માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં અચાનકથી મા-બહેનની ગાળો દર બીજા વાક્યે બોલતી પ્રજાતિ દ્વારા સ્ત્રીઓ વિશે ખૂબ જ સારી વાતો સોશિયલ મીડિયા પર શેર કરાતી જોઈ વિચાર આવ્યો કે કંઈક તો કારણ હશે.. પછી ધ્યાન આવ્યું કે 8મી માર્ચે વુમન્સ ડે છે….
આજના સોશિયલ મીડિયાનાં જમાનામાં વાતો બહુ થાય છે, દેખાડાનો કોઈ પાર નથી પણ એ હિસાબે નક્કર કામ અને બદલાવ ખૂબ ઓછા આવે છે… લાગે છે કે બધું બદલાઈ ગયું છે પણ વાસ્તવિકતા તેનાથી કોશો દૂર છે. સ્ત્રી સ્વતંત્રતા અને સમાનતાનો વિષય પણ કંઇક એવો જ છે.. ત્યારે સવાલ થાય છે કે પોતાના પુરુષ તરીકેના અભિમાનને છોડવા તૈયાર હોય તેવા માંડ દસ ટકા પુરુષો જે સમાજમાં છે, તે સ્ત્રી-અસ્તિત્વની યોગ્યતા લાવવામાં કેટલો ફાળો આપી શકે? તો સમજવાનું એટલું જ છે કે હવે દ્રોપદીની જેમ વાળ ખેંચીને ઢસડીને લવાય, સાડીનો પાલવ ખેંચીને અર્ધનગ્ન કરાય ત્યાં સુધી કાનુડાની રાહ જોવાની નથી કે પોતાના પર અન્યાય થાય ત્યારબાદ બીજાને પોતાનું યુદ્ધ કરવા માટે જવાબદારી સોંપવાની નથી.. આ સમસ્યા સ્ત્રીની પોતાની છે તેણે પોતે તેની સાથે લડવાની અને તેને હલ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે, તેણે પોતે સક્ષમ બનવું પડશે. કોઈ ડરાવી – ધમકાવી જાય છે, મારી જાય છે, બળાત્કાર કરી જાય છે, અત્યાચાર કરી જાય છે ત્યારે એક વાત સમજાય છે કે તે કમજોર છે જો એ તાકતવર હોય; તેના પાસે બચાવનો કોઈ રસ્તો હોય તો ઘણી ખરી સમસ્યા ત્યાં હલ થઇ જાય તેમ છે, પોતાને કોઇ પણ પરિસ્થિતિમાં લડવા માટે સ્ત્રી એ હવે પોતાને સક્ષમ બનાવવી રહી; સમસ્યા આવે ત્યારે બીજા કોઈ સામે હાથ જોડીને કે હાથ ફેલાવીને ઊભું રહેવું ન પડે એટલું જરૂર કરવું રહ્યું..
સ્ત્રીઓ માટે એક ખૂબ મોટી સમસ્યા એ પણ છે કે પુરુષને પોતાની ભૂલ સમજાતી જ નથી એનું કુલ કારણ ફક્ત એટલું જ કે પુરુષવાદી સમાજમાં પુરુષની ભૂલને ભૂલ ગણવામાં જ નથી આવતી. કોઈ તેને શીખવતું જ નથી કે કન્યા ઘરકામ કરવાનું; શરીર સુખ માણવાનું અને બાળકો પેદા કરવાનું યંત્ર નથી, ટૂંકમાં કન્યા કોઈ વસ્તુ નથી. અરે! બાપ તરીકે પુરુષ ખુદ વસ્તુની જેમ પુત્રીનું કન્યાદાન કરી દે છે અને તેને ખબર જ નથી પડતી… એટલે નાનપણથી જ પુરુષને સ્ત્રી સન્માન અને સ્ત્રી સાથેનો યોગ્ય વ્યવહાર સમજાવવાની કોશિશ કરવી રહી.
સ્ત્રીઓની સમસ્યાઓમાં એક ઉત્તુંગ શિખર પોતાના દુઃખોને સ્વીકાર કરીને તેની સાથે લડ્યા વગર એ જ પરિસ્થિતિમાં જીવન વિતાવતી સ્ત્રી પણ છે, જેના લીધે તેની આવનારી પેઢીઓને સહન કરવું પડ્યું છે, યુદ્ધમાં લડતાં પહેલા જ હાર માની લેતો સિપાહી આવનારી પેઢી માટે ગુલામી વારસામાં છોડી જાય છે.. કોઈ તમારું સન્માન ત્યારે જ કરે જ્યારે તમે પોતાનું સન્માન કરતા હોવ, પોતાની ઈશ્વર તરફથી મળેલી ભેટ સમાન આ જિંદગીની કદર કરતા હોવ.. જો તમને પોતાને તમારી સમસ્યાઓ વિશે કોઈ પડેલી નથી તો યાદ રાખો તમારી આવનારી પેઢી તમને ક્યારેય માફ નહીં કરે..
તું પોતે પોતાનું ના વિચારીશ,
તો તારું કોણ વિચારશે?
આજ થી વિચાર કર…
– પ્રીત લીલા ડાબર.
