જેનો અર્થ જ શક્તિ છે શું એને સશક્તિકરણ ની જરૂર છે??!!
સાચા અર્થ માં સશક્તિકરણ નો અર્થ છે અધિકાર આપવો પરંતુ જે નારી આપણને જન્મ આપીને જીવનનો અધિકાર આપે છે , શું આપણે તેને કોઈ અધિકાર આપી શકીએ એટલા સક્ષમ છીએ.
હું મારી આ વાત નારીવાદ ના સમર્થન માં નહી પરંતુ નારીત્વ ના સન્માન અને સમાનતા માટે કહી રહ્યો છું. ફક્ત પુરુષો દ્વારા જ નહી પરંતુ એક સ્ત્રી દ્વારા પણ બીજી સ્ત્રીનું સન્માન થવું જરૂરી છે.
અનેક વાર સામાજિક કારણોસર સ્ત્રીનો અર્થ કદાચ એક તરફી જવાબદારીઓ અને બંધનો પૂરતો જ રહી જાય. શું બધી જવાબદારીઓ અને બંધનો નો સ્વીકાર ફક્ત સ્ત્રીઓ માટે જ!!??
ઘણા લોકો એવું માને છે કે સ્ત્રી ને બંધનોનો સ્વીકાર કરીને સમાજ ને ઉત્તમ સંસ્કાર નું નિર્દેશન કરવું જોઈએ , તો શું સમાજ ફક્ત એક તરફી નિર્દેશન થી સંસ્કારિત થઈ જશે??!! સમાનતા નો હક મેળવવાનો અર્થ એટલો જ છે કે જે સન્માન કોઈપણ પરિસ્થિતિ માં પુરુષ ને મળે છે એજ સન્માન એક સ્ત્રી ને મળે એ જરૂરી છે. જરૂર છે સ્ત્રી ને સમજવાની.
જો સ્ત્રીને દરેક સમયે ધર્મ સાથે સાંકળવામાં આવતી હોય તો હું એજ ધર્મ નું તમને એક ઉદાહરણ આપું છું. “અર્ધનારીશ્વર” સ્વરૂપ – મહાદેવ અને માં પાર્વતી નું એકાકી સ્વરૂપ.
હા, આ એજ સ્વરૂપ છે જે તમે વાંચેલા કે સાંભળેલા વેદો, પુરાણો અને ગ્રંથો માં ” સ્ત્રી અને પુરુષ ની સમાનતા” નું ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
હવે તમે એમ તો નહિ કહી શકો કે આ પુરાવા રહિત છે કારણ કે તમે જે વેદોની વાત કરો છો એજ વેદો અને શાસ્ત્રો આ વાત ના સાક્ષી છે.
જો શક્તિ નો અર્થ જ નારી છે તો જ્યારે પુરુષની શક્તિ ની વાત કરવામાં આવે તો દરેક પુરુષ માં નારીત્વ સમાહિત છે એટલે કે નારી અને પુરુષ વચ્ચે કોઈ મુખ્ય કે દ્વિતીય નથી પરંતુ બંને સમાન છે. બસ આજ ઉદાહરણ ને આજના સમય માં સ્વીકાર કરીને ચાલવું એ સ્ત્રી અને પુરુષ બંને માટે ખૂબ જ જરૂરી છે. બંને માંથી કોઈપણ ની સફળતા પાછળ હંમેશા એકબીજાનો હાથ રહેલો જ હોય છે. સાચા અર્થમાં સશક્તિકરણ ત્યારેજ થયું કહેવાય જ્યારે સ્ત્રીને સમાન હક માંગણી થી નહી પણ સન્માન થી મળે.
આજે પણ આ શિક્ષિત અને સમજદાર ગણવામાં આવતા સમય માં માસિકસ્ત્રાવ જેવી ઘટનાઓ ને અપવિત્ર ગણીને સ્ત્રીત્વ પર બંધનો અને પ્રશ્નો કરવામાં આવે છે. તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતો હોવાથી માસિક સ્ત્રાવ એ મારા મત મુજબ કોઈ શરમજનક વાત નથી એ માત્ર શારીરિક પ્રક્રિયાઓ નો એક ભાગ છે. આજે કેટલીક સંકુચિત માનસિકતા ધરાવતી વ્યક્તિઓ આ ઘટનાને પાપની દ્વષ્ટિએ જોવે છે એમને મારો ફક્ત એક જ સવાલ છે કે જો સંપૂર્ણ દેહ નું નિર્માણ ઈશ્વર દ્વારા કરવામાં આવ્યું છે, તો શું ઈશ્વરે નિર્મિત કરેલી કોઈ વસ્તુ અપવિત્ર હોઈ શકે?????!!!!
