હું પુરુષ સમોવડી બની છું આજે,
ઉડી શકું છું આકાશમાં, તો વળી ઉંડે જઈ તરી શકું છું સમુદ્રમાં, ઉડાડી શકું છું અરોપ્લેન, જીતી શકું છું ઓલમ્પિક, સાંસદ પણ સંભાળી શકું છું, ઘરમાં રસોડાની જવાબદારીઓની સાથે સાથે આજે વકીલ, શિક્ષક, ડોક્ટર, ડિઝાઈનર, એન્જીનીયર, સૈનિક, વૈજ્ઞાનિક, સીએ, સીએસ, સીઇઓ, અને ઉત્તમ “માં” ની જબદારીઓ પણ ખુબજ સહજતાથી નિભાવી શકું છું, બદલામાં ઈચ્છું માત્ર પરિવાર અને પતિનો પ્રેમ.
નાનકડી સોય થી ભલે ડરી જતી હોઉં પરંતુ બાળકના પ્રસવની પીડા હસતા-હસતા સહન કરી શકું છું, મારે પણ એક દિલ છે જેમાં લાગણીઓ અને સંવેદનાઓ અપાર છે છતાં આજે સમાજ મને તેના આંગણેથી કેમ ધૂતકારે છે? જેમ પુરુષની પાસે ભગવાને આપેલું એનું શરીર છે, એવી જ રીતે એક સ્ત્રી તરીકે ભગવાને આપેલું મારુ શરીર છે, તો એ પવિત્ર શરીર પર ઉઝરડા કેમ? બળાત્કાર કેમ? છેડતી કેમ? કુદ્રષ્ટિ કેમ? હું પણ કોઈની બહેન છું, કોઈ પરિવારની વહુ છું, કોઈની પત્ની છું, કોઈ ની માતા છું, મારુ પણ સમાજમાં અસ્તિત્વ છે, મારી પણ એક આગવી ઓળખ છે, તો એક જ સળગતો સવાલ સ્ત્રી સાથે અન્યાય કેમ?
સ્ત્રી તરીકે એટલી ચેતવણી આપું છું આ સમાજમાં રહેલા દુર્યોધન જેવા અધર્મીઓને કે આ હાથ રોટલા બનાવવામાં કે ગરબા ગાવામાં જ નથી ઉઠતો, આ હાથ જે દિવસે કરાટે બનીને ઉપડ્યો ‘ને તે દિવસે સમાજમાં તમારા અસલી ચહેરો આવતા વાર નહીં લાગે, સહનશક્તિ જે દિવસે ખૂટી એ દિવસે સજા ભોગવવાની તૈયારીમાં રહેજો, એક દિવસ તમારા કૃત્યોની એવી સજા આપીશ કે ભીખ માંગશો તો પણ મૌત નહીં મળે, સામે અન્ન હશે તો પણ ભૂખ નહીં લાગે, અને સામે જીવન હશે તો પણ જીવી નહીં શકો.
એટલું યાદ રાખજો આ દુનિયામાં તમને જે શરીર મળ્યું છે તે કોના પ્રતાપે મળ્યું? હૃદયમાં જે દિલ ધડકે છે કે કોના લીધે ધડકે છે?
જે સ્ત્રી સમાજમાં સત્પુરુષોનું સર્જન કરે છે તેનું વિસર્જન થતા અટકાવવાની તાકાત પણ પુરુષ પાસે જ છે, પણ જો ધારે તો, સરકાર અભયમ યોજના બહાર પાડીને એની જવાબદારી નિભાવે છે, તો આ સમાજમાં અડધી રાત્રે પણ સ્ત્રી એકલા ઘરની બહાર પોતાના કાર્ય અર્થે નીકળી શકે એવો સંકલ્પ અજાણ્યા પુરુષ તરીકે પણ લઈ જ શકીએ……A+
સાચા અર્થે સાર્થક જીવન તો એને જ કહી શકાય, કે જે જીવનમાં પોતાની અને પારકી નારીને એક સન્માનની દ્રષ્ટિએ જોઈ શકીએ.
Happy Women’s Day
– અંકિતા મુલાણી “રિચ થિન્કર”


















































