શું સંસાર અને પરમાત્મા સાથે પ્રાપ્ત ન થઇ શકે?
By ~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
એ ઘડી અતિ શુભ હોય છે જ્યારે સાંસારિક સંબંધોમાં સત્સંગનો લાભ મળી જાય. સામાન્ય રીતે સાંસારિક સંબંધોમાં વ્યવહારિક દુનિયાની સાંસારિક ચર્ચાઓ અને બિનજરૂરી પંચાતમાં જ સમય વ્યતીત થતો હોય છે. આધ્યાત્મિક સત્સંગ પણ ખૂબ ઓછા લોકોને પસંદ પડે છે અને જેને પસંદ પડે છે એને પણ થોડા સમય માટે સાંસારિક પીડાઓને ભૂલવા અથવા મનની ક્ષણિક શાંતિપ્રાપ્તિ અર્થે પસંદ પડે છે. પરંતુ આચરણના નામે બીગ ઝીરોથી વિશેષ પરિણામ જોવા મળતું નથી. આમ તો આધ્યાત્મિક આદેશો જીવનને ઉત્તમ ઉત્કૃષ્ટ બનાવવા માટેના આચરણના નિયમો છે. આચરણ વગરની ચર્ચાઓ પરિણામલક્ષી કદાપિ બની શકતી નથી. લગભગ બધા જ આ સત્ય જાણે છે છતાં અમલ કરી શકતા નથી એ જ સૌથી મોટી માનવજીવનની કરુણતા છે.
એક દિવસ સામાન્ય કૌટુંબિક ચર્ચા દરમ્યાન મારી નણન્દે મને કહ્યું કે તમારી સાથે આધ્યાત્મિક ચર્ચાઓમાં મને ખૂબ આનંદ આવે છે. ઉપરાંત મને અન્ય સંતો-મહંતો ધર્મગુરુઓ સદગુરુની વાતો દ્વારા પણ આનંદ અને નિરવ શાંતિ અનુભવાય છે. પરંતુ તેના દ્વારા જીવનમાં સંપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી અને સાંસારિક જીજીવિષાઓ પણ ખતમ થતી નથી. સાંસારિક ઈચ્છાપૂર્તિ તેમ જ ઇન્દ્રિયોના તમામ વિષયોમાં પણ એટલો જ રસ પડે છે. ઇચ્છાઓ અને વિષયોને છોડવાનું મન થતું નથી. થોડો સમય આધ્યાત્મિક સંવાદ આત્માને તૃપ્ત કરે છે. કદાચ એક પૌષ્ટિક આહાર કે ઔષધી તરીકેનું કામ તે કરતો હોય તેવું લાગે છે પરંતુ સતત અવિરત પ્રભુભક્તિ, સત્સંગ કે અન્ય આધ્યાત્મિક સાધનોમાં ચિત્ત ચોંટતું નથી. સતત અવિરત આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવાથી પણ એટલો જ કંટાળો આવે છે જેટલો સાંસારિક પ્રવૃત્તિ કે દૈનિક વ્યવહારિક કાર્યોમાં. એવું ન થઈ શકે કે સંસાર અને પરમાત્મા બંનેની એકસાથે પ્રાપ્તિ કરી શકાય કેમ કે મને તો સંસાર અને તેના વિષયોમાં ખૂબ ઊંડો રસ અને આસક્તિ છે અને ઈશ્વરને લગતી પ્રવૃત્તિઓ કે સેવાપૂજા પણ ગમે છે.
