ટાઈટલ પરથી જ લાગે છે ને કે એક હલકો ફુલકો લેખ હશે. સેવ મમરા જેવો, પચવામાં ય હળવો.
પણ હલકા ફુલકા સેવ મમરા પર મારો ભારેખમ સવાલ એ છે કે આ સેવ અને મમરા નું કોમ્બીનેશન બનાવ્યું કોણે? અને બનાવ્યું તો શું જોઈને બનાવ્યું?
ક્યાં નાજુક નમણી, પાતળી પદમણી જેવી સેવ અને ક્યાં આ ફૂલેલા દડા જેવા જાડ્યાં મમરા! નથી શેપ માં ભળતા કે નથી સાઈઝ માં. બન્ને ની પ્રકૃતિ પણ એકદમ અલગ.ગમે તેટલું હલાવો, ભેગા જ ના થાય.
અને પાછી ખાસિયત તો એ કે ગમ્મે એટલા મમરા ઉપાડો એકેય આખો નાં નીકળે. તુટલા ફૂટલાં જ હોય.
સેવ ગમે તેટલી સારી અને વ્યવસ્થિત હોય પણ આ મમરા વર્તાય જ આવે.
હું તો આવા અમુક કપલને ય સેવ મમરાની જોડી જ કહું.
રીઅલ લાઈફ સેવ મમરા.
આવી સેવ બહુ ટ્રાય કરે મમરા ને શણગારવાની. કાંઇક મસાલા નાંખે, પણ મમરા એ મમરા.
મને તો આ સસ્તા મમરા ખપાવવાનું કાવતરું લાગે છે, સેવ સાથે ભેળવીને વેચવાનું. બાકી સેવ વગરના મમરા એટલે ગામનાં વાંઢા જેવા, કોઈ ભાવ ય નાં પૂછે. પણ સેવ સાથે આવે એટલે એના માનપાન વધે. અને પછી તો આવા મમરા પાછા સેવ કરતા ય વધુ કુદાકુદ કરે. વાટકામાંથી ઉછળી ઉછળીને બહાર આવે. અને આ મમરા પાછા એક નંબર નાં બેવફા. જરાક પંખો ચાલુ થાય કે પવન આવે એટલે સેવને મુકીને ભાગે. સેવ બિચારી વાટકામા પડી રહે અને મમરા કોઈક બીજાના વાટકામા.
સારા ઘરની સેવોએ આવા મમરાઓ નાં ચક્કર મા ન પડવું જોઈએ. એને કરતા કોઈ સારું ટામેટું ગોતીને સેવ ટમેટાનું શાક ના બનાવીએ! શું કહેવું?
અને મમરાઓ ને ભેગા કરીને એના લાડુ બનાવોને, જે થોડા ઘણાં ભાવ્યા એ. સેવ શુ કામ બગાડવી?
એમાંય જો સેવમમરા નું પેકેટ લ્યો એટલે પતી ગયું. સેવ એટલી શરમાય કે કોઈ વાતે બહાર જ નાં આવે. પચાસ ગ્રામમાંથી ચાલીસ ગ્રામ સુધી મમરા જ નીકળ્યા કરે. છેલ્લે એક ચપટી સેવ નીકળે, નસીબ મા હોય તો.
હમણાં બે છોકરીઓએ સેવ મમરા નું પેકેટ લીધું. પણ બે ય ને મમરા જ નીકળે. એક છોકરીએ તો પાકું એનાલીસીસ કર્યું કે એક વાર ૯૦ ડીગ્રી ડાબું, બે વાર ૯૦ ડીગ્રી જમણું , એમ પેકેટ ફેરવીને ઉંધુ કરવાથી સેવ નીકળે. બહુ સ્માર્ટ હતી. પણ જો કે એનેય નીકળ્યા તો મમરા જ. એ બન્નેએ સેવ ને બહાર લાવવાની બારેક તરકીબો અપનાવી એટલા મા તો એના મમરા ખાલી થઇ ગયા. છેલ્લે એક બુકડો વધ્યા તા ત્યાં કોઈક ત્રીજી આવીને એ ખાઈ ગઈ. બધી સેવ એને જ આવી. પણ પાંચ રૂપિયામાં કાયદેસર લોટરી જીતવાની ફીલીંગ લીધી એણે.
આ તો લંચ મા જેને સેવ મમરા મળ્યા હોય ને એની આવી જ લાગણીઓ હોય સેવ મમરા પ્રત્યે…
બાકી સેવ મમરા ખાનારાઓ પ્રત્યે આપણને કોઈ ખટાશ નથી હો.
-હાર્દિક મકવાણા “હાર્દ”


















