લગ્નનો સંસ્કાર પણ હવે જૂનો થયો છે તેને પણ જરૂરી સુધારા વધારા કરીને નવો કરવાની જરૂર લાગે છે. વધારે પડતા લગ્ન સ્ત્રી પોતાના મા-બાપના ડરથી કે બધા કરે છે તો કરવા પડે એ રીતે કરતી હોય છે, જે આગળ જઈને બોજ બની જાય છે. સ્ત્રી લગ્ન પોતાની મરજીથી કરે; ગૃહિણી બનવાનું પોતાની મરજીથી સ્વીકારે; પુરુષ સ્ત્રીના ગૃહિણી તરીકે ના, ઘર પરિવાર સંભાળવાના ખૂબ જ મહત્વના કામને સમજીને તેના કામને નાનું ના સમજે; ગૃહિણી તરીકે કામ કરતા સ્ત્રી તેની પોતાની ઈચ્છાઓ દબાવી ન જાય તે બાબતનો ખ્યાલ રાખે અને તેની ઈચ્છાઓ પૂરી કરવામાં મદદ કરે તો જ લગ્ન જીવન સાર્થક થાય.
તારે કોઇનો સહારો જોઈશે ,
આવું જ કેમ સમજાવાય છે?
બસ ઘરકામ શીખવાડાય છે,
ને અંતિમ લક્ષ લગ્ન દેખાય છે.
– પ્રીત લીલા ડાબર
છેલ્લે જ્યારે કોઈ સ્ત્રીને બાપ ભાઈ પ્રેમી કે પતિ સ્વરૂપે યોગ્ય પુરુષ મળે; તેને જીવન જીવવાની આઝાદી આપે તો તે આઝાદી ઘણીખરી સ્ત્રીઓને પચતી નથી, તાકાત મળતા જ તે પુરુષ સમોવડી થવા જાય છે, તેને સમજાતું જ નથી કે સમાનતાનો અર્થ પુરૂષ જેવું થવું નહીં પણ પોતાના વ્યક્તિત્વને ખીલવવું છે.. આ ભૂલના કારણે તે ન કરવાના કામો કરતી થઈ જાય છે, તેની સાથે વર્ષોથી થયેલા અન્યાયનો બદલો તે આજના પુરુષો સાથે લેવાની કોશિશ કરે છે. તે વખતે સ્ત્રી ભૂલી જાય છે કે તેને મળેલી આઝાદી અમસ્તી જ નથી મળી. આઝાદ સ્ત્રીએ સમજવું રહ્યું જ્યારે હક્ક મળે ત્યારે ફરજ પણ સાથે જોડાયેલી હોય છે. તાકાત હંમેશા જવાબદારી લઈને આવે છે.
ઇ.સ. 2000 માં કોઈ છોકરી જીન્સ અને ટી-શર્ટ પહેરીને નીકળતી કે સ્કુટી લઈને નીકળતી તો રોડની આજુબાજુના લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જતી પણ આજે ઇ.સ. 2020 માં એ આશ્ચર્ય નથી થતું.. કહેવાનો અર્થ એટલો કે પરિસ્થિતિ બદલાઈ છે સ્ત્રીઓના હકની વાત થોડી, પણ સંભળાઇ રહી છે.. સ્ત્રી વિકાસની સદીઓથી ચાલતી ધીમી પ્રક્રિયાને સમજીને બાબાસાહેબ દ્વારા ભારતના બંધારણના કેટલાક અનુચ્છેદોથી સ્વતંત્રતા અને સમાનતા ના હક્કો આપી; ધક્કો મારી ઝડપ વધારવાના કારણે 70 વર્ષમાં સ્ત્રીઓની હાલતમાં ઝડપથી સુધાર આવ્યો છે. છતાંય તે પૂરતો નથી, બસ શરૂઆત થઈ છે હજુય લક્ષ્ય દૂર છે…
સ્ત્રી યોગ્ય હશે તો જ પુરુષનું વ્યક્તિત્વ યોગ્ય બની શકશે સ્ત્રી અને પુરુષ સમાન હશે તો જ યોગ્ય સમાજની રચના થઈ શકશે. અને સમાજ યોગ્ય હશે તો જ દેશ અને દુનિયા યોગ્ય થઈ શકશે. હાલની પરિસ્થિતીને જોતા આ દુનિયા જ્વાળામુખીના મુખ પર બેઠી છે જે વધારે સમય ચાલે તેમ નથી, તેથી હદયથી જીવનને આવકારતી સ્ત્રીઓને સત્તાના લોભી અને મગજની આંટીઘૂંટીમાં ફસાયેલા પુરુષોની જગ્યાએ સત્તા સોંપવાની જરૂર છે..
સેકંડ લાસ્ટ સીન : ઓફીસના લંચ ટાઈમમાં બધા સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા, ત્રણ કર્મચારીઓ પોતાની પત્નીના બનાવેલા લંચને સૌથી સારું સાબિત કરવા મીઠી લડાઈ કરી રહ્યા હતા, ત્યાં જ લબ્ધિએ મીઠી સ્માઈલ સાથે કહ્યું: બક્વાસ બંધ મારા હાર્દ જેવું જમવાનું કોઈના બનાવે..
લાસ્ટ સીન : ૨૧મી સદીની શરૂઆતે ભારતમાં બેટી બચાવો બેટી પઢાવો અને સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે એ ખુશ થવા જેવું છે કે શરમાવા જેવું..?
પ્રીત લીલા ડાબર
Vibrant writer
દાહોદ, ગુજરાત.


















































