અત્યાર સુધી….
બીજા દિવસે અંજામ સ્વીકૃતિને છેક સુધી સસ્પેન્સ ફીલ કરાવીને બહાર ફરવા જવાની વાત કરે છે જ્યારે સ્વીકૃતિ કઈંક અલગ જ બાબતની અપેક્ષા રાખી બેઠી હતી. એ અપેક્ષા પૂરી ન થતાં એ સુંદર સાંજ એક તર્કમય ચર્ચામાં પરિણમે છે, જે કોઈ અનિચ્છનીય ઘટનાના આગાઝ દર્શાવતું હતું. બીજા દિવસે અંજામ તો કેફેમાં હોય છે પણ સ્વીકૃતિ નહીં, ના હાજરી કે ના કોઈ મેસેજ કે ના કોઈ કોલનો જવાબ. શુ એ સાંજ અને એ પછીની અંજામની જિંદગી એવી જ રીતે એકલમયી રહેવાની હતી..??? એ જાણીશુ હવે આગળ….
પ્રકરણ – 5
“તો શુ એ દિવસ પછી તમે અને સ્વીકૃતિ એકબીજાના સંપર્કમાં હતા..”, સ્નેહાએ પૂછ્યું.
“સંપર્ક તો હતો પણ નોનવર્બલ.. કહી શકાય કે અમે એકબીજાને ચાહતા તો હતા, વાત કરવા તો માંગતા હતા અને મળવા પણ ઈચ્છતા હતા પણ ખબર નહી કઈંક એવું હતું કે જે અમને બંનેને રોકી રહ્યું હતું, હવે એ અમારો ઈગો હતો કે નારાજગી હતી, એ નક્કી કરવું અમારા બંને માટે એ સમયે મુશ્કેલ હતું એટલે અમે બંને એ એકબીજા સાથે વાત કરવાનું છોડી દીધું.”
“એટલે બ્રેકઅપ થઈ ગયુ તમારું…”, સ્નેહા પોતાની જાણવાની જલ્દબાજીને રોકી ના શકી પરંતુ બોલાઈ ગયા પછી તેને ભાન થયું કે તે શુ બોલી ગઈ છે.
“તારે તો બસ લોકોને છૂટા જ પડાવવા છે.”, અંજામે તેની મજાક કરતા કહ્યું.
“પછી શુ થયુ…”, સ્નેહાના સવાલની સાથે ઘડિયાળના કાંટા સમયથી આગળ અને અંજામના વિચારો સમયથી પાછળ રવાના થયા.
* * * * *
પૂરા અઢાર દિવસ પછી ઓચિંતાનો સ્વીકૃતિનો ફોન આવે છે જે અંજામને આશ્ચર્યચકિત કરી દે છે. સ્વીકૃતિનો આટલા દિવસ પછી આવેલો ફોન ફરી તેના મનમાં રોષ જગાવી જાય છે. શાંત પડેલા દિલના બધાજ તાર ફરી હલી જાય છે. એક તરફ ફોન ઉઠાવવાની અને તેની સાથે વાત કરવાની ઉત્કંઠા હતી તો બીજી તરફ ઈગો અને ગુસ્સાથી ભરાયેલું મન તેને વાત ન કરવા રોકી રહ્યુ હતું. આટલા દિવસ પછી એને મારી યાદ આવે છે… શું કરતી હતી અત્યાર સુધી…. આવા કેટલાંય સવાલો તો મનમાં ઉઠ્યા હતા છતાં પણ દિલ આગળ દિમાગનું કઈં ન ચાલ્યું. ફોન કપાઈ જાય એ પહેલા જ અંજામ કોલ ઉઠાવી લે છે.
“હેલો”, સામે છેડેથી સ્વીકૃતિનો થોડો ઢીલો અવાજ સંભળાય છે.
