સ્વામી વિવેકાનંદ (બંગાળી: স্বামী বিবেকানন্দ, શામી બિબેકાનંદો) (૧૨ જાન્યુઆરી, ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), નો આજ જન્મદિવસ છે.
જન્મે નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા. તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી. પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. પરમહંસ રામકૃષ્ણે તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવું શીખવ્યું હતું. ગુરૂનાં અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો અને પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ અને લીંબડીની મુલાકાત લીધી હતી. લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહજી ઝાલા (1862-1907)ને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વપ્રથમ વિચાર સ્વામીજીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો, જ્યારે તેઓ પરિવ્રાજક તરીકે ભ્રમણ કરતાં લીંબડી આવ્યાં હતા ત્યારે ઠાકોર સાહેબે સ્વામીજીને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત સ્વામી વિવેકાનંદે સૌ પ્રથમવાર ઝાલાવાડ (આજનું સુરેન્દ્રનગર) માં સાંભળી હતી. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ. “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે શરૂ કર્યુ.
આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યું. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યું કે “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદ અને ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.” તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. અવસાનના ત્રણ દિવસ પહેલા તેમણે અંતિમક્રિયાનું સ્થળ જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઉભુ છે. અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલાક વિદ્યાર્થીઓને શુક્લ યજુર્વેદ ભણાવ્યો હતો. તેઓ ભાઈ-વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી.
જુલાઈ ૪, ૧૯૦૨ના રોજ નવ વાગીને દસ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. ભાવવંદ
~ માનસી દેસાઈ


















