મેં તેને કહ્યું કે ઘણીવાર ખૂબ સામાન્ય લાગતી બાબત પણ નથી સમજાતી જેમ કે સાસરે જવું હોય કે સાસરુ મેળવવાની ઇચ્છા હોય પરંતુ પિયર છોડવું ન ગમે તો પિયર છોડ્યા વગર સાસરુ મેળવી શકાય ખરું? કોઈ વ્યક્તિ એમ કહે કે મારે પૈસાદાર થવુ છે પરંતુ ગરીબીથી મને પ્રેમ છે, તો ગરીબીનો પીછો છોડ્યા વગર પૈસાદાર બની શકાય ખરું? તમને પ્રકાશથી પ્રેમ હોય પરંતુ અંધારું છોડવાની ઇચ્છા ન હોય તો અંધકાર અને પ્રકાશ એક સાથે રહી શકે ખરા? બોમ્બે જવાની ઇચ્છા હોય પરંતુ અમદાવાદ છોડવું ન ગમે અથવા કાશ્મીરનું સૌંદર્ય જોવાની અદમ્ય ઇચ્છા હોય પરંતુ ઘરની બહાર નીકળવું માફક ન આવે તો આ બંને વાત એક સાથે શક્ય બને ખરી? એમ સંસાર અને પરમાત્મા પૂર્વ અને પશ્ચિમ બે વિરોધી દિશા છે. બંને એક સાથે કેવી રીતે મેળવી શકાય. એકવાર કોઈ એક દિશા કે લક્ષ્ય નક્કી કર્યા પછી વારંવાર યુ ટર્ન મારીએ તો ડેસ્ટિનેશન પર પહોંચી શકાય ખરું? જેમકે અમદાવાદથી બોમ્બે જવા ઘરેથી નીકળો અને બરોડા પહોંચતાં સુધીમાં કંટાળો આવવા માંડે કે નથી જવું અને યુ ટર્ન લઈ પાછા ફરો અને આવું વારંવાર થાય તો મંજિલે પહોંચી શકાય ખરું?

ભૌતિક કે આધ્યાત્મિક, લૌકિક કે અલૌકિક કોઈપણ ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે સાતત્ય અને સંકલ્પ અનિવાર્ય છે તે વગર સફળતા શક્ય નથી. થોડીવાર પરમાત્માપ્રાપ્તિમાં રસ પડે અને ફરી પાછો સંસારમાં તો માત્ર ગોળગોળ અર્થહીન ફેરા જ ફર્યા કરવું પડે. જે ક્રિયા આપણે યુગોથી કરી રહ્યા છીએ. પરંતુ કશું જ પ્રાપ્ત થઈ રહ્યું નથી, ના સંપૂર્ણ સંસાર કે ન સંપૂર્ણ આત્મા કે પરમાત્મા.
આત્મા કે પરમાત્માને કોઈ વ્યક્તિ વિશેષ ન સમજતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક શક્તિ (દિવ્યશક્તિ) જો સમજીએ તો તે શક્તિપ્રાપ્તિ માટે યથાર્થ સમજણ, સંકલ્પ અને સાતત્ય (પ્રયત્નમાં નિયમિતતા) આવશ્યક છે દા.ત. માત્ર શારીરિક ક્ષમતા (શક્તિ) વધારવી હોય તો સતત નિયમિત રીતે જિમ જવું પડે, આરોગ્ય અને આહારના મૂળભૂત પ્રાકૃતિક નિયમોનું નિયમિતરૂપે પાલન કરવું પડે. બે દિવસ જીમ જઈએ અને ચાર દિવસ બ્રેક પાડીએ, થોડા દિવસ આહાર અને આરોગ્યના નિયમો પાળીએ અને પાછા છોડી દઈએ તો શક્તિપ્રાપ્તિનો ઉદ્દેશ્ય સિદ્ધ થઇ શકે ખરો? માત્ર શારીરિક, માનસિક એનર્જી મેળવવા માટેના પ્રયત્નોમાં પણ સંસારને, સંબંધોને, અન્ય ઈચ્છાઓને ભુલી શક્તિપ્રાપ્તિના ઉદ્દેશ્યને પ્રાથમિકતા આપવી પડતી હોય છે. જો સામાન્ય શક્તિપ્રાપ્તિ કે સફળતાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ માટે પણ અન્ય બધું ભૂલી તમામ પ્રાથમિકતા બદલી માત્ર એક ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હોય, તે માટેના અવિરત પ્રયત્નો થાક્યા વગર કરવા પડતા હોય તો આ તો દિવ્યશક્તિ કે પરમાત્માપ્રાપ્તિની વાત છે તે કેવી રીતે સાંસારિક પ્રાથમિકતા બદલાયા વગર સિદ્ધ થઈ શકે.