સમાજ દ્વારા આ ઘટનાને પહેલાના સમયથી એવી રીતે બતાવવામાં આવી છે કે એના કારણસર કોઈ સ્ત્રી પોતાની પીડા બીજાને વ્યક્તિને કહેતા પણ ખચકાય છે. પોતાની પીડા કોઈને કહી પણ ના શકાય આવી પરિસ્થિતિ નું સર્જન કરવાથી સમાજ ની ઉન્નતિ થાય છે????
જેમ એક પુરુષ દરેક સમયે કોઈના કોઈ રીતે સ્ત્રીની મદદ ઈચ્છતો હોય છે એ પછી એની માતા, બહેન , મિત્ર કે પત્ની કોઈ પણ રૂપે હોય તો એક પુરુષે પણ આવા પીડાદાયક સમય દરમિયાન સ્ત્રી ની પૂરતી દેખરેખ રાખવી એ ખૂબજ જરૂરી છે.
નારિત્વ ના સન્માન ની જ્યારે વાત કરીએ ત્યારે સ્ત્રી રક્ષા પણ એક મહત્વનો મુદ્દો છે. દુષ્કૃત્ય અને ટીકાઓ માટે ફક્ત સોશીયલ મીડિયા પરના સ્ટેટસ અને વાતો પૂરતી નથી હોતી આ સમજવું એ દરેક માટે જરૂરી છે એ પછી પુરુષ હોય કે સ્ત્રી. કેટલીક વાર આવા અનિચ્છનીય બનાવ બન્યા પછી લોકો એક સાથે આજ પ્રકારે સોશીયલ મીડીયા દ્વારા સમર્થનમાં આવી જાય છે , હા આ વાત કોઈ ખોટી નથી. પરંતુ શું પીડિતાને ન્યાય મળે ત્યાં સુધી લોકો તેની સાથે હોય છે ખરા???? જે માતા ,પીતા આવા બનાવો દરમિયાન સ્ટેટસ અને સ્ટોરી માં નારી સન્માન ની વાત કરે છે તેઓ પોતાના બાળકો ને સ્ત્રીઓનું યોગ્ય સન્માન કરતા શીખવાડે છે ખરા???? શું સ્ટેટસ બદલવા કરતાં માનસિકતા માં બદલાવ કરવો જરૂરી નથી???
આવી ઘટનાઓનો સામનો કરવાની સાથે સાથે સ્ત્રી પ્રત્યે સન્માનજનક માનસિકતા કેળવવી પણ એટલી જ જરૂરી છે. જેમ સ્ત્રીઓ સશક્તિકરણ માટે આંદોલન કરે છે એજ રીતે સાચી સમજ નું વિસ્તરણ પણ કરવું જરૂરી છે.
સ્ત્રીઓનું પણ નારીત્વના સન્માનમાં એટલું જ મહત્ત્વનું યોગદાન હોય છે જેટલું એક પુરુષનું.
એક સ્ત્રીએ બીજી સ્ત્રીની સફળતાથી ખુશ અને તકલીફ થી દુઃખી થવું જરૂરી છે. જ્યારે સ્ત્રીઓ પુરુષો પાસે પોતાના હક માંગી સશક્તિકરણ ની વાત કરે છે ત્યારે એક સ્ત્રીએ પણ બીજી સ્ત્રીના હક નું સન્માન કરવું જરૂરી છે. પોતાનો વિષય નથી એવું કહીને ઘણીવાર સ્ત્રીઓ બીજી સ્ત્રી પર થતાં અત્યાચાર કે પીડા ને અટકાવતા રોકાય છે અથવા બીજાને પણ રોકે છે. સ્ત્રી એ પણ સમજવું જરૂરી છે કે આ વાત યોગ્ય નથી.
અંતમાં દરેક ને એટલું જ નિવેદન છે કે તમારા કારણે કોઈ સ્ત્રીને નીચું જોઈને ચાલવું પડે એવું ક્યારેય ન કરવું ?
સ્ત્રીના સન્માન નો કોઈ દિવસ નથી હોતો કારણ કે દરેક સ્ત્રી હંમેશા વંદનીય છે પરંતુ મહિલા દિવસ નિમિત્તે સર્વે ( ભૂલતા નઈ કે આપણા બધામાં સ્ત્રીત્વ રહેલું છે) ને ખૂબ ખૂબ શુભકામનાઓ ??
Happy woman’s day ???
– ધ્રુવ પટેલ “અચલ”


















