“બોલો”
“હેય અંજામ સોરી યાર, પણ આજે તું કેફેમાં કેમ નથી આવ્યો? મને તો એમ કે તું રોજ આવતો હોઈશ. હવે ફટાફટ બોલ કે તું આવે છે ક્યારે?”રડમસ અવાજ સાથે આમજ ઝપાટાભેર સ્વીકૃતિ બધું જ બોલી ગઈ.જાણે તે અંજામના મનમાં ભભકતો જ્વાળામુખી હમણાં જ ન ફાટે તે માટે તેને ટાળવા પ્રયત્ન કરતી હોય, તેના અવાજમાં અપરાધની લાગણી અને અફસોસનો ભાવ હતો.
“હું નથી જતો હવે કેફેમાં”
“કારણ…”
“કોઈ એક હોય તો જણાવું ને…”
“કેમ હું ન હતી કારણમાં..”
“તું તો હતી પણ તારી હાજરી ન હતી. ચા તો હતી પણ એ ચાની ચાહ હવે ન હતી કારણ કે એ ચાની ચાહક પણ ત્યાં ન હતી. કોફીથી હવે એટલી મહોબ્બત નથી રહી જેટલી પોતાના માટે નફરત”
“નફરતનું કોઈ કારણ…”
“કોઈ એક વ્યક્તિનું અકારણ મૌન ક્યારેક બીજા માટે મારણ બની જતું હોય છે. કોઈ એક વ્યક્તિ માટે સાવ સિમ્પલ બાબત બીજી વ્યક્તિને અંદરથી કોરી ખાતી હોય છે અને કદાચ તારું આ અઢાર દિવસનું અકારણ મૌન જ એ કારણ હતું જેના લીધે હું કોફીને એટલી મહોબ્બત નથી કરી શક્યો જેટલી ખુદને નફરત કરી ચૂક્યો છું.”
“તો તો આટલા દિવસમાં એક પણ વાર કોફી હોઠે નહી લગાડી હોય ને….”, સ્વીકૃતિ ફરી વાતાવરણ હળવું બનાવવા પ્રયત્ન કરે છે.
“તે પણ ક્યાં ચાની ચુસ્કી માણી હશે….”, અંજામ પણ વળતો પ્રહાર કરે છે.
(એ પછીની સાડા ત્રણ મિનિટ માટે કોલના બંને છેડે ચૂપકીદી છવાઈ ગઈ.)
અને બંનેએ જાણે આ ખબરને આવતીકાલના અખબાર પર છોડી દીધી.
“સારું હવે બોલ, આવે છે ક્યારે..”સ્વીકૃતિ હવે મૂળ વાત તરફ આવે છે.
“ના, આજે નહી આવી શકુ….. કાલે મળીએ…”,અંજામથી પણ બોલાઈ ગયું.
“ઓકે કંઈ વાંધો નહીં.. थोड़ा इंतजार और कर लेते हैं..”,સ્વીકૃતિએ થોડા ઉદાસ સ્વરે કહ્યું.
“ઠીક છે. બાય”, અંજામે વાતચીતને વિરામ આપવાનું નક્કી કર્યું.
“ઓકે.. બાય…” સ્વીકૃતિએ ફોન મૂકી દીધું.
અંજામને કંઈ સમજાયું નહીં. આટલો ગુસ્સો બે જ મિનિટમાં છૂમંતર અને મળવા માટે પણ રાજી થઈ ગયો.તે સમજી ગયો હતો કે તે સાચે જ સ્વીકૃતિ આગળ નાનું બાળક બની જાય છે. આ એ જ વ્યક્તિ હતી જે તેના સુકુનનું કારણ હતી. હજી પણ તેના કાનમાં એ અવાજના પડઘા ગુંજી રહ્યા હતા. તેના ચહેરા પર સ્મિત લહેરાઈ રહ્યું હતું. આજે તેની ખુશીનો કોઈ જ પાર નહોતો. બસ કાલ થાય એની જ વાર હતી.
(ક્રમશ:)
– લેખક : આદિત શાહ “અંજામ”
સંપાદક : રાજશ્રી સાગર “ચિન્મયી”


















