કંઈક મેળવવા કંઈક છોડવું પડતું હોય છે એ તો સર્વવિદિત છે. દહીં ખાવું છે પરંતુ દૂધ મેળવવાની એટલે કે એવિ ક્રિયા જે દ્વારા દૂધમાથી દહી બને તે કરવાની તૈયારી નથી એ કેવી રીતે બને. સંસાર સાથે detach થયા વગર પરમાત્મા સાથે attach થવું લગભગ અશક્ય છે કેમકે એક અંધકાર છે અને બીજો પ્રકાશ છે. પ્રકાશના એક કિરણ સાથે અંધકારે તો જવું જ પડતું હોય છે અને જો અંધકાર જ પસંદ હોય તો દીવો કરવાની ઈચ્છાને ત્યજવી પડે. સાધક માટે સંસાર અને પરમાત્મા બન્નેને એકસાથે પામવા અશક્ય છે એવું મારૂ અંગત મંતવ્ય છે. સંપૂર્ણ સિદ્ધ મહાત્મા માટે કદાચ એ શક્ય બની શકે કેમ કે તેવો મનોવિજય કે મનોનાશની સ્થિતિ સુધી પહોંચી ગયા હોય છે. સંસારમાં રહેવા છતાં તેમનું મન પરમાત્મામાં વિલિન થઈ ગયું હોય છે જેથી ઇન્દ્રિયોના કોઈ વિષયો તેમને લલચાવી શકતા નથી. સામાન્ય રીતે ઈન્દ્રિયો અને તેના વિષયો મનના દોરવાયા દોરાતા હોય છે તેમનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ હોતું નથી અને જેનું મન નાશ પામ્યું છે અથવા જેણે મનોવિજયની સ્થિતિ હાંસલ કરી છે તેને ઇન્દ્રિયો અસર કરી શક્તી નથી.
સંસારમાં રહેવા છતાં તમારા સુખ કે દુઃખ અન્ય દ્વારા નક્કી થતા ન હોય, સંસારના કોઈ વિષયો પ્રત્યે મોહ કે આસક્તિ ન હોય, ગમા-અણગમાની સ્થિતિથી ખૂબ ઊંચા ઉઠી ગયા હોય, સનાતન સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય, ષડરિપુથી પીછો છોડાવી લીધો હોય તેના માટે કદાચ સંસાર પરમાત્માપ્રાપ્તિમાં બાધક ન બને તેવું શક્ય છે. સિદ્ધ મહાત્માઓ સંસાર અને પરમાત્માને સાથે અવશ્ય પામી શકે. પરંતુ સાચા અર્થમાં તેમણે પણ બંનેને સાથે પ્રાપ્ત કર્યા ન કહેવાય કેમ કે સંસાર તેમના મનમાંથી નીકળી ગયો છે એટલા માટે પરમાત્માપ્રાપ્તિ તેમના માટે શક્ય બની છે.
ટૂંકમાં મારી સમજ એવું કહે છે કે સંસાર પ્રત્યે પ્રેમ અને આસક્તિ ધરાવનાર માટે પરમાત્માપ્રાપ્તિ અસંભવ છે કેમકે પરમાત્માપ્રાપ્તિ એટલે જ સંસારમુક્તિ જેને આપણે મોક્ષ કહીએ છીએ. આમ સંસારમોહ અને સંસારમુક્તિ બે વિરોધી બાબત છે જે સાથે શક્ય નથી. એનો અર્થ એ બિલકુલ નથી કે દરેકે સન્યાસ લઇ લેવો, ભગવા ધારણ કરવા કે સંસારથી દૂર હિમાલયમાં આશ્રય લેવો. પરંતુ ઈચ્છાઓનો સન્યાસ અનિવાર્ય છે. જ્ઞાનનો ભેખ ધરવો આવશ્યક છે. મોહમાયાથી દૂર પ્રભુશરણ જરૂરી છે. પ્રભુશરણમાં પણ સાતત્ય એટલે કે અવિરત પ્રયત્ન એ પૂર્વશરત છે. સુખમાં સંસાર યાદ આવે અને દુઃખમાં પરમાત્મા એ રીતે વારંવાર દિશા પરિવર્તન કરવાથી ધ્યેયપ્રાપ્તિ કદી ન થઇ શકે અથવા એવો મનુષ્ય તેની મંઝિલ કદાપિ પ્રાપ્ત ન કરી શકે એટલું તો સમજવું જ રહ્યું.
~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































