુ આંખ આડા કાન કરતા. ઇન્દિરાજીએ ખુલ્લે છોગે ડીંડવાણું ચલાવેલું અને એ બાબતમાં બધી સરકારો સરખી છે. હવે રબરસ્ટેમ્પ હાથમાં આવી ગયો છે. દે દામોદર, દાળમાં પાણી. જૉયા કરો.’ ઇતિ શ્રી ભ્રષ્ટાચાર કથા સમાપ્ત.
– તારક મહેતા